મંદિરમાં પ્રવેશવા પર દલિતને ટોળાંએ થાંભલા સાથે બાંધી બર્બરતાથી ફટકાર્યો

એક ગામમાં મંદિરમાં પ્રવેશેલા દલિત વ્યક્તિને જાતિવાદી ટોળાએ થાંભલા સાથે બાંધી નિર્દયતાથી માર માર્યો હતો.

મંદિરમાં પ્રવેશવા પર દલિતને ટોળાંએ થાંભલા સાથે બાંધી બર્બરતાથી ફટકાર્યો
image credit - Google images

મંદિર પ્રવેશ એક એવો મુદ્દો છે જેનો મોહ આજે પણ દલિતોને છૂટતો નથી. જાતિવાદી હિંદુઓ તેમને હિંદુ માનતા નથી, તેમ છતાં દલિતોમાં એક મોટો વર્ગ તેમના મંદિરોમાં પ્રવેશી કથિત ઈશ્વરના આશીર્વાદ મેળવવા તલપાપડ રહે છે. ભલેને પછી મંદિરમાં પ્રવેશવા પર માર પડે. દરરોજ ભારતના કોઈને કોઈ ખૂણે દલિતોને મંદિરમાં પ્રવેશવા પર માર પડ્યાંની ઘટના બનતી હોય છે. તેમાંની મોટાભાગની પોલીસ ચોપડે ચડતી ન હોવાથી મીડિયામાં ચમકતી નથી. જો કે ક્યારેક મામલો હદ વટાવી જાય ત્યારે સવર્ણ જાતિવાદી મીડિયા આવી ઘટનાઓની સમ ખાવા પુરતી નોંધ લેતું હોય છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું હોવાથી મામલો મીડિયામાં ચગ્યો છે.

ઘટના કર્ણાટકના બાગલકોટ જિલ્લાના બાદામી તાલુકાના ઉગલવત ગામની છે. અહીં અર્જુન મદાર નામની એક દલિત વ્યક્તિને ગામના મંદિરમાં પ્રવેશવા બદલ જાતિવાદી તત્વોએ તાલીબાની સજા કરી હતી. જાતિવાદીઓએ તેને મંદિરમાં પ્રવેશવા બદલ થાંભલા સાથે બાંધી દીધો હતો અને ટોળું તેના પર તૂટી પડ્યું હતું. ઉશ્કેરાયેલા જાતિવાદી તત્વોએ અર્જુનને નિર્દયતાથી માર માર્યો હતો અને ફરીથી તે મંદિરમાં પ્રવેશતા સો વાર વિચાર કરે તેવી સ્થિતિ પેદા કરી હતી.

28 વર્ષનો અર્જુન મદાર 10 સપ્ટેમ્બરના રોજ અહીં ઘામાવ્વા મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ગયો હતો. તેને કેટલાક જાતિવાદી તત્વો મંદિરમાં પ્રવેશતો જોઈ જતા તેમણે તેને રોક્યો હતો અને પછી થાંભલા સાથે બાંધી દઈને મારવાનું શરૂ કરી દીધું હતું. જોતજોતામાં મોટું ટોળું એકઠું થઈ ગયું હતું અને તેમણે પણ અર્જુન પર મંદિરમાં પ્રવેશવા બદલ હાથ સાફ કર્યો હતો. આ મામલે બાદમાં અર્જુને કેરૂર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. એ પછી 21 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અને 6 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અર્જુને ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવતા દલિત નેતાઓએ પોલીસને અર્જુન પર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને બાગલકોટમાં જિલ્લા વહીવટી કચેરીની સામે આંદોલન શરૂ કરવાની ધમકી આપી છે. જિલ્લા મંત્રી આરબી તિમ્માપુરે કહ્યું કે છ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આરોપોની તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?

આ ઘટનાને લઈને બાગલકોટના એસપી વાય અમરનાથ રેડ્ડીએ ગામની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે ગામના કેટલાક લોકોએ જાહેરમાં એવી જાહેરાત કરી હતી કે દલિતોએ એ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં જ્યાં ઊંચી જાતિના લોકો રહે છે. આ લોકોએ એવી પણ જાહેરાત કરી હતી કે દલિતોએ ઉંચી જાતિના લોકોના વિસ્તારમાં પ્રવેશ કર્યો તો તેનું પરિણામ ભોગવવાનું આવશે. આ ઘટના બાદ ડેપ્યુટી કમિશનર જાનકી કેએમ અને એસપીએ ગામના દલિતો અને અન્ય સમાજના સભ્યો સાથે બેઠક યોજી હતી અને તેમને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી.

ભારતમાં દરરોજ આવી ઘટનાઓ બને છે

ઉલ્લેખનીય છે કે કર્ણાટક સહિતના અનેક રાજ્યોમાં દલિતો વિરુદ્ધ અત્યાચારની ઘટનાઓ વારંવાર બનતી રહે છે પરંતુ સ્થાનિક સરકારો તેને ગંભીરતાથી લેવામાં આવતી નથી. એટ્રોસિટીનો મજબૂત કાયદો હોવા છતાં સવર્ણોને રાજી કરવાની લ્હાયમાં પોલીસ, નેતાઓ અને ન્યાયંતંત્રમાં બેઠેલા લોકો દલિતોને અન્યાય કરતા હોય છે. આવી ઘટનાઓ બંધારણની વિરુદ્ધ હોવા છતાં પોલીસ તેમાં કડક કાર્યવાહી નથી કરતી. તેનું જ કારણ છે કે, આજે પણ ભારતમાં દલિત અત્યાચારની ઘટનાઓમાં સજાનો દર 3 ટકા કરતા પણ ઓછો છે.

આવી સ્થિતિમાં જરૂરી છે કે સરકાર તરત જાતિવાદી તત્વો સામે કડક કાર્યવાહી કરી તેમને જેલમાં ધકેલી દઈ પીડિતોને ન્યાય આપે. જેથી ભવિષ્યમાં આ પ્રકારની હરકત કરતા પહેલા જાતિવાદી તત્વો સો વાર વિચાર કરે.

દલિતોએ હજુ પણ મંદિરોમાં શું કામ જવું છે?

મંદિરોમાં પ્રવેશવા બદલ દલિતોને પડતા મારને લઈને હવે દલિત સમાજમાં જ એક એવો વર્ગ ઉભો થઈ રહ્યો છે જે આવી ઘટનામાં માર ખાનાર દલિતો પ્રત્યે સહાનુભૂતિ દાખવવાની સાથે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યો છે કે, શા માટે તેઓ મનુવાદીઓના ષડયંત્ર જેવા મંદિરમાં દર્શન કરવા માટે જાય છે? તેમણે મંદિરોમાં જવાનું બંધ કરી દેવું જોઈએ અને શાળાઓ, લાઈબ્રેરીઓમાં જઈને શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. ડો. બાબાસાહેબ આંબેડકરે જાતિવાદતી ખદબદતો હિંદુ ધર્મ છોડવાની એટલે જ વાત કરી હતી. પણ હજુ કેટલાક દલિતો સમજી રહ્યાં નથી, ત્યારે વાળ્યો ન વળે તે હાર્યો વળે તેમ આવી ઘટનાઓ બને ત્યારે જ તેમની સાન ઠેકાણે આવતી હોય છે કે મંદિરોમાં જવાથી તેમનું કશું વળવાનું નથી. ઉલટાનું જાતિવાદી તત્વો તેમના પર અત્યાચાર કરશે.

આ પણ વાંચો: કટ્ટર જાતિવાદઃ દલિતો મંદિરમાં ન પ્રવેશે માટે મંદિર જ તોડી નાખ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.