શું કોંગ્રેસ કુમારી શૈલજાને મુખ્યમંત્રી બનાવશે ખરાં?
શું કોંગ્રેસ કુમારી શૈલજાને મુખ્યમંત્રી બનાવશે ખરાં? - આ સવાલ આજે સમગ્ર હરિયાણાના દલિતોના મનમાં ઉઠી રહ્યો છે. શા માટે આ સવાલ થઈ રહ્યો છે, તે સમજો.
Will Congress make Kumari Shailja Chief Minister?: હરિયાણા વિધાનસભાની ચૂંટણી (Haryana Assembly Election 2024) માં હાલ જે વાતાવરણ છે, તેના પરથી રાજકીય વિશ્લેષકો સ્પષ્ટ આકલન કરી રહ્યાં છે કે, કોંગ્રેસ આવી રહી છે. જો કે, અન્ય સવર્ણવાદી પક્ષોની જેમ કોંગ્રેસ પર પણ સતત દલિત વોટબેંક (Dalit voters) નો ઉપયોગ કરી સત્તાથી તેમને દૂર રાખવાનો આરોપ લાગતો રહે છે. હરિયાણામાં પણ એ આરોપ લાગી રહ્યો છે. કુમારી શૈલજા (Kumari Shailja) દલિત સમાજમાંની કદાવર નેતા છે, અનુભવી છે, મુખ્યમંત્રી પદની સૌથી મજબૂત દાવેદાર છે. તેમ છતાં કોંગ્રેસ જાટ ભૂપેન્દરસિંહ હુડ્ડા (Bhupender Singh Hooda) અને તેમના પુત્ર દિપેન્દરસિંહ હુડ્ડા (Dipender Singh Hooda) ને જ આગળ કરી રહી છે. જેના કારણે દલિત મતદારોમાં કોંગ્રેસની વફાદારી પર સવાલ ઉઠી રહ્યાં છે.
હમણાં રાહુલ ગાંધી (Rahul Gandhi) એ અસંધ વિધાનસભા (Asandh Assembly) ક્ષેત્રમાં તેમની પ્રથમ રેલી સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. અસંધમાં કોંગ્રેસના ઉમેદવાર શમશેર સિંહ ગોગીના સમર્થનમાં આયોજિત આ રેલીમાં કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ કુમારી શૈલજા (Kumari Shailja) અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (Bhupender Singh Hooda) પણ મંચ પર સાથે જોવા મળ્યા હતા. આ પ્લેટફોર્મ શેર કરવું પણ મહત્વનું હતું કારણ કે ટિકિટની વહેંચણી બાદ પાર્ટીમાં નારાજગી વધી હતી. બંને નેતાઓ વચ્ચે સ્ટેજ પર કોઈ સીધો સંવાદ થયો ન હતો, પરંતુ તેમણે પોતાના ભાષણમાં એકબીજાના નામ લીધા હતા.
દલિત મતો માટે કુમારી શૈલજાનો ઉપયોગ
હરિયાણાની અસંધ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ નેતૃત્વ દ્વારા રમાઈ રહેલી દલિત વોટ બેંકની રાજનીતિ પર ઘણી ટીકાઓ થઈ રહી છે, ખાસ કરીને રાહુલ ગાંધી અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના સંદર્ભમાં. અસંધમાં બસપા(BSP) છેલ્લી ચૂંટણી માત્ર 1700 મતોથી હારી હતી, જે દર્શાવે છે કે અહીં દલિત મતોનું ખૂબ મહત્વ છે. બસપાની આ સફળતા બાદ કોંગ્રેસની રણનીતિ સ્પષ્ટપણે આ વોટ બેંકને કબજે કરવાની છે, જેના માટે કુમારી શૈલજાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પરંતુ આ નિર્ણયની ટીકા કરવામાં આવી રહી છે કે શૈલજાને માત્ર પ્રતીકાત્મક "ડમી" તરીકે રજૂ કરવામાં આવી છે જેથી કોંગ્રેસને દલિત મતો મળી રહે. વાસ્તવિકતા એવી છે કે, ચૂંટણી જીતી ગયા બાદ કુમારી શૈલજાને હાંશિયામાં ધકેલીને ફરીથી પ્રભુત્વ ધરાવતી સવર્ણ જાતિમાંથી મુખ્યમંત્રી બનાવાશે. દલિતો આ ચાલ સારી રીતે સમજી ગયા છે.
બસપાના દલિત મતો તોડવાનું કાવતરું
રાહુલ ગાંધી અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની જોડી પર આરોપ છે કે તેઓ આ વિસ્તારના વાસ્તવિક મુદ્દાઓ અને વાસ્તવિકતાને સમજવામાં નિષ્ફળ ગયા છે. કુમારી શૈલજાને અસંધમાં પ્રચાર માટે લાવવાનો હેતુ બસપાના દલિત મતોમાં ભાગલા પાડવાનો અને પોતાનું રાજકીય અંકગણિત ઠીક કરવાનો છે. તેના માટે કોંગ્રેસના આંતરિક જૂથો વચ્ચે વધતી જતી તિરાડને પણ અવગણવામાં આવી છે. ટિકિટની વહેંચણી બાદ પાર્ટીની અંદર વધી રહેલી નારાજગી અને મંચ પર હુડ્ડા અને શૈલજા વચ્ચે વાતચીતનો અભાવ દર્શાવે છે કે કોંગ્રેસમાં સંકલનનો અભાવ છે અને આ આંતરિક સંઘર્ષ પાર્ટીના ચૂંટણી પ્રદર્શન પર નકારાત્મક અસર કરી શકે છે.
કુમારી શૈલજાને પ્યાદું બનાવી દલિતો મતો મેળવવાની ગણતરી
રાહુલ ગાંધી પર એવો પણ આરોપ છે કે તેઓ નેતૃત્વના નામે માત્ર પારિવારિક અને પ્રતીકાત્મક રાજનીતિ કરે છે અને પાર્ટીની આંતરિક સમસ્યાઓને ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. હુડ્ડા સાથે મળીને તેમણે કુમારી શૈલજા જેવા મજબૂત દલિત નેતાને માત્ર ચૂંટણીના ગણિતનું પ્યાદુ બનાવી દીધાં છે, જે સ્પષ્ટપણે કોંગ્રેસમાં નેતૃત્વની એકતાના અભાવને દર્શાવે છે.
દલિત સમાજ પ્રત્યે કોંગ્રેસની નિષ્ઠા પર સવાલો
ચૂંટણીમાં દલિતો પ્રત્યે કોંગ્રેસની પ્રામાણિકતા પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. ખાસ કરીને એસસી, એસટી અનામતના પેટવર્ગીકરણ અને ક્રિમીલેયરના સુપ્રીમ કોર્ટના ચૂકાદા વખતે રાહુલ ગાંધીએ રાખેલું ભેદી મૌન દલિતો ભૂલ્યાં નથી. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી અને હુડ્ડા વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે જાતિના સમીકરણોના આધારે રાજનીતિ કરી રહ્યા છે. કોંગ્રેસ કુમારી શૈલજાનો ઉપયોગ દલિત સમાજા મતો સાથે ચૂંટણી જીતવા માટે ઉપયોગ કરી રહી છે પણ અસલી પાવર આપવાની વાત આવે ત્યારે તે હુડ્ડા જેવા કટ્ટર જાતિવાદી વ્યક્તિ તરફ જ નાળિયેર ફેંકે છે. આનાથી કોંગ્રેસની દલિત સમાજ પ્રત્યેની ઇમાનદારી પર સવાલો ઉભા થાય છે.
એકંદરે, રાહુલ ગાંધી અને ભૂપિન્દર સિંહ હુડ્ડા પર અસંધ જેવા મહત્વના મતવિસ્તારમાં માત્ર પ્રતીકાત્મક રાજકારણ અને આંતરિક સંઘર્ષ દ્વારા પક્ષની છબી નબળી કરવાનો આરોપ છે. નેતૃત્વનો અભાવ, પક્ષમાં અસંમતિ અને વાસ્તવિક મુદ્દાઓથી વિચલિત થવાથી કોંગ્રેસની ચૂંટણીની સંભાવનાઓ પર નકારાત્મક અસર પડી શકે છે અને તેનો સીધો ફાયદો વિરોધ પક્ષોને થઈ શકે છે. જો કે, જે રીતે પીએમ મોદી અને અમિત શાહ સહિત ભાજપના નેતાઓએ અત્યારથી હરિયાણામાં સક્રિયતા ઘટાડી દીધી છે તેના પરથી એટલું તો સ્પષ્ટ છે કે, હરિયાણામાં કોંગ્રેસ આવી રહી છે, પરંતુ દલિતો માટે ફરી એકવાર પંજાબની જેમ એ જ સવાલ આવીને ઉભો રહ્યો છે કે, શું કોંગ્રેસ 22 ટકા દલિતોના મતો લીધાં પછી મજબૂત દલિત નેતા કુમારી શૈલજાને મુખ્યમંત્રી બનાવશે ખરા?
આ પણ વાંચોઃ ઉચ્ચ ઓબીસીને 7 ટકા, પછાત ઓબીસીને 20 ટકા અનામત આપોઃ ગેનીબેનનું વિવાદી નિવેદન