દલિત મહિલાની જમીન પર સરકારે ગેરકાયદે યુનિવર્સિટી ઉભી કરી દીધી
દલિત મહિલાને ધમકી આપી માથાભારે વ્યક્તિએ સાદા કાગળ પર લખાણમાં સહી કરાવી લીધી, મામલો હાઈકોર્ટમાં હોવા છતાં સરકારે જમીન પર મહિલા યુનિવર્સિટી બનાવીને ચાલુ કરી દીધી.

રાજસ્થાન મહિલાઓ માટે શા માટે નર્ક ગણાય છે તેનું વધુ એક ચોંકાવનારું ઉદાહરણ સામે આવ્યું છે. મોટાભાગે દલિતો પર અત્યાચારના કિસ્સાઓમાં જાતિવાદી તત્વો ગુનેગાર તરીકે હોય છે, પણ અહીં તો ખુદ સરકારી તંત્ર એક દલિત મહિલાની જમીન પડાવી લઈને ગુનો આચરી રહ્યું છે. મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, હિયરીંગ થવાનું છે છતાં સરકારે એક દલિત મહિલાની જમીન ગેરકાયદે રીતે પચાવી પાડીને તેના પર આખેઆખી મહિલા યુનિવર્સિટી ઉભી કરી દીધી છે.
મામલો રાજસ્થાનના લાડનૂંનો છે. અહીં દલિત મહિલા સીતાદેવી પોતાની જમીન પરત મેળવવા માટે છેલ્લાં ઘણાં સમયથી એકલા હાથે લડી રહી છે. સીતાદેવીની જમીન પર સરકારે માથાભારે તત્વોનો સહારો લઈને મહિલા યુનિવર્સિટી ઉભી કરી દીધી છે.
સીતાદેવીને ધમકાવીને જમીન પડાવી લીધી
લાડનૂંની ખસરા નં. 1548, 1587 અને 1587/1ની કુલ 27 વીઘા 16 બિસ્વા જમીન જે બારાની અવ્વલ ખેતીની જમીન તરીકે ઓળખાય છે, તે મૂળ દલિત મહિલા સીતાદેવીની મિલકત છે. આ જમીનમાં ખેતી કરીને તે પોતાનું ગુજરાન ચલાવતી હતી. પરંતુ એક ષડયંત્ર હેઠળ આ જમીનને આનંદપાલ સિંહના "ટોર્ચર હાઉસ" અને "બંકર" તરીકે જાહેર કરવામાં આવી હતી. એ પછી વહીવટીતંત્રે તેને જપ્ત કરી લીધી અને સીતા દેવી અને તેના પરિવારને ધમકાવીને બળજબરીથી સાદા કાગળો પર સહી કરાવી લીધી. એવો આરોપ હતો કે આનંદપાલે સીતા દેવીને ધમકી આપીને જમીન પોતાના નામે કરાવી લીધી હતી, જ્યારે વાસ્તવિકતા એ છે કે આ જમીન ક્યારેય આનંદપાલની હતી જ નહીં. હવે અહીં મહિલા યુનિવર્સિટી બનાવી દેવાઈ છે.
કોલેજ બાંધકામ: દલિત અધિકારો પર હુમલો
સરકારી ગર્લ્સ કોલેજ અગાઉ જોહરી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના બિલ્ડીંગમાંથી ચલાવવામાં આવતી હતી. પરંતુ 14 ડિસેમ્બર 2024 ના રોજ તેને NH-58 પર સ્થિત વિવાદિત જમીન પર ખસેડવામાં આવી હતી. આ એ જ જમીન છે, જેને સીતા દેવીએ પોતાના હકની લડાઈમાં રાજસ્થાન હાઈકોર્ટમાં પડકારી છે. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં તંત્રે આ જમીન પર બાંધકામ શરૂ કરી દીધું છે અને હવે ત્યાં 251 વિદ્યાર્થીનીઓ સાથે અહીં કોલેજ ચાલી રહી છે. આ પગલું માત્ર દલિત મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન નથી પરંતુ ન્યાયિક પ્રક્રિયામાં પણ દખલ છે.
જમીનને વિવાદિત બનાવી પડાવી લેવામાં આવી
આ જમીનને “આનંદપાલનું બંકર” કહીને પ્રચાર કરવામાં આવ્યો હતો. એવો આરોપ હતો કે આનંદપાલ નામનો શખ્સ આ જમીનનો ઉપયોગ ગુનાઓ આચરવા માટે કરતો હતો. પરંતુ તપાસમાં એ હકીકત બહાર આવી હતી કે આનંદપાલને આ જમીન સાથે કોઈ સંબંધ નથી. તેમનું પૈતૃક ઘર સાંવરાદ ગામમાં છે, અને લાડનૂંમાં તેમનું એક અલગ ઘર પણ છે. આ જમીન પર ઉભેલો પાક અને સીતાદેવીની વર્ષોની મહેનત સાક્ષી પુરે છે કે આ જમીન તેમના પરિવાર માટે આજીવિકાનું સાધન હતી. કહેવાતા “ટોર્ચર હાઉસ”નો આરોપ માત્ર આ જમીનને વિવાદિત બનાવવા અને સીતા દેવીના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ હતો.
સીતાદેવીએ સંઘર્ષ કરવાનું છોડ્યું નથી
સીતા દેવીએ પોતાની જમીન પાછી મેળવવા માટે દરેક સ્તરે પ્રયાસ કર્યો છે. તેમણે તાલુકાથી લઈને કલેક્ટર સુધી અરજી કરી હતી, પરંતુ તેમની અરજીને દરેક જગ્યાએ અવગણવામાં આવી હતી. જ્યારે કોઈ વિકલ્પ ન બચ્યો ત્યારે તેમણે રાજસ્થાન હાઈકોર્ટમાં ધા નાખી છે. હાઈકોર્ટે કેસની સુનાવણી માટે 19 ડિસેમ્બર 2024ની તારીખ નક્કી કરી છે. પરંતુ આ પહેલા જ વહીવટીતંત્રે સીતાદેવીની જમીન પર કોલેજ શરૂ કરી દીધી હતી.
રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારની દલિત વિરોધી માનસિકતા
દલિતોના ઉત્થાન અને અધિકારોની વાત કરતી રાજસ્થાન સરકાર આ મામલે સંપૂર્ણપણે દલિત વિરોધી વલણ અપનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. કાયદો સ્પષ્ટપણે કહે છે કે દલિતોની ખેતીની જમીન ઉચ્ચ જાતિ અથવા અન્ય વર્ગો દ્વારા ખરીદી શકાતી નથી. પરંતુ આ કિસ્સામાં કાયદાની અવગણના કરીને વહીવટીતંત્રે જમીનનો કબજો લઈ તેને સરકારી સંસ્થામાં ફેરવી દીધી હતી. આ કેસ માત્ર દલિત મહિલાના અધિકારોનું ઉલ્લંઘન નથી, પરંતુ તે બંધારણની કલમ 17 (અસ્પૃશ્યતા નાબૂદી) અને કલમ 46 (અનુસૂચિત જાતિનું રક્ષણ)નું સીધું ઉલ્લંઘન છે. કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય ત્યારે જમીનની સ્થિતિ બદલવી એ ન્યાયિક પ્રક્રિયાની મજાક ઉડાવવા સમાન છે.
દલિતોને ન્યાય ક્યારે મળશે?
સીતાદેવીનો આ સંઘર્ષ માત્ર તેમની જમીન પૂરતો સીમિત નથી. એ સવાલ ઉઠાવે છે કે શું ભારતના દલિત સમુદાયને તેમના બંધારણીય અધિકારો અને ન્યાય મળી શકશે? શું સરકાર અને વહીવટીતંત્ર તેમનો અવાજ સાંભળવા તૈયાર છે? આ કેસ સામાજિક ન્યાય અને સમાનતા માટેની લડતનું પ્રતીક બની ગયો છે. કોર્ટે આ મામલામાં ઝડપી અને ન્યાયી નિર્ણય લેવો જોઈએ અને સીતા દેવીને તેમનો અધિકાર આપવો જોઈએ. વધુમાં, સરકાર અને વહીવટીતંત્રે તેમની દલિત વિરોધી માનસિકતા છોડી દેવી જોઈએ અને વંચિત વર્ગના અધિકારોના રક્ષણ માટે પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચો: જમીન પર ગેરકાયદે કબ્જાની ફરિયાદ કરી તો દલિતનું ઘર સળગાવી દીધું