ખલીલ ધનતેજવી સાહેબના સંભારણા
વિખ્યાત શાયર ખલીલ ધનતેજવી સાહેબનો આજે જન્મ દિવસ છે ત્યારે શૂન્ય, મરીઝ અને જલન સાહેબની હરોળના આ શાયરના સંભારણાં વાગોળીએ.
ગુજરાતી ગઝલના ઇતિહાસમાં ખલીલ ધનતેજવીનું નામ એમની શ્રેષ્ઠતમ ગઝલો અને ઉત્તમ રજૂઆત, પ્રભાવશાળી અવાજ અને શાનદાર વ્યક્તિત્વને કારણે હંમેશા યાદ રહેશે. અમૃત ઘાયલ, શૂન્ય પાલનપુરી, બરકત વિરાણી 'બેફામ', ગની દહીંવાલા, શેખાદમ આબુવાલા, જલન માતરી અને 'મરીઝ' જેવા ધરખમ શાયરોની હરોળના શાયર, મુશાયરાની રજૂઆતના શહેનશાહ કહેવાતા ખલીલ ધનતેજવી ગઝલકાર, નવલકથાકાર, વાર્તાકાર, ઉચ્ચ કક્ષાના પત્રકાર અને શ્રેષ્ઠ માનવતાવાદી સાહિત્યકાર હતા. એમણે શયદાથી લઈને શૂન્ય પાલનપુરી સુધીની પેઢીની ગઝલની પરંપરાને જીવંત રાખવામાં ખૂબ જ મોટું પ્રદાન કર્યું છે. આધુનિક ગઝલકારોમાં પણ તેઓ એટલા જ લોકપ્રિય હતા. એમના ઘણા બધા શેર લોકોને હલબનાવી નાખે છે.
“તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે”
“अब मैं राशन की क़तारों में नज़र आता हूँ
अपने खेतों से बिछड़ने की सज़ा पाता हूँ”
“જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,
એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!”
તેમના આવા અનેક શેર લોકહૈયે આજે પણ રમે છે. ગુજરાતી ગઝલકારોમાં ખલીલ ધનતેજવી બેજોડ અને અજોડ શાયર એટલે કહેવાય છે કે આ એક જ શાયરની ગઝલ સેવાઓ અને શબ્દ સાધનાને ધ્યાનમાં લઈને ભારત સરકારે એમને પદ્મશ્રીનો ખિતાબ આપ્યો હતો. આવો ખિતાબ કોઈ ગુજરાતી શાયરને કદાચ મળ્યો નથી. એમણે માત્ર વડોદરાનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ ભારત અને ભારત બહાર અમેરિકા, બ્રિટન સુધી પહોંચાડ્યું છે.
ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું. તેઓ ધનતેજ ગામનાં વતની હતા, માટે તેમણે તેમનાં નામની પાછળ પોતાનાં ગામનું નામ રાખ્યું. ખલીલ સાહેબનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૯૩૮નાં રોજ વડોદરાનાં ધનતેજ ગામમાં થયો હતો. પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમણે ચાર ચોપડી સુધી જ શિક્ષણ મેળવ્યુ હતું. પરંતુ જેને જન્મજાત જ સાહિત્યની કળા મળી હોય, તેને ઓછા ભણતરથી કંઈ ફેર નથી પડતો. તેઓ હિંદી, ગુજરાતી અને ઉર્દૂ ભાષામાં પોતાની રચનાઓ લખતા. તેમણે સાહિત્ય સફરની શરૂઆત વાર્તા લખવાથી કરી હતી. તેમણે ઘણી ખ્યાતનામ નવલકથાઓ લખેલી જેની પર એવૉર્ડ વિજેતા ફિલ્મો અને નાટકો પણ બન્યા છે, તેઓ વ્યવસાયે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ તેમજ ફિલ્મ નિર્માણનાં કાર્યો સાથે સંકળાયેલા હતાં.
તેમની કવિતાઓ અને ગઝલોની વાત કરીએ તો, તો તે મનોમન તેની રચના કરી લેતા અને એને શબ્દશઃ યાદ રાખી શકતા, તેમજ કવિ મિત્રોને પણ સંભળાવતા. તેઓને તેમની રચનાઓ ક્યાંય કાગળમાં લખવાની જરૂર ન પડતી, તેમને લાંબા ગાળા સુધી યાદ રહેતી. આજ સુધીનાં જેટલા કવિ સંમેલન, મુશાયરા તેમજ અન્ય સાહિત્યને લગતા કાર્યક્રમો થયા છે, તેમાં ખલીલ સાહેબ તેમની ગઝલો અને કવિતાઓ કાગળમાં જોયા વગર જ બોલતા. એમની રચનાઓ એમને છેક સુધી કંઠસ્થ રહી. જ્યારે તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘સાદગી’ બહાર પાડવાનો હતો, ત્યારે તેમણે ત્યાંને ત્યાં જ એકી સાથે ૧૦૦ ગઝલો કાગળમાં લખી અને પ્રિંટીંગ માટે પબ્લીશરને આપી હતી. તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં ડિરેક્ટર, સંવાદ લેખક, ગીતકાર, પટકથા લેખક તરીકે કામ કરેલું. અમુક ફિલ્મો માટે તેઓને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ લેખક અને દિગ્દર્શક તરીકે એવૉર્ડ્સ પણ મળેલાં. તેમની ઉર્દૂ ભાષામાં લખાયેલ ગઝલો, મશહૂર ગઝલકાર જગજીતસિંહના કંઠે ગવાઈ હતી. વર્ષ – ૨૦૨૧માં ૪ એપ્રિલ, ૨૦૨૧નાં રોજ ૮૫ વર્ષની વયે વડોદરા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધાં. એ જ વર્ષે તેમને મરણોપરાંત ‘પદ્મશ્રી’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતાં.
એક સરસ,સુંદર વ્યક્તિત્વ અને સજ્જન પુરુષ તરીકે ખલીલ ધનતેજવી શાયરોમાં લોકપ્રિય હતા. પાલનપુરમાં પણ એમના અનેક પ્રોગ્રામો થયેલા છે. આ લોકપ્રિય શાયરની શબ્દ સાધના માત્ર ગઝલ પુરતી જ મર્યાદિત ન હતી. પત્રકાર ક્ષેત્રમાં પણ તેમણે ખૂબ નામના મેળવી હતી. ત્યાં સુધી કે અભિનેતા અમિતાભ બચ્ચનનો ઇન્ટરવ્યૂ પણ તેમણે કરેલ હતો. ગુજરાતી ગઝલ, ગઝલરસિકો, ગઝલકારો, પત્રકારો ખલીલ ધનતેજવીને હંમેશા હંમેશા યાદ રાખશે. ઉત્તમ કક્ષાના શાયર, ઉચ્ચ ગુણોથી સંપન્ન, માનવતાવાદી શાયર અને સાહિત્યકાર તરીકે ખલીલ ધનતેજવીનું નામ ગુજરાતી ગઝલના આકાશમાં દાયકાઓ સુધી ઝળહળતું રહેશે.
ખલીલ સાહેબનું તેજોમય અને ઉત્તમ સાહિત્ય સર્જન આ મુજબ છેઃ
નવલકથાઃ
મુકામ પોસ્ટ ઝાકળ, ભરચક એકાંત, એક મુઠ્ઠી હવા, છૂટાછેડા, સાંજ પડે ને સૂનું લાગે, લીલોછમ તડકો, મોંત મલકે મીઠું મીઠું, સન્નાટાની ચીસ, લીલા પાંદડે પાનખર, મીણની આંગળીએ સૂરજ ઊગ્યો, લોહભીની રાત, કોરી આંખમાં ભીનાં સ્વપ્નાં, સાવ અધૂરા લોક, નગરવધૂ, કોરી કોરી ભીનાશ, તરસ્યા એકાંત, સળગતો બરફ, સફેદ પડછાયા, ડૉ. રેખા, સુંવાળો ડંખ, સોગંધનામુ–આત્મકથા. નગરવધૂ(નવલકથા), સાવ અધૂરા લોક(નવલકથા), લીલા પાંદડે પાનખર(નવલકથા), પારકી તોય પાડોશણ.
ગઝલ સંગ્રહ
સાદગી, સારાંશ, સોગાત, સૂર્યમુખી, સાયબા, સાંવરિયો, સગપણ, સરોવર, સોપાન, સારંગી.
ગુજરાતી ફિલ્મોઃ
ખાપરો ઝવેરી, ડૉ. રેખા(નવલકથા), ચૂંદડી ચોખા(સંવાદ લેખક), છૂટાછેડા(આઠ એવૉર્ડ્સ મળેલાં), મન માનતું નથી – આ બધી ફિલ્મોમાં ખલીલ સાહેબ દિગ્દર્શક, સંવાદકાર, કથા-પટકથાકાર, ગીતકાર તરીકે કાર્ય કરેલું.
પ્રસારણઃ
તેમણે આકાશવાણી તેમજ દૂરદર્શનમાં પણ ગઝલોની રજૂઆત કરેલી. સોની સબ ટીવીમાં “વાહ વાહ ક્યા બાત હૈ..” શો માં તેમણે પોતાની ગઝલો હિંદીમાં રજૂ કરી હતી. આ ઉપરાંત અનેક સાહિત્યલક્ષી કાર્યક્રમો, મુશાયરાઓ તેમજ સંમેલનોમાં પોતાની ગઝલો અને કવિતાઓની રજૂઆત કરી હતી.
એવોર્ડ્સઃ
કલાપી એવૉર્ડ(વર્ષ – ૨૦૦૪), વલી ગુજરાતી ગઝલ એવૉર્ડ(વર્ષ – ૨૦૧૩), નરસિંહ મહેતા એવૉર્ડ(વર્ષ – ૨૦૧૯), પદ્મશ્રી એવૉર્ડ – મરણોપરાંત(વર્ષ – ૨૦૨૧). છૂટાછેડા ફિલ્મ માટે શ્રેષ્ઠ લેખક, શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેના એવોર્ડ્સ.
હિદાયત પરમાર (સાભારઃ મુસાફિર પાલનપુરી, રિફ્લેક્શન લાઈવ)
આ પણ વાંચો : ઘરઘાટી, ગૃહયોગી, હાઉસ હેલ્પર: ન ઉજળું નામ, વધુ કામ, કમ દામ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો