દલિતે મજૂરીના પૈસા માગ્યા, પિતા-પુત્રએ મોં પર થૂંકી માથે પેશાબ કર્યો
પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા મજૂરે આ મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવતા તપાસ શરુ કરવામાં આવી છે.
બિહારના મુઝફ્ફરપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પોલ્ટ્રી ફાર્મના સંચાલકે એક દલિત મજૂર સાથે અમાનવીય વર્તન કર્યું. અહીં કામ કરતા એક દલિત મજૂરે બે દિવસની મજૂરીના રૂપિયા માંગતા સંચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે દલિત મજૂરને માર માર્યો. મજૂરનો આરોપ છે કે, સંચાલક પિતા-પુત્ર અને તેના ભાઈએ મળી તેને માર મારી, તેના ચહેરા પર થૂંકીને તેના પર પેશાબ કર્યો હતો. મામલો બોચહાં પોલીસ સ્ટેશનના ચૌપાર મદન ગામનો છે. પોલીસે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી છે.
મજૂરીના પૈસા માંગતા અત્યાચાર કર્યો
મળતી માહિતી પ્રમાણે, અહીં મજૂરીની માંગણી કરતા દલિત મજૂરને પોલ્ટ્રી ફાર્મના સંચાલક પિતા-પુત્રે માર મારી અમાનવીય વર્તન કર્યું હતું. આરોપીઓએ પોલીસમાં ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. મજૂરને હાલ સારવાર માટે સીએચસીમાં દાખલ કરવામાં આવ્યો છે. તેણે જણાવ્યું કે આરોપીઓ માથાભારે છે. તાજેતરમાં જ તેમણે પોલ્ટ્રી ફાર્મ ખોલ્યું છે, જેમાં તેણે ઘણાં દિવસો સુધી કામ કર્યું પરંતુ બાપ-દીકરો બે દિવસનો પગાર નહોતા આપતા. જ્યારે તેણે માંગણી કરી તો તેમણે તેની આ હાલત કરી.
ત્રણેય શખ્સ મજૂરના મોં પર થૂંક્યા
મજૂરનું કહેવું છે કે, જ્યારે તે મજૂરી માંગવા ગયો ત્યારે બાપ-દીકરો ગુસ્સે થઈ ગયા અને તેને માર માર્યો. બધાં તેના મોં પર થૂંક્યા અને સંચાલકના પુત્રે તેના પર પેશાબ કર્યો હતો. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કરી દેતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. દરમિયાન લુખ્ખા તત્વોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી. પણ મજૂરે હિંમત કરીને ફરિયાદ કરી દીધી છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બે લોકો યુવકને રસ્તાની બાજુમાં પાડી દઈને માર મારી રહ્યાં છે અને રસ્તા પર ઉભેલા લોકો બધું જોઈ રહ્યા છે. મજૂરનું નામ રિંકુ માંઝી છે અને તેણે તેને મારનાર રમેશ પટેલ, અરુણ પટેલ અને ગૌરવ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.
ત્રણ સામે એફઆઈઆર નોંધાઈ
આ મામલામાં પોલીસ અધિકારી રાકેશ કુમાર યાદવે જણાવ્યું કે રમેશ પટેલ, તેના ભાઈ અરુણ પટેલ અને પુત્ર ગૌરવ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના પૈસાને લઈને બની હતી. આ મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. કેસની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ 7 દલિત મજૂરોને પોલીસે પહેલા કરંટ આપ્યો, પછી ગુદામાર્ગમાં પેટ્રોલ નાખ્યું