એ પોતાની મરજીથી જીવતી ચિતા પર બેઠી હતી કે બેસાડવામાં આવી હતી?
રાજસ્થાનના ચકચારી Roop Kanwar sati kand ના 8 આરોપીઓને કોર્ટે 37 વર્ષ બાદ ભલે નિર્દોષ છોડ્યાં, પરંતુ આ સવાલ હજુ પણ પૂંછાઈ રહ્યો છે.
Roop Kanwar sati kand : ગરમ રોટલી એક કાચી સેકન્ડ માટે પણ આપણી આંગળીને અડી જાય તો આપણે ઝાટકો મારીને હાથ ખેંચી લઈએ છીએ, તો કલ્પના કરો કે એક મહિલાને જીવતેજીવ ચિતામાં ધકેલી દેવામાં આવી હશે તેને કેવી અસહ્ય પીડા થઈ હશે? બ્રિટિશ કાળમાં ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો, તેમ છતાં આઝાદ ભારતમાં સતી પ્રથાની એક એવી ઘટના ઘટી હતી જેણે દેશભરમાં સોંપો પાડી દીધો હતો.
આ ઘટના રાજસ્થાનને શા માટે મહિલાઓ માટે જીવતેજીવ નર્ક ગણવામાં આવે છે તેની પણ છે. 4 સપ્ટેમ્બર, 1987 નો દિવસ હતો. રાજસ્થાનના સીકર જિલ્લાના દિવરાલા ગામમાં 18 વર્ષની એક છોકરી તેના પતિના મૃતદેહ સાથે સળગી ગઈ અથવા 'સતી' થઈ ગઈ - આ સમાચાર આસપાસના વિસ્તારમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા હતા. સાધુ-સંતોથી લઈને આ વિસ્તારના સામાન્ય લોકો પણ ત્યાં પહોંચી ગયા અને તે છોકરીની સરખામણી દેવીના અવતાર સાથે કરવા લાગ્યા. તાત્કાલિક મંદિર પણ બની ગયું અને ગામમાં ઉજવણી કરવામાં આવી.
પરંતુ બીજી તરફ આ ઘટનાને લઈને વિવાદ પણ થઈ ગયો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ભારે ટીકા થઈ. બંને જગ્યાએ કોંગ્રેસની સરકાર હતી. કેન્દ્રની રાજીવ ગાંધી સરકાર પર સવાલો ઉઠ્યાં કે તેમણે આ ઘટનાની નિંદા ન કરી અને સમયસર કોઈ પગલાં પણ ન લીધા.
આ ઘટનાને દેશની છેલ્લી સતી પ્રથાની ઘટના ગણવામાં આવે છે અને તેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. તેની પાછળ એક કારણ એ હતું કે, વર્ષ 1829માં બ્રિટિશ શાસન દરમિયાન આ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમ છતાં આ ઘટના ઘટી હતી. ઘણા લોકો પર સતી પ્રથાનો મહિમા કરવાનો આરોપ લાગ્યો હતો.
પ્રશ્ન એ પણ ઊભો થયો કે શું છોકરી પોતાની મરજીથી સતી થઈ હતી? ચોતરફથી ટીકા અને દબાણ થતા આખરે કેસ નોંધવામાં આવ્યો. હવે 37 વર્ષ બાદ જયપુરની સતી પ્રિવેન્શન સ્પેશિયલ કોર્ટે આ કેસમાં 8 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. આટલા વર્ષો પછી જેમને મુક્ત કરવામાં આવ્યા છે તેમના નામ છે - શ્રવણ સિંહ, મહેન્દ્ર સિંહ, નિહાલ સિંહ, જિતેન્દ્ર સિંહ, ઉદય સિંહ, નારાયણ સિંહ, ભંવર સિંહ અને દશરથ સિંહ. આ તમામને શંકાનો લાભ આપતા કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. કેમ કે, પોલીસકર્મીઓ અને સાક્ષીઓએ આરોપીની ઓળખ નહોતી કરી.
Roop Kanwar સતી થઈ હતી કે કરાવવામાં આવી હતી?
ઘટના કંઈક આવી હતી. જયપુરની રહેવાસી 18 વર્ષની રૂપ કંવર (Roop Kanwar) ના લગ્ન દિવરાલાના માલસિંહ શેખાવત (Malsingh Shekhawat) સાથે થયા હતા. લગ્નના માત્ર સાત મહિના જ થયા હતા ત્યારે 2 સપ્ટેમ્બર, 1987ની રાત્રે માલસિંહને પેટમાં દુખાવો થયો અને પછી ઉલ્ટી થઈ. બીજા દિવસે તેના માતા-પિતા, પત્ની રૂપ કંવર અને તેના ભાઈ મંગેજ સિંહ (Mangej Singh) તેમને સીકરની હોસ્પિટલમાં લઈ ગયા. એની તબિયત સુધરી રહી હોય એમ લાગતું હતું, તેથી પત્ની અને માતા એ જ રાત્રે ગામ પાછા ફર્યા. પરંતુ 4 સપ્ટેમ્બરના રોજ સવારે 8 વાગ્યે માલ સિંહનું અવસાન થયું અને લગભગ બે કલાક પછી તેનો મૃતદેહ દિવરાલા આવી પહોંચ્યો.
કહેવાય છે કે રૂપ કંવરે તેના પતિ સાથે સતી થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઈન્ડિયા ટુડે (India Today) ના એક અહેવાલ મુજબ, જ્યારે કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે પોતાની મરજીથી સતી નહોતી થઈ. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી હરદેવ જોશી (Hardev Joshi) હતા. હાઈકોર્ટમાં 39 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો. તેમના પર આરોપ હતો કે તેમણે સતી પ્રથાના ગુણગાન ગાયા અને રૂપ કંવરને સતી થવા માટે દબાણ કર્યું હતું.
રૂપ કંવર જીવતી સળગી ગઈ અને ઉત્સવ મનાવાયો
જ્યારે રૂપ કંવર જીવતી સળગી ગઈ ત્યારે ગામમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. માલ સિંહના મૃત્યુ પછી જ સમાચાર વહેતા થઈ ગયા હતા કે રૂપ કંવર સતી થવાની છે. એ પછી સાધુ-સંતો એ જોવા માટે પહોંચી ગયા હતા કે શું તેની અંદર કોઈ દેવી છે? 15 ઑક્ટોબર, 1987ના રોજ, ઈન્ડિયા ટુડે સાથે સંકળાયેલા ઈન્દ્રજીત બધવારે આ ઘટનાનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું. તેણે લખ્યું હતું કે, "રૂપ કંવરના સાસરિયાઓએ તેને આશીર્વાદ આપ્યા અને તેને આગળ કરી. રૂપ કંવર લગ્નના પોશાકમાં સજ્જ હતી. તેને હાથમાં નાળિયેર આપવામાં આવ્યું અને પછી ગામની પ્રદક્ષિણા કરાવવા માટે લઈ જવામાં આવી."
રૂપ કંવરને જ્યાં પતિ સાથે ચિતા પર ચડાવી દેવાઈ હતી તે જગ્યા આજે પણ સચવાયેલી છે.
રિપોર્ટમાં આગળ લખાયું હતું કે,'રાજપૂત સ્મશાનભૂમિ' પર સેંકડો લોકો પહેલેથી જ એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેણે 15 મિનિટ સુધી ચિતાની પ્રદક્ષિણા કરી હતી. સ્થળ પર હાજર તેજ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, જ્યારે રૂપ કંવર લાંબા સમય સુધી ચક્કર લગાવતી રહી તો ત્યાં હાજર લોકોએ કહ્યું, "જલ્દી કરો, નહીંતર પોલીસ આવી જશે." એ પછી રૂપ કંવરને ચિતા પર બેસાડવામાં આવી. તેના મૃત પતિનું માથું તેના ખોળામાં હતું.
ચિતામાંથી બહાર પડી ગઈ તો ફરીથી અંદર ચડાવી
માલ સિંહનો નાનો ભાઈ પુષ્પેન્દ્ર સિંહ તે સમયે 15 વર્ષનો હતો. તેણે જણાવ્યું કે તેણે ચિતાને આગ લગાવી હતી પરંતુ આગ લાગી નહોતી. તેણે કહ્યું કે આગ તેની જાતે જ લાગી હતી. એક ગ્રામીણે ઈન્દ્રજીત બધવારને જણાવ્યું હતું કે, રૂપ કંવર સળગતી વખતે ચિતામાંથી પડી ગઈ હતી. તેના પગ બળી ગયા હતા. તેમ છતાં પીડાથી ચીસો પાડતી રૂપ કંવરને ફરીથી ચિતા પર ચડાવી દેવામાં આવી હતી. આ દરમિયાન, ગામના રાજપૂત વિસ્તારના લગભગ દરેક ઘરમાંથી ઘીની ડોલ ભરીને લાવવામાં આવી હતી અને સળગવાને બદલે સતત ધુમાડો કાઢતા લાકડા પર ત્યાં સુધી ઘી રેડવામાં આવ્યું જ્યાં સુધી તેમાં આગ ન લાગી ગઈ.
ઈન્ડિયા ટુડેએ પોતાના રિપોર્ટમાં લખ્યું હતુંઃ તે દિવસે બપોરે 1.30 વાગ્યા સુધીમાં બધું ખતમ થઈ ગયું હતું. 70 વર્ષ પછી ગામમાં બીજી સફળ 'સતી'...
ગામના લોકોએ રૂપ કંવરને સતી દેવીનું રૂપ આપી દીધું અને મંદિર બનાવ્યું. ત્યાં એક મોટો 'ચુનરી મહોત્સવ' પણ યોજાયો હતો.
શું હતો ચુનરી મહોત્સવ?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજપૂત સમાજના લોકોએ 16 સપ્ટેમ્બર 1987ના રોજ ગામમાં સ્મશાન ઘાટ પર ચુનરી મહોત્સવ યોજવાની જાહેરાત કરી હતી. ટૂંક સમયમાં ચોતરફ તેની ચર્ચા થવા લાગી. અનેક સંગઠનોએ આ ઉત્સવનો વિરોધ કર્યો હતો. સામાજિક કાર્યકરો અને વકીલોએ રાજસ્થાન હાઈકોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ જે.એસ. વર્માને પત્ર લખ્યો. એ પછી 15 સપ્ટેમ્બરે જસ્ટિસ વર્માએ આ પત્રને જાહેર હિતની અરજી ગણાવીને ચુનરી મહોત્સવ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમનું માનવું હતું કે આ સતી પ્રથાના ગુણગાન છે. તેમણે સરકારને આદેશ આપ્યો કે આ સમારોહ કોઈ પણ સંજોગોમાં ન થવો જોઈએ.
હાઈકોર્ટના આદેશને પણ ગણકાર્યો નહીં
જો કે, તમને જાણીને આંચકો લાગશે કે હાઈકોર્ટનો પ્રતિબંધ હોવા છતાં 15 સપ્ટેમ્બરની રાતથી લોકો ત્યાં એકઠા થવા લાગ્યા હતા. એવું કહેવાય છે કે 10 હજારની વસ્તીવાળા એ ગામમાં 1 લાખથી વધુ લોકો પહોંચ્યા હતા. એ દરમિયાન પોલીસ ગામથી દૂર જ રહી. એક દિવસ બાદ જ લોકોએ હાઈકોર્ટના નિર્ણયની અવગણના કરીને ચુનરી મહોત્સવની ઉજવણી કરી હતી. મીડિયા રિપોર્ટ કહે છે કે, આ ઉત્સવમાં અનેક પક્ષના ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો.
મહિલાઓ આજે પણ રુપ કંવરને સતી માનીને તેની માનતા માની અહીં દર્શન કરવા આવે છે.
વાત આટલેથી અટકતી નથી. એક વર્ષ બાદ આ ઘટનાની વર્ષગાંઠની પણ ઉજવણી કરવામાં આવી હતી. 22 સપ્ટેમ્બર 1988ના રોજ રાજપૂત સમાજના લોકોએ દિવરાલાથી અજીતગઢ સુધી સરઘસ કાઢ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે લોકોએ ટ્રકમાં બેસીને રૂપ કંવરનો જયજયકાર કર્યો હતો. તેમણે ટ્રક પર રૂપ કંવરના ફોટા લગાવ્યા હતા.
સતી પ્રથાના આ ચકચારી કેસ બાદ સતી કેસોની ઝડપી સુનાવણી માટે જયપુરમાં વિશેષ અદાલતની રચના કરવામાં આવી હતી. આ પહેલા 31 જાન્યુઆરી 2004ના રોજ કોર્ટે આ કેસમાં 25 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે વધુ 8 આરોપીઓ છુટી ગયા છે.
આઝાદ ભારતમાં બનેલી આ ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી હતી. રૂપ કંવર સતી કાંડના આરોપીઓ તો એક પછી એક નિર્દોષ છુટી ગયા છે, પરંતુ આ રૂંવાડા ઉભા કરી દેતી ઘટનાના સાક્ષીઓ આજે પણ તેને ભૂલી શકતા નથી.
આ પણ વાંચોઃ "યાદ રાખજે, જ્યાં મળીશ ત્યાં મારી નાખીશ" અને એવું જ થયું...