ભૂજમાં દલિતોને 40 વર્ષ પછી પણ તેમના હકની 700 એકર જમીન મળી નથી
કચ્છમાં અનુસૂચિત જાતિ સમાજની હકની 700 એકર જમીન પર માથાભારે તત્વો છેલ્લાં 40-40 વરસથી ગેરકાયદે કબ્જો જમાવીને બેસી ગયા છે, જેને છોડાવવાની લડત ચાલી રહી છે.
ગુજરાતના ગામડાઓમાં કાયમી આવકનું એકમાત્ર સાધન એવી મોટાભાગની ખેતીલાયક જમીન કથિત સવર્ણોના કબજામાં છે. ભૂલથી પણ આ જમીનોનો એક ટુકડો દલિત, આદિવાસી કે ઓબીસી સમાજના ન જાય તે માટે જાતિવાદી તત્વો કાયમ સજાગ રહેતા હોય છે. પરિણામે હકની જમીનો પણ દલિતો, આદિવાસીઓ મેળવી શકતા નથી. સવર્ણ માથાભારે તત્વોના દલિતોના હકની જમીનો હડપી લેવાના ષડયંત્રમાં ઘણીવાર સ્થાનિક સરકારી તંત્ર પણ અંદરખાને સહકાર આપતું હોય છે.
આવો જ એક કિસ્સો કચ્છ જિલ્લાના વડામથક ભૂજમાંથી સામે આવ્યો છે. જ્યાં સ્થાનિક અનુસૂચિત જાતિના લોકોને 40 વરસ પહેલા સાંથણીમાં મળેલી 700 એકર કરતા પણ વધુ જમીનનો હજુ સુધી પ્રત્યક્ષ કબ્જો અનુસૂચિત જાતિના લોકોને સોંપવામાં આવ્યો નથી. આ મામલે હવે કચ્છ જિલ્લાના લડાયક સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરની આગેવાનીમાં અનુસૂચિત જાતિ સમાજ એક થઈને લડી લેવાના મૂડમાં છે.
આ પણ વાંચો: કલેક્ટરે ઓર્ડર કર્યો છતાં માથાભારે તત્વો મારી જમીન છોડતા નથી
આ મામલાની મળતી વિગતો પ્રમાણે, રાજ્ય સરકારના વર્ષ 1983-84ના ટોચ મર્યાદા ધારા હેઠળ ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી લી.ને ભૂજ તાલુકાના અલગ અલગ ગામોમાં અંદાજે 731 એકર જમીન સાંથણીમાં મળી હતી. આ તમામ જમીનોના રેકર્ડ જેવા કે, 7/12 અને 8 અ, વિઘોટીની પહોંચ, હાલીમાજી, ટિપ્પણ, સુડબૂક અને સાંથણીના હુકમ સહિતના રેકર્ડ મંડળીના નામે ઉપલબ્ધ છે. તેમ છતાં આ જમીનો પર અમુક માથાભારે તત્વોએ ગેરકાયદે દબાણ કરી લીધું હોવાથી મંડળીના સભાસદો તેના પર ખેતી કરી શકતા નથી. આ જમીનો માટે મંડળીના સભ્યોએ મળીને કલેક્ટર કચેરીએ ધરણાં પણ કર્યા હતા. એ પછી વહીવટી તંત્રે મમુઆરા ગામની સીમમાં 50 એકર જમીન, જે મંડળીની હતી તેનો પ્રત્યક્ષ કબ્જો સોંપ્યો હતો. જો કે હજુ પણ 700 એકરથી વધુ જમીન મંડળીને સોંપવા આવી નથી. આ મામલે કલેક્ટરને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે છતા કોઈ કામગીરી કરવામાં આવી નથી. આથી મંડળીના સભ્યોએ ફરી કલેક્ટરને આવેદનપત્ર આપીને ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી લિમિટેડની જમીનોના સ્થાનિક પ્રત્યક્ષ કબ્જા આગામી 15 દિવસમાં ડીઆઈએલઆર ભૂજ, મામલતદાર અને પોલીસ તંત્રને સાથે રાખીને મંડળીના સભાસદોને સોંપવામાં આવે તેવી રજૂઆત કરી છે.
સાથે જ મંડળીના સભ્યોએ એવી ચિમકી પણ ઉચ્ચારી છે કે, 15 દિવસ પછી અમને ન્યાય નહીં મળે તો અમે અચોક્કસ મુદત સુધી ધરણા પર બેસી જઈશું અને એ પછી જે કંઈપણ થશે તેની જવાબદારી તંત્રની રહેશે.
ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી લીમિટેડના પ્રમુખ વિજયકુમાર પી. કાગીના જણાવ્યા પ્રમાણે, તેઓ આ મામલે એકથી વધુ વખત કલેક્ટરથી લઈને જવાબદાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. સરકાર દ્વારા અમને છેક 1984માં આ જમીન ફાળવવામાં આવી હતી, પણ માથાભારે તત્વોએ તેના પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો હોવાથી અમે તેના પર ખેતી કરી શકતા નથી. હવે અમે સરકારને છેલ્લી ચેતવણી આપી છે. જો 15 દિવસની નિયત સમયમર્યાદામાં તેઓ અમને અમારી જમીનનો પ્રત્ય કબ્જો નહીં સોંપે તો અમે અચોક્કસ મુદત સુધી કલેક્ટર કચેરી સામે ધરણાં પર બેસી જવાના છીએ.
આ પણ વાંચો: દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?
કચ્છ જિલ્લાના સામાજિક કાર્યકર અને સમસ્ત મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી કહે છે, "ભૂજ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓને ફાળવેલી 700 એકર કરતા વધુ જમીનોનો પ્રત્યક્ષ કબ્જો મળ્યો નથી. અમે જિલ્લા કલેક્ટરને આ મંડળીના સભાસદો, સામાજિક કાર્યકરો લખન ધ્રુવા, વિશાલ પંડ્યા, પંકજ નોરીયા તેમજ મંડળીના પ્રમુખ વિજયભાઈ કાગી સાથે મળીને જમીનોના પ્રત્યક્ષ કબ્જા સોંપવા કહ્યું છે. તેના માટે તેમને 15 દિવસનો સમય પણ આપ્યો છે. જો એ પછી પણ તંત્ર દ્વારા જમીનોના પ્રત્યક્ષ કબ્જા નહીં સોંપાય તો અમે કલેક્ટર કચેરી આગળ ધરણાં પર બેસી જઈશું. એ પછી જે કંઈ પણ થશે તેની જવાબદારી તંત્રની હશે. હાલ વરસાદની સિઝન હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીનનો કબ્જો સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવે તો વરસાદ પછી સભાસદો આ જમીન પર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે."
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજને સાંથણી હેઠળ મળેલી સેંકડો એકર જમીનો પર આજે પણ જાતિવાદી માથાભારે તત્વોનો કબ્જો છે. ગુજરાતમાં દલિત સમાજને મળેલી જમીનો પર સૌથી વધુ ગેરકાયદે કબ્જો પણ કચ્છ જિલ્લામાં હોવાનું કહેવાય છે. ગુજરાતમાં છેલ્લાં 35 કરતા વધુ વર્ષથી ભાજપની સરકાર છે, કચ્છના સાંસદ વિનોદ ચાવડા પોતે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે અને ભાજપમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. તેમ છતાં અહીં દલિતોની જમીન પર માથાભારે તત્વો કબ્જો જમાવીને બેસી ગયા છે અને કોઈ તેમની મદદ કરવા તૈયાર નથી. એવામાં નરેશભાઈ મહેશ્વરી અને તેમની ટીમ જે કામ કરી રહી છે તેનું મહત્વ વધી જાય છે.
આ પણ વાંચો: 11 દલિત પરિવારોની જમીન જિલ્લા શિક્ષણ અધિકારીએ પડાવી લીધી?