આદિવાસી અધિકારોનો સબળ અવાજ: જયપાલ સિંહ મુંડા

વીસમી સદીની શરૂઆતમાં વર્તમાન ઝારખંડના અત્યંત ગરીબ આદિવાસી સમાજમાં જન્મેલો એક છોકરો આગળ જતાં અંગ્રેજીમાં શિક્ષણ મેળવે, ઓક્સફોર્ડ યુનિની ડિગ્રી મેળવે, અત્યંત અઘરી ગણાતી ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરે, દેશને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવતી ટીમનો કેપ્ટન બને, દેશના બંધારણમાં આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરે, તો શું તમે માનો ખરાં? વાંચો પરિકથા સેવા સપનાઓને સાકાર કરી બતાવનાર આદિવાસી હીરો જયપાલસિંહ મુંડાની કહાની, સિનિયર પત્રકાર ચંદુ મહેરિયાના શબ્દોમાં.

આદિવાસી અધિકારોનો સબળ અવાજ: જયપાલ સિંહ મુંડા
image credit - Google images

ચંદુ મહેરિયા


દલિતોને બંધારણીય રાહે અનામત અને વિશેષ સગવડો ડો. બાબાસાહેબ આંબેડકરની લડતને કારણે મળી શકી છે. પરંતુ આદિવાસીઓને શું આપમેળે જ અનામત અને અન્ય લાભો મળી ગયા છે? કે તે માટે કોઈએ પ્રયત્નો કર્યા હતા? આ પ્રશ્નનો જવાબ આદિવાસીઓની હાલની પેઢી પણ ઝટ દઈને આપી શકતી ન હોય એ હદે આદિવાસીઓના બંધારણીય અધિકારો માટે સંઘર્ષરત જયપાલ સિંહ મુંડા (૧૯૦૩-૧૯૭૦) ને વિસરી જવાયા છે. ભારતની બંધારણ સભાના અલ્પ આદિવાસી સભ્યો પૈકીના એક જયપાલ સિંહ મુંડાને જ લીધે આદિવાસીઓના અનામત સહિતના લાભોને બંધારણીય સંરક્ષણ પ્રાપ્ત થઈ શક્યું છે.


આજથી એક સો વીસ વરસ પૂર્વે ત્રીજી જાન્યુઆરી ૧૯૦૩ના રોજ તત્કાલીન બંગાળ પ્રેસિડેન્સીના અને વર્તમાન ઝારખંડના ખૂંટી જિલ્લાના ટકરા ગામે મુંડા આદિવાસી પરિવારમાં જયપાલ સિંહનો જન્મ થયો હતો. બચપણનું નામ પ્રમોદ પાહન. પિતા અમરુ પાહન અને માતા રાધામુનિના આ સંતાનનું આરંભિક શિક્ષણ પૈતૃક ગામમાં થયું હતું. ગામથી માંડ પંદર કિલોમીટર દૂર રાંચીની ખ્રિસ્તી મિશનરીઓની અંગ્રેજી શાળા સેન્ટ પોલ સ્કૂલમાં એ દાખલ થયા અને જાણે કે જીવનની દિશા બદલાઈ ગઈ. આ આદિવાસી બાળકની કુશાગ્ર બુધ્ધિ અને પ્રતિભાને કારણે સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કેનનની તેના પર વિશેષ નજર હતી. એટલે ધર્મ પલટો કરીને તેને ખ્રિસ્તી બનાવાયો. સાથે નામ અને અટકમાં પણ પલટો થયો. મુંડાએ તેમની આત્મકથા Lo Bir Sendra  માં નોંધ્યું છે તેમ પ્રમોદ પાહનમાંથી તેમનું નવું નામ અને અટક જયપાલ સિંહ મુંડા કદાચ તેમને ૧૯૧૧માં સ્કૂલમાં જ મળ્યું હતું.

(ડો. ભીમરાવ આંબેડકર જેમ શૂટબૂટમાં જયપાલ સિંહ મુંડા)


આદિવાસી બાળક જયપાલને અંગ્રેજોની શાળામાં ભણવાનો મોકો તો મળ્યો, ઈ.સ. ૧૯૧૮માં તેમની પંદર જ વરસની વય હતી ત્યારે ફાધર કેનન તેમને બ્રિટન લઈ ગયા. આ વિદેશગમન મુંડાની જિંદગીનું મહત્વનું વળાંક બિંદુ હતું. બ્રિટનમાં રહીને તે ઓકસફર્ડમાં ભણ્યા. અહીં જ તેમણે મેટ્રિકથી અનુસ્નાતક સુધીનો અભ્યાસ ઉંચા મેરિટ સાથે કર્યો. અભ્યાસની સાથે તે હોકી રમતા. તેમાં એવી તો મહારત હાંસલ કરી કે પરતંત્ર ભારતની હોકી ટીમના તે કેપ્ટન બન્યા. ઈ.સ. ૧૯૨૮માં ભારતની હોકી ટીમે ઓલમ્પિક્માં ગોલ્ડ મેળવ્યો તે ટીમના મુંડા કેપ્ટન હતા. ઓકસફર્ડ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી આદિવાસી, કલર્ડ અને એશિયનની ભેદભાવસૂચક ઓળખ અને ભેદભાવ છતાં આગળ વધતો રહ્યો. બ્રિટનમાં ભણતા આદિવાસી યુવાન મુંડાએ આ દિવસોમાં જ ઈન્ડિયન સિવિલ સર્વિસની અઘરી પરીક્ષા પાસ કરી. આવી મોભાદાર નોકરીની પરીક્ષા પાસ કરનારા તેઓ પ્રથમ આદિવાસી હતા. પરંતુ હોકીની ઓલિમ્પિક અને આઈ સી એસની ટ્રેનિંગ વચ્ચે પસંદગી કરવાની આવી ત્યારે એમણે હોકીને પસંદ કરી હતી.,આઈ સી.એસ છોડ્યું હતું. 


હોકીમાં કારકિર્દીની ટોચે હતા ત્યારે એમણે હોકીને અલવિદા કરી. ઓલિમ્પિક ગોલ્ડ હોકી ટીમના એમના સાથી મેજર ધ્યાનચંદે આત્મકથા ‘ગોલ’માં મુંડા પ્રત્યે આચરાતો ભેદભાવ તેનું કારણ હોવાનો નિર્દેશ કર્યો છે. કોલકત્તામાં બર્મા ઓઈલ કંપનીમાં મુખ્ય અધિકારી તરીકે તેમની નિમણૂંક થઈ હતી તે દરમિયાન પ્રતિષ્ઠિત બંગાળી રાજકીય ઘરાનાના તારા બેનરજી સાથે ૧૯૩૨માં તેમણે લગ્ન કર્યા. બહુમુખી પ્રતિભા ધરાવતા મુંડાએ દેશમાં અને વિદેશમાં અધ્યાપન પણ કર્યું હતું. બિકાનેર રજવાડાના મહેસૂલ અને વિદેશ સચિવ તથા કશ્મીરના રાજા હરિસિંહના દીકરા કર્ણ સિંહના ટ્યુટર પણ તેઓ હતા. વીસ વરસના વિદેશ વસવાટ પછી તેઓ ભારત પરત આવ્યા ત્યારે મિશનરીઓની અપેક્ષા પ્રમાણે આદિવાસીઓમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસારને બદલે તેમણે જાતભાઈઓના શોષણ અને બદતર હાલતમાં પરિવર્તન આણવાનો માર્ગ પસંદ કર્યો. 

(અલગ અલગ અંદાજમાં આદિવાસી યોદ્ધા જયપાલ સિંહ)


જયપાલ સિંહ મુંડાએ બિહાર અને અન્યત્ર આદિવાસીઓના રોજગાર અને શિક્ષણની સ્થિતિ નજરે નિહાળી. તત્કાલીન કોંગ્રેસ નેતાઓ તે અંગે કંઈ કરે છે તેમ ના લાગતાં તેમણે આદિવાસીઓમાં રાજકીય જાગ્રતિના પ્રયાસો આદર્યા, ૧૯૩૯માં તેમણે અખિલ ભારતીય આદિવાસી મહાસભાની સ્થાપના કરી. તેમના અધ્યક્ષસ્થાને ચાર જ મહિના પછીની જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં તેમણે ૩૮ બેઠકો મેળવી. એટલે કોંગ્રેસને તેઓ પડકારરૂપ લાગ્યા. ઠક્કરબાપાના પ્રમુખપદે કોંગ્રેસે પણ આદિવાસીઓનું સંગઠન ઉભું કર્યું. ૧૯૪૦માં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન રામગઢમાં યોજાયું ત્યારે મુંડાએ લગભગ તેને સમાંતર એવી આદિવાસીઓની મહાસભા યોજી. તેમાં કોંગ્રેસના નારાજ નેતા સુભાષચંન્દ્ર બોઝને નિમંત્રીને તો વળી નવી ચેલેન્જ ફેંકી. આદિવાસી બહુલ ૨૬ જિલ્લાનું અલગ ઝારખંડ રાજ્ય રચવાની તેમણે માંગ કરી. સુભાષબાબુએ પહેલાં સ્વરાજ પછી અલગ રાજ્યની સલાહ આપતાં આદિવાસી મહાસભા પૂર્ણ સ્વરાજ અને હિંદ છોડો ચળવળમાં જોડાઈ અને હજારો આદિવાસીઓએ જેલ ભોગવી જમશેદપુરના કારખાનાઓમાં કામ કરતા આદિવાસી કામદારોના અધિકારો માટે મુંડાએ આદિવાસી લેબર ફેડરેશન પણ બનાવ્યું હતું.


આઝાદી પહેલાં સ્વતંત્ર ભારતના બંધારણની રચનાની પ્રક્રિયા શરૂ થઈ હતી. મુંડા તેમાં સક્રિય હતા. એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે તેઓ બંધારણ સભામાં ચૂંટાયા હતા. બંધારણ સભામાં તેમણે આદિવાસીઓના અધિકારોની ધારદાર રજૂઆત કરી હતી. આદિવાસીઓ માટે શિક્ષણ, નોકરીઓ અને રાજકારણમાં અનામત બેઠકો મુંડાની રજૂઆતોનું પરિણામ છે. રાજકીય અનામતો માટેની ૧૦ વરસની મર્યાદા તેમને સ્વીકાર્ય નહોતી. બંધારણ સભામાં તેમણે કહ્યું હતું કે દસ વરસમાં ભારત કંઈ સ્વર્ગ નથી બની જવાનું. આટલા વરસોમાં ના તો રાજકીય જાગૃતિ આવશે કે ન તો યોગ્ય પ્રતિનિધિત્વ ઉભું થશે. દર દાયકે લંબાવાતી રાજકીય અનામતોની મુદતે મુંડાને સાચા ઠેરવ્યા છે. 


બંધારણ સભામાં અને મહત્વની સમિતિઓમાં આદિવાસીઓના અને ખાસ તો આદિવાસી મહિલાઓના અલ્પ પ્રતિનિધિત્વનો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે બંધારણમાં આદિવાસીઓ માટે અનુસૂચિત જાતિને બદલે આદિવાસી શબ્દ જ પ્રયોજાય. દારૂબંધીને બંધારણના માર્ગદર્શક સિધ્ધાંતોમાં સામેલ કરવાના પણ તેઓ વિરોધી હતા. તેઓ દારૂને આદિવાસીઓના જીવનનો ભાગ માનતા હતા. આદિવાસીઓને લગતી બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ પણ તેમની બંધારણ સભાના સભ્ય તરીકેની સબળ રજૂઆતોને કારણે જ શક્ય બની છે. 

(જર્જરિત હાલતમાં જયપાલ સિંહ મુંડાની પૈતૃક ધર)


૧૯૫૦માં આદિવાસી મહાસભાનું ઝારખંડ પાર્ટીમાં તેમણે રૂપાંતર કરીને આદિવાસીઓનો રાજકીય અવાજ બુલંદ કર્યો. ૧૯૫૨ની ચૂંટણીમાં તેના ૩૨ ઉમેદવારો ધારાસભામાં અને ૪ લોકસભામાં ચૂંટાયા હતા. આ વિજયે મુંડાને આદિવાસી સમાજની રાજનીતિનો પ્રાણવાયુ સાબિત કર્યા. ૧૯૫૭માં તેના વધુ ઉમેદવારો વિજયી બન્યા. એટલે ૩૪ ધારાસભ્યો અને ૫ સંસદસભ્યો બન્યા. જોકે ૧૯૬૨માં તેના લોકસભામાં તો પાંચ ઉમેદવારો જીત્યા પણ ધારાસભ્યો ઘટીને ૨૨ જ થઈ ગયા. મુંડા લાગલગાટ ચાર વખત ખૂંટી મતવિસ્તારમાંથી જ સંસદમાં ચૂંટાતા રહ્યા હતા. ૧૯૬૨માં તેમના પક્ષના ૨૨માંથી ૧૨ ધારાસભ્યોને કોંગ્રેસે પક્ષપલટો કરાવ્યો. તેથી લાચાર મુંડાએ ઝારખંડના અલગ રાજ્યની રચનાની શરતે પક્ષનો કોંગ્રેસમાં વિલય કર્યો. કોંગ્રેસે મુંડાને બિહારના નાયબ મુખ્યમંત્રી તો બનાવ્યા પણ અલગ રાજ્ય ના બનાવ્યું. તેથી નારાજ મુંડાએ એક જ મહિનામાં રાજીનામું આપ્યું. છેક ૨૦૦૦ના વરસમાં ઝારખંડનું નોખું રાજ્ય રચાયું ત્યારે મુંડાનું સ્વપ્ન સાકાર થયું. 


૬૭ વરસની વયે ૨૦મી માર્ચ ૧૯૭૦ના દિવસે દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું. હોકીના સર્વોચ્ચ ખેલાડી તરીકે તેમને ઓક્સફર્ડ બ્લૂનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ ખિતાબ મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય છે. ઘર આંગણે આદિવાસીઓએ તેમને પ્રેમ અને આદર સાથે ‘મરાંગ ગોમકે’ ( સર્વોચ્ચ કે મહાન નેતા) નું સન્માન આપ્યું હતું. આ સન્માન મેળવનારા પણ મુંડા એકમાત્ર છે. જ્યારે દેશમાં સંઘર્ષશીલ રાજકીય આદિવાસી નેતૃત્વ દોહ્યલું બની રહ્યું છે ત્યારે જયપાલ સિંહ મુંડાને વિસ્મૃતિની ગર્તામાં બહાર કાઢી અહર્નિશ યાદ કરવાની જરૂર છે.


હોકીના સર્વોચ્ચ ખેલાડી તરીકે તેમને ઓક્સફર્ડ બ્લૂનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ ખિતાબ મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય છે. ઘર આંગણે આદિવાસીઓએ તેમને પ્રેમ અને આદર સાથે 'મરાંગ ગોમકે' (સર્વોચ્ચ કે મહાન નેતા) નું સન્માન આપ્યું હતું. આ સન્માન મેળવનારા પણ મુંડા એકમાત્ર છે.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સાહિત્યના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આગળ વાંચોઃ કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.