કટ્ટર જાતિવાદઃ દલિતોને મંદિરમાં પ્રવેશ અપાયો, જાતિવાદીઓ મૂર્તિઓ ઉપાડી ગયા
જિલ્લા વહીવટી તંત્રે દલિતોને મંદિરમાં પ્રવેશ માટે પરવાનગી આપી હતી. પણ સવર્ણો તેમના ભગવાન અભડાઈ ન જાય તે માટે મૂર્તિ જ ઉપાડીને બીજી જગ્યાએ લઈ ગયા.
કુપ્રથાઓ સમયની સાથે ધીરે ધીરે નષ્ટ થતી હોય છે અથવા કાયદા દ્વારા તેને પ્રતિબિંધિત કરવામાં આવતી હોય છે. ભૂતકાળમાં સતીપ્રથા, દીકરીઓને દૂધ પીતી કરી દેવી, બાળલગ્નો, વિધવા લગ્ન નિષેધ જેવી કુપ્રથાઓમાં આ બાબત આપણે જોઈ છે. જો કે આ બધી કુપ્રથાઓ વચ્ચે જાતિવાદ એવો હઠીલો રોગ છે જેનો ઈલાજ આજની તારીખે હાથવગો હોવા છતાં તેને જાણીજોઈને વકરાવવામાં આવી રહ્યો છે. વર્તમાન ભારતમાં જાતિવાદ નામનો આ રોગ સતત વકરતો જાય છે અને સંસદ, કારોબારી, ન્યાયતંત્રથી લઈને મીડિયા અને આર્થિક-સામાજિક ક્ષેત્રે વગદાર સવર્ણ લોબી તેમાં તસુભાર પણ ઘટાડો થાય તેવું ઈચ્છતી નથી. પરિણામે દિન-પ્રતિદિન જાતિવાદની નવી અને વિચિત્ર ઘટનાઓ સામે આવતી રહે છે.
દલિતોને ભગવાનથી દૂર રાખવા મૂર્તિ જ ઉપાડી ગયા
આવી જ એક વિચિત્ર અને કટ્ટર જાતિવાદની ઘટના ગઈકાલે સામે આવી. જેમાં એક ગામમાં કાળભૈરવના મંદિરમાં દલિતોને પ્રવેશવા દેવાની જિલ્લા વહીવટીતંત્રે મંજૂરી આપી હતી. જો કે ગામના સવર્ણો દલિતો મંદિરમાં પ્રવેશે તો ભગવાન અને મંદિર બંને અભડાઈ જાય તેમ માનતા હોવાથી તેમણે આ બાબતે વહીવટી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જો કે, તંત્ર સામે તેમનું કશું ચાલ્યું નહોતું. પરિણામે કટ્ટર જાતિવાદી ગામલોકો મંદિરમાંથી ભગવાનની મૂર્તિ જ ઉપાડીને બીજી જગ્યાએ લઈ ગયા હતા. અગાઉ આવી જ એક ઘટના અન્ય એક ગામમાં પણ બની હતી જ્યાં દલિતોના મંદિર પ્રવેશ પર જાતિવાદી તત્વોએ આખું મંદિર જ તોડી પાડ્યું હતું.
કર્ણાટકના માંડ્યા જિલ્લાની ઘટના
ઘટના કર્ણાટકના માંડ્યા જિલ્લાના હનકેરે ગામનો છે. અહીં ગઈકાલે 10 ઓક્ટોબરે જિલ્લા પ્રશાસને દલિતોને 'કાલભૈરવેશ્વર' મંદિરમાં પ્રવેશવાની અને પ્રથમ વખત પૂજા કરવાની મંજૂરી આપી હતી. જો કે, વહીવટીતંત્રનો આ નિર્ણય ગામમાં રહેતા કથિત 'ઉચ્ચ જાતિ'ના લોકોને ગમ્યો હતો અને તેમણે આ તંત્રના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જો કે તંત્રે તેમની જાતિવાદી માનસિકતાને પંપાળી નહોતી અને પોતાના નિર્ણયને યથાવત રાખ્યો હતો. જો દલિતો મંદિરમાં પ્રવેશશે તો તેમના ભગવાન અને મંદિર બંને અભડાઈ જશે તેવી માનસિકતામાં રાચતા ગામના સવર્ણોએ આખરે કટ્ટર જાતિવાદી રસ્તો અપનાવ્યો હતો અને "ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી" ની તર્જ પર મંદિરમાં ભગવાન જ નહીં હોય તો દલિતો કોના દર્શન કરવા આવશે? એમ વિચારીને મંદિરમાંથી ભગવાનની મૂર્તિ જ ઉપાડી લીધી હતી અને અન્ય જગ્યાએ લઈ ગયા હતા. કટ્ટર જાતિવાદી આ ઘટનાના ઘેરા પ્રત્યાધાતો પડ્યાં છે અને ગામમાં તણાવભરી સ્થિતિ પેદા થઈ છે, જેના કારણે પોલીસ ખડકી દેવામાં આવી છે.
મામલો શું હતો?
મીડિયા રિપોર્ટ મુજબ, કાલ ભૈરવેશ્વર સ્વામીનું આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે અને દલિતોને ક્યારેય તેમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા. લગભગ બે વર્ષ પહેલા મંદિરના જીર્ણોદ્ધારનું કામ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એમ. શ્રીનિવાસની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. બાદમાં આ મંદિર રાજ્ય સરકારના ધાર્મિક વિકાસ વિભાગના નિયંત્રણ હેઠળ આવ્યું હતું. આ મંદિરમાં પ્રવેશ ન મળવા અંગે દલિતોએ જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી. જેના કારણે વહીવટીતંત્ર દ્વારા બે શાંતિ બેઠક યોજવામાં આવી હતી. જો કે, બંને બેઠકમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. જેથી દલિતોને મંદિરમાં પ્રવેશની પરવાનગી મળી ગઈ હતી.
દલિતો મંદિરમાં પ્રવેશ્યા અને મૂર્તિ ઉપાડી લીધી
ગઈકાલે 10 નવેમ્બરે દલિતો પોલીસ સુરક્ષા વચ્ચે મંદિરમાં પ્રવેશ્યા હતા. દલિતોને મંદિરમાં પ્રવેશ મળવાથી નારાજ કેટલાક કથિત 'ઉચ્ચ જાતિ'ના લોકો મંદિરમાં રહેલી કાળભૈરવની મૂર્તિનેજ ઉપાડીને લઈ ગયા હતા અને અન્ય જગ્યાએ મૂકી દીધી હતી.
સ્થાનિક દલિત નેતા ગંગારાજુએ જણાવ્યું કે, દલિત સમાજના લોકો મંદિરના જીર્ણોદ્ધારના સમયથી અહીં આવતા રહે છે અને તેઓ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે થયેલા ધાર્મિક વિધિઓમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. પણ છેલ્લા ત્રણ મહિનાથી કેટલાક લોકોએ આ બાબતે વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું હતું અને હવે તેઓ મૂર્તિ જ ઉપાડીને લઈ ગયા છે.
અમે લોકજાગૃતિ અભિયાન ચલાવીશુંઃ તાલુકા અધિકારી
આ સમગ્ર મામલે સ્થાનિક તાલુકા અધિકારી શિવકુમાર બિરાદરે જણાવ્યું છે કે દલિતોના મંદિરમાં પ્રવેશનો વિરોધ કરનારાઓને શિક્ષિત કરવા માટે જાગૃતિ અભિયાન અને કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવશે. જો એ પછી પણ આ લોકો વિરોધ કરવાનું ચાલું રાખશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ટીડીઓ સાહેબ, જાતિવાદ જાગૃતિ અભિયાનથી નહીં જાય
શિવકુમાર બિરાદર કાં તો ગાંધીજીની જેમ બહુ આદર્શવાદી લાગે છે અથવા વાસ્તવિકતા જાણે છે પરંતુ ઉપરી દબાણને કારણે તરત કાયદાનો દંડો ઉગામીને સવર્ણોને સીધાદોર કરવાની મનાઈ હોવાથી જાગૃતિ અભિયાન અને કાઉન્સેલિંગના નાટકો કરતા હોય એવું બની શકે. બાકી જાતિવાદ એવો હઠીલો રોગ છે, જે નજીકના ભવિષ્યમાં તો આ દેશના સવર્ણોમાંથી જાય તેમ લાગતું નથી. જો એવું જ હોત તો કાગળ પર તો દેશ આઝાદ થયો ત્યારથી જાતિવાદ, આભડછેટ કાયદા દ્વારા નાબૂદ થયેલી છે. તેમ છતાં ભારત દેશમાં એકેય ગામ એવું નહીં હોય જ્યાં દલિતો, આદિવાસી સાથે અસ્પૃશ્યતા ન પળાતી હોય.
દલિતો મંદિરમાં જવાનું બંધ કરો
જે પણ હોય, આપણે આશા રાખીએ કે કાયદો કાયદાનું કામ અને આવા મનુવાદી તત્વોને કાયદાનું ભાન કરાવી સીધા દોર કરે. સાથે જ એ પણ આશા રાખીએ દલિતો મંદિર પ્રવેશ માટે આંદોલન કરવાનું બંધ કરી દે, કેમ કે તેનાથી તેમનામાં અંધશ્રદ્ધા જ ફેલાવાની છે, પ્રગતિ નહીં. પ્રગતિ માટે શિક્ષણ અને મહાપુરૂષો ડો. આંબેડકર, પેરિયારના માર્ગે ચાલવું પડશે.
આ પણ વાંચો: ગાય-ડુક્કર-માછલીની ચરબીમાંથી બનેલા લાડુ ખાધા પછી ભક્તો શું કરશે?