SC, ST માં વર્ગીકરણ બાબતે કોલેજીયમ જજોની દાનત શું છે?
એસસી, એસટી સમાજની અનામત સવર્ણ હિંદુઓને વર્ષોથી ખટકતો મુદ્દો રહ્યો છે. શરૂઆત પબ્લિકેશનના કૌશિક પરમાર અહીં ન્યાય તોળનારાઓની દાનતની વાત કરે છે.
કૌશિક શરૂઆત
આઝાદીના ૭૭ વર્ષ બાદ અનામત પૂરી રીતે લાગુ નથી થઈ, વસ્તી પ્રમાણે સીટો નથી ભરાઈ, આખા દેશની જાતિગત વસ્તી ગણતરી નથી કરવા દેવી અને હવે કોલેજીયમ સિસ્ટમથી જજ બનતા સવર્ણોએ અનામતનું વર્ગીકરણ કરવું છે.
વસ્તી પ્રમાણે દલિત, આદિવાસીઓને પ્રતિનિધિત્વ આપ્યું હોત અને કેટલીક જાતિઓ પછાત રહી જાત તો કહેવાત કે ચાલો વર્ગીકરણ કરીએ. પણ હજી તો સીટો ભરવાની બાકી છે. તે પણ આઝાદીના ૭૭ વર્ષ બાદ.
કેન્દ્ર સરકારમાં અને રાજ્ય સરકારમાં કેટલા કઈ કઈ જાતિના SC, ST સરકારી કર્મચારીઓ છે?આવા આંકડા ક્યાં છે? સુપ્રીમ કોર્ટ પાસે આવા આંકડા છે? શું આવો કોઈ સર્વે થયો છે? શું આવી કોઈ જાતિગત સરકારી કર્મચારીઓની ગણતરી થઈ છે? જો આંકડાઓ જ નથી તો સુપ્રીમ કોર્ટ કોઈ આધાર, પુરાવા વગર આવા મનસ્વી ચુકાદા કેવી રીતે આપી શકે?
હું આંકડા આપુ? EWS થી ૪ વર્ષમાં ૭૪ બ્રાહ્મણ અને ૧૩ ક્ષત્રિય IAS બન્યા છે. સુપ્રીમ કોર્ટમાં ૫૦% થી વધારે જજ બ્રાહ્મણ છે. અહીં, જરૂર છે પેટા વિભાજનની અને બ્રાહ્મણોને તેમની વસ્તી પ્રમાણે નિયંત્રિત કરવાની કે જેથી દેશના અન્ય લોકોને પણ તેમની ભાગીદારી મળે. આઝાદીના ૭૪ વર્ષ પછી તો બીજી જાતિઓને જજ, IAS બનવા દો.
ખરેખર તો આમની દાનત જ ખોરી છે. પોલીસ હોય કે જજ, સામાજિક ન્યાય તેમના લોહીમાં નથી. આજે પણ એટ્રોસિટીની ફરિયાદો નોંધાવવા આંદોલન, ધરણા કરવા પડે છે, લાશો ગીરવે મૂકી આંદોલન કરીએ ત્યારે જતી FIR થાય છે, એટ્રોસિટીના કાયદામાં જોગવાઈ નથી તોય આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે, કોર્ટમાંથી જામીન મેળવી લે છે, જજો વર્ષોના વર્ષો કેસ લંબાવે છે, સરકારી વકીલો જામીન વિરુદ્ધ, ચુકાદા વિરુદ્ધ ઉપરની કોર્ટમાં અપીલ નથી કરતા, સરકારમાં બેઠેલા હિંદુઓ એટ્રોસિટી એકટના અમલીકરણ માટે ૪ વર્ષથી મિટિંગ નથી બોલાવતા અને પાછા બહાના કરે કે SC ST માં આરક્ષણ અમુક જ જાતિઓ લઈ જાય છે, અમુકને મળતું નથી એટલે વર્ગીકરણ કરવું જોઈએ. ટૂંકમાં, ચોતરફથી દલિત, આદિવાસીઓને કચડવા આ લોકો ભૂરાયાં થયા છે.
જો સવર્ણ હિંદુઓને દલિતોની, આદિવાસીઓની, ઓબીસીની એટલી જ ચિંતા હોય તો જે જગ્યાઓ ખાલી પડી છે ત્યાં પછાત જાતિઓની ભરતી કેમ નથી કરતા? ત્યાં કોલેજીયમથી ચુંટાયેલા સુપ્રીમ કોર્ટના જજો આદેશ કેમ નથી કરતા?
જાહેર જીવનમાં આવ્યા બાદ, ૧૦ વર્ષ રાજકારણનું નિરીક્ષણ કર્યા બાદ તે નિષ્કર્ષ પર આવ્યો છું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં બેઠેલા સવર્ણો જે પોલિસી લાગુ કરાવવામાં અસમર્થ હોય, મતબેંક ગુમાવવાની બીક હોય, ત્યાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને આગળ કરી દે છે. કોલેજીયમથી ચૂંટાયેલા જજો ન્યાયના નામે કોર્ટમાંથી પોલિસી બનાવી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને મનગમતું કરી આપે છે.
આ પણ વાંચો: જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?
૫૦% અનામત મર્યાદા સુપ્રીમ કોર્ટે નક્કી કરી, EWSનું સમર્થન સુપ્રીમ કોર્ટે કર્યું. હાલ, અનામતના વર્ગીકરણ સુપ્રીમ કોર્ટ જવાબદાર, એટ્રોસિટી એકટમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન, એકટમાં જોગવાઈ ના હોય તોય કાયદાની ઉપરવટ જઈને જામીન અને ચુકાદાઓ આપવામાં આવે છે તે પણ એક કોલેજીયમ જજે આપેલ ચુકાદાને આગળ કરીને.
ટૂંકમાં, આ લોકો ગમે તે ભોગે સામાજિક અન્યાય ચાલુ રાખે છે. જેને ખબર ના હોય તે જાણી લે કે, ભારતમાં પોલિસી અને કાયદા બનાવવાની સત્તા સંસદ અને વિધાનસભા પાસે છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસે નથી. પણ, કોલેજીયમના નામે બનાવેલી વ્યવસ્થાથી સવર્ણો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના માધ્યમથી કાયદા અને પોલિસી બનાવે છે.
એટલું જ નહિ, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટે આપેલ ચુકાદાઓ પલટવાની સત્તા પણ સંસદ અને વિધાનસભા પાસે છે, પરંતુ સત્તામાં બેઠેલા સવર્ણ હિંદુઓ આવા ચુકાદાઓ પલટતા નથી.
EWSમાં સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષ બાદ સુનાવણી ચાલુ કરી હતી અને ત્યાં સુધી અસંખ્ય સવર્ણોની ભરતીઓ થઈ ગઈ હતી. જે રાજ્યોમાં ઓબીસી આયોગ ના હોય, SC ST આયોગને કામ કરવા દેતા ના હોય, પૂરતો સ્ટાફ ના હોય, તેવા રાજ્યોમાં રાતોરાત EWS આયોગ ઊભું કરી સવર્ણોની ભરતી કરવામાં આવી છે. આ તો હમણાં જ આપણે સૌએ નજરે જોયું છે. ગુજરાતમાં સવર્ણની ભરતી કરવાની તાલાવેલી એટલી હતી કે જે ભરતીની જાહેરાત થઈ ગઈ હતી તેને કેન્સલ કરી EWS અનામત સાથે ફરીથી જાહેરાત કરેલી છે.
હજી વધુ એક ઉદાહરણ જુઓ, EWS તે આર્થિક બાબતે પછાત માટેની અનામત છે, સ્પેશિયલ સવર્ણ લોકો માટેનું આરક્ષણ નથી. એટલે જાતિગત અનામતની ૫૦% ની મર્યાદાને તે ડિસ્ટર્બ કરતી નથી, તેવું કહેનારા લોકો જ EWS માં ઓબીસી, એસસી, એસટી સિવાયના લોકોની ભરતી કરે છે. શું ST, SC, OBC આર્થિક પછાત વર્ગમાં ના આવે? વાર્ષિક ૮ લાખ આવક મર્યાદાવાળા ગ્રુપમાં ST, SC, OBC ના આવે? EWS તે બંધારણીય રીતે સવર્ણ અનામત નથી, તેમ છતાં તેને તે રીતે લાગુ કરવામાં આવ્યું છે કે જાણે તે સવર્ણ માટેની અનામત હોય.
SC, ST અનામત જાતિઓ આધારિત છે, તેમાં ક્રીમિલેયર હોય શકે નહિ, તેમ છતાં આ લોકોએ ક્રીમિલેયર દાખલ કરી SC ના એક વર્ગને લાભોથી વંચિત કર્યા છે.
આ પણ વાંચો: 65 ટકા ભારત રત્ન બ્રાહ્મણોને અપાયા છે, આદિવાસીને એકેય નહીં
SC, ST અનામત તેમની વિશેષ સ્થિતિના કારણે છે અને OBC આરક્ષણ સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિઓ માટે છે. તેમ છતાં હિંદુઓ આર્થિક બાબતો માટે દલીલો કરીને SC, ST, OBC ના આર્થિક સમૃદ્ધ લોકો અનામત ના લઈ શકે તેવી દલીલો કરે છે અને તે પ્રમાણે અવનવા આયોજનો કરે છે. હકીકતે, SC, ST, OBC અનામતને આર્થિક બાબતો સાથે કોઈ લેવાદેવા છે જ નહિ. આ આડોડાઈ બધા સવર્ણ ભેગા મળીને કરી રહ્યાં છે. તે પછી IAS હોય, IPS હોય, જજ હોય, મંત્રી હોય કે કોઈ અધિકારી હોય.
SC, STની વસ્તી પ્રમાણે અલગથી ફંડ ફાળવવાની જોગવાઈ છે, તેમ છતાં આઝાદીના ૭૭ વર્ષ બાદ આ લોકો વસ્તી પ્રમાણે બજેટ ફાળવતા નથી, ઓછું ફાળવે છે અને આ ઓછા ફાળવેલા બજેટમાંથી અન્ય જગ્યાઓ પર ખર્ચ કરે છે. દરેક વર્ષે કરે છે. એ આ લોકોની ઇરાદાપૂર્વકની, આયોજનપૂર્વકની નાગાઈ છે. આમનામાં ભાતૃભાવ, બંધુતા જેવું કશું નથી હોતું બસ જે હોય છે તે પોતાની જાતિ અથવા જાતિ સમુહનું વેલફેર હોય છે. અને તેના માટે હિંદુઓ ગમે તે હદે અનૈતિકતા અપનાવી શકે છે તે આપણે છેલ્લા ૭૭ વર્ષમાં જોયું. આ દેશમાં અવ્યવસ્થા ઇરાદાપૂર્વકની છે. ન્યાય કે સામાજિક ન્યાય હિંદુઓના લોહીમાં જ નથી.
અને હા, કોઈ એમ વિચારતું હોય કે સવર્ણ જ દેશના અન્ય લોકોનું શોષણ કરે છે તો તમારી ભૂલ છે. કોઈપણ હિંદુ જાતિને જ્યાં મોકો મળે ત્યાં બીજી હિંદુ જાતિનું શોષણ કરી જ લે છે. પેલા આર્થિક, રાજકીય, સામાજિક રીતે સંપન્ન છે એટલે બીજાનું શોષણ કરે છે. જ્યારે કોઈ પછાત જાતિ આર્થિક, સામાજિક, રાજકીય રીતે સંપન્ન બનશે અથવા બને છે તો તે અન્યોનું શોષણ કરશે. ગુજરાતમાં ચાલતું "P ફોર P" તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
મારા આ આર્ટિકલને સવર્ણ વિરુદ્ધ SC, ST, OBC તરીકે જોશો નહિ પણ એક હિંદુ જાતિ જુથ વિરુદ્ધ બીજી હિંદુ જાતિ જૂથ તરીકે જોજો. હિંદુ ધર્મનો ઇતિહાસ વાંચો તો જણાશે કે આ જૂથોમાં સમયે સમયે જાતિઓ બદલાતી રહે છે. જે કાયમી છે તે છે એક એકબીજાનું શોષણ.
ધર્મના નામે અહી બધું અધર્મ છે. જ્યાં સુધી ધર્મ શાસ્ત્રોના નામે અધર્મ શીખવાડવાનું બંધ નહિ થાય ત્યાં સુધી એક હિંદુ બીજા હિન્દુનું શોષણ કરતો રહેશે.
(લેખક બહુજન સમાજના પુસ્તકો માટે વિખ્યાત શરૂઆત પબ્લિકેશનના માલિક છે.)
આ પણ વાંચો: અમે સત્તામાં આવીશું તો અનામતની 50 ટકા મર્યાદા હટાવીશું: રાહુલ ગાંધી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Dr. Rasik ParmarRight. Sc.st.obc. ને એમના માનવીય અને સંવૈધાનિક અધિકારો આપવામાં કોઈને પણ રસ નથી. એમના પ્રત્યેનો પ્રેમ એ ચૂંટણીલક્ષી અને સાવ ભ્રામક છે. એમના હકનું અંકે કરી લઈ આ જાતિઓને સદાયને માટે પોતાના પગ નીચે દબાવી રાખવાની સવર્ણ માનસિકતા આવે બિલકુલ ખૂલીને સામે આવી ગઈ છે. પછાત જાતિઓ અંદરો અંદર ઝગડી ના મરે અને સંગઠિત રહી પડકારોનો સામનો કરે એ સમયની માંગ છે.
-
Kesar Bhadruઅનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની અનામત વ્યવસ્થાએ આર્થિક ઉન્નતિ કરતાં આ જાતિનું પ્રતિનિધિત્વ કરવાની વ્યવસ્થા છે. માટે તેનુ આર્થિક દ્રષ્ટિએ નહીં પણ સામાજિક દૃષ્ટિએ મૂલ્યાંકન થવું જોઈએ. અને જ્યારે સામાજિક દૃષ્ટિએ મૂલ્યાંકન કરી ત્યારે આ આર્થિક દ્રષ્ટિએ વિચારવા વાળા સામાજિક ન્યાયના કટ્ટર વિરોધી લાગે છે!
-
સાહિલ પરમારઅનામત નીતિ એ આર્થિક વિષમતા નિર્મૂલન નીતિ નથી.એના માટે રાજ્ય અન્ય રીતે પ્રયાસો કરી શકે છે:જે તે કરતું નથી. અનામત નીતિને કારણે જાતિ નિર્મૂલનના પ્રયાસો કરતો એક વર્ગ પેદા થયો છે તેને નિર્મૂળ કરવાનું આ કાવતરું છે. E W S માટે અનામત એ સામાજિક ન્યાયની નીતિનું અપમાન છે.એ ભરવા માટે જેટલો ઉત્સાહ બતાવવામાં આવે છે તેટલો ઉત્સાહ S C S T ની અનામત ભરવા માટે થયો હોત તો અનામત નીતિનું ઝમણ (infiltration) તેના વંચિત સમુદાયો સુધી થયું હોત.E W S ને લીધે સવર્ણોનો ટોચનો વર્ગ બમણો લાભ લઈ જાય છે અને નુકસાન S C S T O B C ને થાય છે.એ દશ ટકામાં પેટા વિભાજન કરવાનું સુપ્રીમ કોર્ટને કેમ સૂઝતું નથી? તમારી લેખ સારો છે.