DNA રિપોર્ટ તપાસ્યા વિના જજે આદિવાસી આરોપીને 20 વર્ષની સજા ફટકારી

દેશના ન્યાયતંત્રમાં કઈ હદે લહેરિયું ખાતું ચાલે છે, કઈ હદે જજો બેદરકારી દાખવી સામાન્ય માણસની જિંદગી સાથે રમત કરે છે તેનો આ કેસ ઉત્તમ નમૂનો છે.

DNA રિપોર્ટ તપાસ્યા વિના જજે આદિવાસી આરોપીને 20 વર્ષની સજા ફટકારી
image credit - Google images

ન્યાયતંત્રમાં બેઠેલો લોકો કઈ રીતે આ દેશના ગરીબ, અભણ અને લાચાર લોકોની જિંદગી સાથે રમત રમી નાખે છે તેનું આ કેસ વરવું ઉદાહરણ છે. ભારતમાં આમ પણ નીચલી કોર્ટોમાં જે પ્રકારની માનસિકતા ધરાવતા જજો બેઠઆં છે અને તેઓ જે પ્રકારના નિવેદનો આપીને આજકાલ મીડિયામાં ચમકી રહ્યાં છે, તે જોતા આવા વધુને વધુ કિસ્સા સામે ન આવે તો જ નવાઈ લાગે.

મામલો કંઈ આવો છે. એક આદિવાસી વ્યક્તિ પર એક મહિલાએ તેની સગીર વયની દીકરી પર તેણએ બળાત્કાર કર્યાનો આરોપ મૂકીને કેસ કર્યો હતો. આ મામલે તપાસ દરમિયાન પોલીસે આરોપીનો ડીએનએ રિપોર્ટ કઢાવ્યો હતો, જેમાં સાબિત થતું હતું કે પીડિતાના આંતરવસ્ત્રોમાં કે અન્ય કોઈ જગ્યાએ સ્પર્મના નમૂના મળ્યાં નથી. ટૂંકમાં ડીએનએ રિપોર્ટ સંપૂર્ણપણે નેગેટિવ આવ્યો હતો. જેના પરથી કથિત પીડિતા પર કોઈ બળાત્કાર થયો ન હોવાનું ફલિત થતું હતું, આ સિવાય બીજા પણ અનેક પુરાવા પીડિતાની વિરુદ્ધમાં જતા હતા. તેમ છતાં નીચલી કોર્ટના પોક્સો સ્પેશિયલ જજ અને ADPO(Assistant District Prosecution Officer) એ આ તમામ પુરાવાઓને અવગણીને એ આદિવાસી વ્યક્તિને 20 વર્ષની જેલની સજા ફટકારી દીધી હતી.

આ પણ વાંચોઃ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી

જેની સામે આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ત્યાં ડીએનએ રિપોર્ટ સહિતના મામલે જજ અને એડીપીઓએ જે બેદરકારી દાખવી હતી તેનો ભાંડો ફૂટ્યો હતો. હાઈકોર્ટે નોંધ્યું કે જજ અને એડીપીઓએ ડીએનએ રિપોર્ટની સદંતર અવગણના કરીને આ મનઘડંત ચૂકાદો આપ્યો છે. હવે હાઈકોર્ટે જજ અને એડીપીઓ સામે તપાસના આદેશો આપ્યા છે.

ઘટના આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચારો થાય છે તે મધ્યપ્રદેશનો છે. અહીં જબલપુર હાઈકોર્ટે ઉમરિયા જિલ્લાના બળાત્કારના એક કેસમાં નીચલી અદાલતે આપેલા ચૂકાદાને રદ કર્યો છે. આ સાથે જ હાઈકોર્ટે આ ચૂકાદો આપનાર જજ અને સરકારી વકીલની તપાસનો આદેશ પણ આપ્યો છે. આ અપીલ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, 2012 (POCSO) હેઠળ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આમાં ગંભીર ગેરરીતિઓ શોધી કાઢી છે. હાઈકોર્ટે કેસની સુનાવણીમાં બેદરકારી દાખવવા બદલ સ્પેશ્યિલ જજ અને સહાયક જિલ્લા પ્રોસિક્યુશન ઓફિસર (ADPO) સામે તપાસનો આદેશ આપ્યો છે.

મામલો શું હતો?
વર્ષ 2020 માં ઉમરિયા જિલ્લાની એક મજૂર મહિલાની પુત્રીએ આરોપ મૂક્યો હતો કે તે જે મકાનમાં બાંધકામ કરતી હતી તેના માલિકે તેની પર બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં, આરોપીના પુત્રએ તેના પર ગરમ પાણી ફેંક્યું હતું. કથિત પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો કે ઘટના બાદ આરોપીની પત્નીએ તેને ધમકી આપી હતી.

કથિત પીડિતાની ફરિયાદ પર આરોપી, તેની પત્ની અને પુત્ર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366-A, 376(2)(n) અને POCSO એક્ટની કલમ 5/6 હેઠળ FIR નોંધવામાં આવી હતી. કેસની તપાસ દરમિયાન પોલીસે ડીએનએ રિપોર્ટ મેળવ્યો હતો, જે રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, સાગર દ્વારા 31 ઓક્ટોબર, 2022 ના રોજ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજો વિશ્વ હિંદુ પરિષદની બેઠકમાં શું કામ ગયા હતા?

આ રિપોર્ટ સ્પેશિયલ જજ વિવેક સિંહ રઘુવંશી(Vivek Singh Raghuvanshi) અને ADPO બી.કે. વર્મા (B.K. Varma) પાસે પહોંચ્યો હતો. પરંતુ રિપોર્ટને અવગણીને જજે આદેશ જારી કર્યો હતો. આ DNA રિપોર્ટ ન તો સરકારના એડવોકેટ દ્વારા રેકોર્ડ પર લાવવામાં આવ્યો હતો, ન તો સુનાવણી દરમિયાન આરોપીને ક્રોસ એક્ઝામિનેશનમાં તેને સંબંધિત કોઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા.

DNA રિપોર્ટ સહિતના સાક્ષીઓ આરોપીની તરફેણમાં
આ કેસની સુનાવણી જસ્ટિસ વિવેક અગ્રવાલ(Vivek Aggarwal) અને જસ્ટિસ દેવનારાયણ મિશ્રા(Devnarayan Mishra)ની બેન્ચમાં થઈ હતી. એ દરમિયાન એ વાત સામે આવી હતી કે ડીએનએ રિપોર્ટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે કથિત પીડિતાના આંતરવસ્ત્રોમાં પુરૂષનું કોઈ ડીએનએ નહોતું. આ સિવાય સ્પર્મ સ્લાઈડ્સ સહિત અન્ય ટેસ્ટમાં પણ કોઈપણ પ્રકારની ઈજા કે બળાત્કારની પુષ્ટિ થઈ નહોતી. સાથે જ કોર્ટમાં પીડિતા અને તેની માતાની ક્રોસ એક્ઝામિનેશનથી એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે કથિત પીડિતાએ તેની માતાને માત્ર લડાઈ ઝઘડાની વાત કરી.

આ પણ વાંચોઃ સવર્ણોના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું, તે જજોએ અનામત વિશેના ચૂકાદામાં લખ્યું છે

એ પછી ગ્રામજનો સાથે ચર્ચા કર્યા બાદ ઘટનાના બીજા દિવસે આ બળાત્કારની FIR દાખલ કરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ એ હકીકત પણ સામે આવી કે કથિત પીડિતાએ આ પહેલા પણ ઘણા લોકો સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. એ પછી પણ નીચલી કોર્ટે આ તમામ તથ્યોને અવગણીને આરોપીઓ વિરુદ્ધ આદેશ કર્યો હતો અને તેને 20 વર્ષની સજા ફટકારી હતી.

જજ અને ADPO ની ગંભીર બેદરકારી
હાઈકોર્ટે અવલોકન કર્યું કે ડીએનએ રિપોર્ટ 14 નવેમ્બર, 2022ના રોજ નીચલી કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્પેશ્યિલ જજે તેને exhibit નહોતો કર્યો. તેમજ ADPO એ ફરિયાદ પક્ષ વતી રજૂ કરવામાં બેદરકારી દાખવી હતી. આ ગંભીર ભૂલ ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કોર્ટે જોયું કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 313 હેઠળ આરોપીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, પરંતુ ડીએનએ રિપોર્ટ પર આરોપીઓને કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો ન હતો.

હાઈકોર્ટે જજ અને ADPO ની આકરી ઝાટકણી કાઢી
અદાલતે પ્રથમ દૃષ્ટિએ ADPO અને સ્પેશ્યિલ જજ બંને પર બેદરકારીનો આરોપ મૂક્યો છે. આ બેદરકારીને જોતા કોર્ટે નિર્ણય લીધો કે કેસને પાછો ટ્રાયલ કોર્ટમાં મોકલવામાં આવે, જેથી ડીએનએ રિપોર્ટને યોગ્ય રીતે રજૂ કરી શકાય, આરોપીઓનું નિવેદન ફરીથી નોંધવામાં આવે અને આ મામલામાં ટ્રાયલ 3 મહિનામાં પૂર્ણ કરવામાં આવે.

જજ અને ADPO ઓની તપાસનો આદેશ અપાયો
કોર્ટે નિર્દેશ આપ્યો છે કે ડીએનએ રિપોર્ટ સહિત તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને ત્રણ મહિનાની અંદર કેસને ખતમ કરવામાં આવે. તેમજ ADPO બી.કે. વર્મા અને વિશેષ ન્યાયાધીશ વિવેક સિંહ રઘુવંશી વિરુદ્ધ બેદરકારીના આરોપોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ બાદ તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

ચુકાદો આપતા પહેલા પુરાવાની તપાસ કરવી જરૂરી છે
જબલપુર હાઈકોર્ટનો આ નિર્ણય ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટના ન્યાયાધીશોની જવાબદારીના મહત્વને દર્શાવે છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. આવી કોઈપણ બેદરકારીને સાંખી લેવામાં નહીં આવે. કારણ કે તેમાં મુખ્ય તથ્યોની અવગણના કરવામાં આવી હતી. આ ચૂકાદો કોઈ નિર્દોષને જેલમાં રાખવાનું કારણ બની શકે છે.

કલ્પના કરો, 20 વર્ષની સજા થઈ હોત તો શું થાત?
હવે કલ્પના કરો કે, આ કેસમાં જો આરોપીએ હાઈકોર્ટમાં અપીલ ન કરી હોય તો તેની શું દશા થાત? જિંદગીના 20 વર્ષ જેલમાં કાઢવા પડત. આ કલ્પના જ એટલી ભયાનક છે, તો વિચારો કે ખરેખર જ્યારે જજે આ સજા આરોપી આદિવાસી શખ્સને સંભળાવી હશે ત્યારે તેની મનોદશા શું હશે? કોઈ જજ હમણાં જ કહ્યું હતું કે, ન્યાયની દેવી અંધ છે, પણ જજોને તો આંખો છે ને?

આ પણ વાંચોઃ એસસી, એસટીમાં પેટા વર્ગીકરણ બાબતે કોલેજિયમ જજોની દાનત શું છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.