સાવરકરના ઘોર વિરોધી ડો.આંબેડકર અમિત શાહને ક્યાંથી ગમે?

અમિત શાહ જે કહી રહ્યા છે તે માત્ર એક ઘટના નથી પરંતુ આરએસએસ, જનસંઘ અને ભાજપની અસલી વિચારધારા અને માનસિકતા છે, જે ડૉ. આંબેડકરની વિરુદ્ધ છે.

સાવરકરના ઘોર વિરોધી ડો.આંબેડકર અમિત શાહને ક્યાંથી ગમે?
image credit - Google images

અમિત શાહે પરમ દિવસે સંસદમાં ડૉ.આંબેડકરનું અપમાન કરી તેમના નામની મજાક ઉડાવી હતી. આ કંઈ અચાનક નથી બન્યું, આ લેખમાં મૂકેલો ફોટો જુઓ, અમિત શાહની ડાબી બાજુ સાવરકર છે અને જમણી બાજુ ચાણક્ય. બંને મનુસ્મૃતિ અને મનુવાદના પ્રતિક છે. સંઘની લેબોરેટરીમાંથી નીકળેલા અમિત શાહ સાવરકરના રસ્તે ચાલવા માંગે છે અને ડૉ.આંબેડકરે સાવરકરની આકરી ટીકા અને નિંદા કરી છે. એટલે મામલો સ્પષ્ટ છે, જે ડો.આંબેડકર સાવરકરને પસંદ નહોતા કરતા તેમને અમિત શાહ કેવી રીતે પસંદ કરે?

ડૉ. આંબેડકર સાવરકરના હિંદુત્વના વિચારના કટ્ટર વિરોધી હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સાવરકર અને ઝીણા એક જ સિક્કાની બે બાજુ છે. સાવરકર હિંદુ રાષ્ટ્રની માંગ કરીને પોતાની રીતે બીજું પાકિસ્તાન બનાવવાનો માર્ગ ખોલી રહ્યા છે. સાવરકરે જાણી જોઈને ભારતીયતાની એક એવી વ્યાખ્યા બનાવી છે જેનાથી મુસ્લિમો અને ખ્રિસ્તીઓ તેમાંથી બાકાત થઈ જાય. ડો.આંબેડકરે સ્પષ્ટ કહ્યું હતું કે જો દેશમાં હિંદુ રાજ લાગુ થશે તો દેશ માટે મોટો ખતરો હશે. તેથી, અમિત શાહ જે કહી રહ્યા છે તે માત્ર એક ઘટના નથી પરંતુ આરએસએસ, જનસંઘ અને ભાજપની અસલી વિચારધારા અને માનસિકતા છે, જે ડૉ. આંબેડકરની વિરુદ્ધ છે.

આ પણ વાંચો: ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા..

આ મુદ્દો ડૉ. ભીમરાવ આંબેડકરના પુસ્તક 'પાકિસ્તાન અથવા ભારતના ભાગલા'માં પણ લખવામાં આવ્યો છે. ડૉ. આંબેડકરે મોહમ્મદ અલી ઝીણા અને સાવરકરના દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતની ટીકા કરી હતી. ડૉ. આંબેડકર લખે છે, "એ વાત સાંભળવામાં ભલે વિચિત્ર લાગે, પરંતુ એક રાષ્ટ્ર વિરુદ્ધ બે રાષ્ટ્રના પ્રશ્ન પર શ્રી સાવરકર અને શ્રી જિન્નાહના મંતવ્યો વિરોધાભાસી હોવાને બદલે એકબીજા સાથે સંપૂર્ણપણે સુસંગત છે. બંને એ વાતને સ્વીકારે છે અને ન માત્ર સ્વીકારે છે પરંતુ એ વાત પર ભાર મૂકે છે કે ભારતમાં બે રાષ્ટ્રો છે, એક મુસ્લિમ રાષ્ટ્ર અને એક હિંદુ રાષ્ટ્ર છે.(પેજ નં.154-55)

ડૉ. આંબેડકર આગળ લખે છે, "જો ખરેખર હિંદુ રાજ બની જાય છે તો તે નિઃશંકપણે આ દેશ માટે મોટો ખતરો બની જશે. હિંદુઓ ગમે તે કહે, પણ હિંદુત્વ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ માટે ખતરો છે." (પાનું-161)

આંબેડકરે ભારતના ભાગલા માટે સાવરકરને શા માટે દોષિત માનતા હતા?

1945 થી 1947 સુધીની ઘટનાઓનો ઉલ્લેખ ભારતના ભાગલા સંદર્ભે વારંવાર કરવામાં આવે છે. તેમાં ગાંધી, નેહરુ અને ઝીણાની ભૂમિકાની ચર્ચા કરવામાં આવી છે. પરંતુ ડૉ. આંબેડકરે 1940માં લખેલા તેમના પુસ્તક "પાકિસ્તાન ઓર ધ પાર્ટીશન ઓફ ઈન્ડિયા" માં પ્રસ્થાપિત કર્યું હતું કે પાકિસ્તાન બનશે જ. 

અહીં એ વાત ખાસ નોંધવી જોઈએ કે, ભારતના વાસ્તવિક વિભાજનના 7 વર્ષ પહેલા અને ભારત છોડો આંદોલન શરૂ થવાના 2 વર્ષ પહેલા ડૉ. આંબેડકર હકીકતોનું વિશ્લેષણ કરીને પાકિસ્તાનને ભવિષ્યની વાસ્તવિકતા માની રહ્યા હતા. આ સિવાય તેમને બીજો કોઈ વિકલ્પ દેખાતો નહોતો.

આ પુસ્તકમાં ડૉ. આંબેડકરે મહાત્મા ગાંધીને એક એવા વ્યક્તિ તરીકે ગણાવ્યા જેમણે પોતાનું સમગ્ર જીવન હિંદુ-મુસ્લિમ એકતા માટે સમર્પિત કર્યું હતું. પરંતુ આટલું બધું કર્યા પછી પણ તેઓ હિન્દુ-મુસ્લિમ એકતા હાંસલ કરી શક્યા નથી જે અખંડ ભારત માટે જરૂરી છે.

ડૉ.આંબેડકરે કહ્યું કે સાવરકરના હિંદુ રાષ્ટ્રના સિદ્ધાંતમાં જ એક પાકિસ્તાનન છુપાયેલું હોવાની વાત સ્થાપિત છે. જ્યારે સાવરકર હિંદુઓને એક અલગ દેશ માની રહ્યા છે, તો સ્વાભાવિક રીતે જ તેઓ મુસ્લિમોને બીજો દેશ માની રહ્યા છે.

ડો. આંબેડકરે કહ્યું હતું કે, આ રીતે એકબીજાના વિરોધી ધ્રુવો પર હોવા છતાં સાવરકર અને જિન્નાહના વિચારો બિલકુલ એક જેવા હતા. તેમણે કહ્યું કે સાવરકરે જાણી જોઈને હિંદુત્વની એવી વ્યાખ્યા બનાવી છે જે મુસ્લિમોને ભારતીયતામાંથી બાકાત રાખે છે.

અખંડ ભારતના સપના માટે સૌથી મહત્વની વાત એ હતી કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે પ્રેમ હોવો જોઈએ. પરંતુ ઝીણા અને સાવરકર પોતપોતાના ધર્મનું રાષ્ટ્ર બનાવવાની વાત કરતા હતા. એમાં પરસ્પર પ્રેમને કોઈ અવકાશ નહોતો. હિન્દુ-મુસ્લિમ એકતા વિના અખંડ ભારતની કલ્પના કરવી એ સફેદ જૂઠ હતું.

આજે પણ જેઓ અખંડ ભારતની કલ્પના કરે છે, પરંતુ 'હિંદુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ, આપસ મેં સબ ભાઈ-ભાઈ'ને સ્વીકારતા નથી, તેઓ હકીકતમાં ભારતને અખંડ નહીં પરંતુ ખંડિત કરવા માગે છે. ભારત-પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા ત્યારે જ એક થઈ શકે જ્યારે ત્યાં રહેતા નાગરિકોમાં પ્રેમ હોય.

પરંતુ અખંડ ભારતનો રાગ આલાપનારા પ્રેમને બદલે નફરતની ખેતી કરે છે. એટલા માટે તેઓ એકતાના નામ પર ભાગલાને પ્રોત્સાહન આપે છે. આ જ લોકો આજે દેશના ભાગલા માટે ગાંધીજીને જવાબદાર માને છે. જ્યારે હકીકત એ છે કે આમની જ કોમવાદી નીતિઓને કારણે ભારતનું વિભાજન થયું હતું.

આ પણ વાંચો: સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.