દલિત વિદ્યાર્થિનીએ બટેટા કાપ્યા તો રસોઈયાએ મધ્યાહન ભોજન ન બનાવ્યું

જાતિવાદી રસોઈયો મધ્યાહન ભોજન બનાવ્યા વિના ઘેર જતો રહેતા નિર્દોષ ભૂલકાઓ ભૂખ્યાં રહ્યાં. અંતે તેમણે જાતે આવડે તેવી રસોઈ બનાવી. શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી.

દલિત વિદ્યાર્થિનીએ બટેટા કાપ્યા તો રસોઈયાએ મધ્યાહન ભોજન ન બનાવ્યું
image credit - Google images

દેશના ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર વિશે બેફામ વાણીવિલાસ કરીને તેમનો, તેમના પક્ષનો અને તેમની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો અસલી ચહેરો છતો કરી દીધો છે. બાબાસાહેબે આપેલા હક-અધિકારો પર આ દેશનો સામાન્ય માણસ સ્વતંત્રતાથી શ્વાસ લઈ શકે છે, બાકી ગૃહમંત્રી અને તેમના પક્ષની મનુવાદી માનસિકતા તેમને કાયમ ગુલામ બનાવી રાખવા માંગે છે. ભાજપ અને આરએસએસ દલિતો, આદિવાસીઓના હકો પર દરરોજ કોઈને કોઈ રીતે તરાપ મારતા રહે છે. તેનામાં આ સમાજના વર્ષો જૂના પ્રશ્નોને હલ કરવાની ત્રેવડ નથી અને તે કરવા પણ માંગતો નથી. જેના કારણે અસ્પૃશ્યતા જેવી ઘટનાઓ દરરોજ બને છે. આવી જ એક શરમજનક ઘટના સામે આવી છે. 

ઉત્તરપ્રદેશના મૈનપુરીની ઘટના

ઘટના ઉત્તરપ્રદેશના મૈનપુરીની છે. અહીં કિશની ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન બનાવનાર એક જાતિવાદી રસોઈયાએ અનુસૂચિત જાતિની વિદ્યાર્થિની દ્વારા બટાકા કાપવામાં આવતા ભોજન બનાવવાનો ઈનકાર કરી દીધો. જેને લઈને ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટનાએ માત્ર શિક્ષણ પદ્ધતિ પર જ સવાલો ઉભા કર્યા નથી, પરંતુ સમાજમાં ઊંડે સુધી જડ ઘાલી ગયેલી જાતિ ભેદભાવની માનસિકતાને પણ છતી કરી છે.

મામલો શું હતો?

ગત શનિવારે શાળામાં બાળકો જાતે જ મિડ-ડે મીલ બનાવતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. રવિવારે તંત્રે આ ઘટનાને ગંભીરતાથી લીધી અને તપાસના આદેશ આપ્યા. બ્લોક એજ્યુકેશન ઓફિસર (BEO) સર્વેશ યાદવ પોતે સ્કૂલ પહોંચ્યા અને ઘટનાની તપાસ કરી.

બ્લોક એજ્યુકેશન ઓફિસરે શાળાના શિક્ષક, રસોઈયા કમલેશ અને સુશીલા સહિતના બાળકોની અલગ-અલગ પૂછપરછ પણ કરી હતી. પૂછપરછ દરમિયાન ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું. રસોઈયાએ સ્વીકાર્યું કે જ્યારે અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનિએ બટાકા કાપ્યા ત્યારે તેણે ખોરાક રાંધવાની ના પાડી દીધી હતી અને શાળા છોડી જતો રહ્યો હતો.

આ મામલે સ્પષ્ટતા કરવા ઈન્ચાર્જ મુખ્ય શિક્ષક દ્વારા તપાસ અધિકારીઓને એક ઓડિયો ક્લિપ પણ સોંપવામાં આવી હતી. આ ક્લિપમાં મુખ્ય શિક્ષક અને રસોઈયા કમલેશ વચ્ચેની વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે. વાતચીતમાં, રસોઈ બનાવનાર સ્પષ્ટપણે કહે છે કે એક અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનિએ બટેટા કાપ્યા હોવાથી તે રસોઈ નહીં બનાવે.

બાળકોએ જાતે જેવી આવડે તેવી રસોઈ બનાવી

તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે શાળામાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. રસોઈયાઓના ગયા પછી બાળકોને ખોરાક જાતે રાંધવાની ફરજ પડી હતી. આ સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક છે, કારણ કે મધ્યાહન ભોજન યોજનાનો ઉદ્દેશ્ય બાળકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો છે, પરંતુ આ ઘટનામાં બાળકો ન માત્ર ખોરાકથી વંચિત રહ્યાં, પરંતુ તેમના કુમળા માનસ પર જાતિવાદનો કારમો ઘા લાગ્યો, એટલું જ નહીં નિર્દોષ આ બાળકોએ જાતે ખોરાક રાંધવાની ફરજ પડી હતી. આનાથી વધુ શરમજનક બીજું શું હોય?

રસોઈયા અને શિક્ષકના લેખિત નિવેદનો લેવાયા

આ ઘટનાને ગંભીર ગણીને બ્લોક એજ્યુકેશન ઓફિસરે કહ્યું કે રસોઈયા અને શિક્ષકના લેખિત નિવેદનો નોંધવામાં આવ્યા છે. ઘટનાનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને ઉચ્ચ અધિકારીઓને સુપરત કરવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

બાળકો સાથે આભડછેટનો ગંભીર પ્રશ્ન

આ ઘટના માત્ર શાળાના ગેરવહીવટ પુરતી સીમિત નથી, પરંતુ તે આપણા સમાજમાં ઉંડા ઉતરેલા જ્ઞાતિ ભેદભાવનું દુઃખદ ચિત્ર રજૂ કરે છે. અનુસૂચિત જાતિના બાળકો સાથે આ પ્રકારનું વર્તન માત્ર તેમના શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન નથી પરંતુ તેમના આત્મસન્માન અને સુરક્ષાને પણ ઠેસ પહોંચાડે છે.

નિષ્ણાતો કહે છે કે આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહીની સાથે સામાજિક જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂર છે. તમામ બાળકોને સમાન તકો અને સન્માન મળે તે માટે શિક્ષણ પદ્ધતિને જાતિના ભેદભાવથી મુક્ત કરવી એ સમયની જરૂરિયાત છે.

બાળકોના હિતોની રક્ષા કોણ કરશે?

મૈનપુરીમાં બનેલી આ ઘટના આપણા સમાજના એવા અંધકારમય પાસાને સામે લાવે છે જેને આપણે વારંવાર અવગણીએ છીએ. બાળકોના શિક્ષણ અને તેમની ગરિમાની રક્ષા કરવાની જવાબદારી માત્ર વહીવટીતંત્રની જ નહીં પરંતુ સમગ્ર સમાજની છે. આવા કિસ્સાઓમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી અને બાળકોના હિતોની સુરક્ષાની ખાતરી કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

આ પણ વાંચો: ઉલટી સાફ કરનાર દલિત બાળકે આઘાતમાં આવીને શાળા છોડી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.