"તારો સાળો એ મારો સાળો" ની મશ્કરીમાં દલિત યુવકે જીવ ગુમાવ્યો

સુરેન્દ્રનગરમાં મિત્રની પાર્ટીમાં મિત્રો વચ્ચે બહેન અંગે કરાયેલી મશ્કરીમાં એક દલિત યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાંચો આખો મામલો.

"તારો સાળો એ મારો સાળો" ની મશ્કરીમાં દલિત યુવકે જીવ ગુમાવ્યો
image credit - Google images

સુરેન્દ્રનગરની ઉમિયા-3 સોસાયટીમાં મિત્રના બર્થડે પર ખાનગીમાં યોજાયેલી પાર્ટીમાં મશ્કરી બાદ થયેલી બોલાચાલીમાં એક દલિત યુવકે જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક મિત્રના જન્મદિવસે સુરેન્દ્રનગર આવ્યો હતો. જ્યાં રાત્રે એક ધાબા પર પાર્ટી યોજાઈ હતી. એ દરમિયાન એક યુવક સાથે બહેનને લઈને મશ્કરી થતા બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર બનતા સાળાા-બનેવીએ યુવકને ધક્કો મારી દેતા તે ધાબા પરથી નીચે પટકાયો હતો અને તેનું મોત થઈ ગયું હતું. આ મામલે બી ડીવીઝન પોલીસ મથકે સાળા-બનેવી સામે ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

કેવી રીતે ઘટના ઘટી?

આ અંગે બી ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગરની સીંધી સોસાયટીમાં રહેતો 34 વર્ષીય ચંદનભાઈ જગદીશભાઈ પરમાર હાલ રાજકોટ રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તા. 13 નવેમ્બરના રોજ તે સુરેન્દ્રનગર જ રહેતા તેના મિત્ર હિતેશ મકવાણાનો જન્મદિવસ હોઈ સુરેન્દ્રનગર આવ્યો હતો અને રાતના સમયે વઢવાણના નવા 80 ફુટ રોડ પર આવેલ ઉમીયા-3 સોસાયટીના ગેટ પાસે ર માળના કોમ્પલેક્ષના ધાબે તેઓ પાર્ટી કરતા હતા. એ દરમિયાન નવજીવન સોસાયટીમાં રહેતો વિશાલ સોલંકી અને તેનો સાળો પાર્થ વાઘેલા પણ હાજર હતા. 

ઝપાઝપીમાં ધાબા પરથી ધક્કો મારી દીધો

પાર્ટીના દરમિયાન વિશાલ અને ચંદનને બોલાચાલી થઈ હતી. જેમાં વિશાલ અને પાર્થે ચંદન સાથે ઝપાઝપી કરી હતી અને કોમ્પલેક્ષના ધાબા ઉપરથી નીચે ધક્કો મારી દેતા ચંદનનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. બનાવની જાણ થતા આસપાસના લોકો ઉમટી પડયાં હતાં. જયારે બી ડીવીઝન પીએસઆઈ એસ.એમ.શેખ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકની લાશને પીએમ માટે ગાંધી હોસ્પીટલ લઈ જવાઈ હતી. આ બનાવમાં મૃતક ચંદનના પિતા જગદીશભાઈ સોમાભાઈ પરમારની ફરિયાદને આધારે બન્ને સાળા-બનેવી સામે હત્યાનો ગુનો નોંધાયો છે. આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

ધાબા પરથી પ્લાસ્ટિકના ગ્લાસ મળ્યા

મૃતકના ભાઈ મુકુંદ પરમારે જણાવ્યુ કે, હું કામસર તા. 13મીએ ભાવનગર ગયો હતો. જયાં મને ફોન દ્વારા ચંદનનું કોમ્પલેક્ષના ધાબા પરથી પડવાથી મોત થયાની જાણ થઈ હતી. એથી સુરેન્દ્રનગર આવીને જોતા ચંદનનો મૃતદેહ જોવા મળ્યો હતો. ધાબા પરથી પ્લાસ્ટીકના ગ્લાસ અને ચંદનની તુટેલી ઘડીયાળ મળી આવી છે. આથી બનાવ સમયે તેની સાથે ઝપાઝપી કરાઈ હતી.

બહેનને લઈને કરાયેલી મશ્કરી હત્યા સુધી પહોંચી

મિત્ર હિતેશની બર્થડે પાર્ટી કરી રહેલા ચારેય વચ્ચે સામાન્ય મશ્કરીઓ ચાલતી હતી. ત્યારે આવેલો વિશાલ તેની સાથે તેના સાળા પાર્થ વાઘેલાને લઈને આવ્યો હતો અને ચંદન સાથે ઓળખાણ કરાવી હતી. આ સમયે "તારો સાળો એ મારો સાળો" તેમ ચંદને કહેતા મામલો બીચકયો હતો અને વિશાલ તથા ચંદન વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી ઉગ્ર બની હતી.

ન્યાયની માગણી સાથે લાશ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો

મૃતક ચંદનના મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોએ પોલીસને આરોપીઓને પકડો ત્યારબાદ જ લાશ સ્વીકારાશે તેમ કહીને ઈન્કાર કરી દીધો હતો. આથી ડીવાયએસપી વી. બી. જાડેજા ગાંધી હોસ્પિટલ દોડી ગયા હતા અને મૃતકને ન્યાય મળશે તેવી કાર્યવાહીની ખાતરી આપી હતી. અને બે આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. આથી મોડી સાંજે પરિવારજનોએ લાશને સ્વીકારી અંતીમ સંસ્કાર કર્યા હતા.

આ પણ વાંચો: એ પોતાની મરજીથી જીવતી ચિતા પર બેઠી હતી કે બેસાડવામાં આવી હતી?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.