7 દલિત મજૂરોને પોલીસે પહેલા કરંટ આપ્યો, પછી ગુદામાર્ગમાં પેટ્રોલ નાખ્યું?

કાયદો વ્યવસ્થા જાળવવાની જેમના પર જવાબદારી રહેલી છે તે પોલીસનો ભયાવહ ચહેરો સામે આવ્યો છે. પોલીસે દલિત મજૂરો સાથે જે કર્યું તે જાણીને ચોંકી જશો.

7 દલિત મજૂરોને પોલીસે પહેલા કરંટ આપ્યો, પછી ગુદામાર્ગમાં પેટ્રોલ નાખ્યું?
image credit - Google images

જેમના પર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રહેલી છે તે પોલીસનો ભયાવહ ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે. આરોપ એવો લાગ્યો છે કે, સાત દલિત મજૂરોને 2 દિવસ સુધી પોલીસે ગેરકાયદે રીતે કસ્ટડીમાં રાખ્યા હતા. એટલું જ નહીં પૂછપરછ દરમિયાન ગુનો કબૂલ કરી લેવા માટે પોલીસે મજૂરોને માર માર્યો હતો અને તેમને વીજળીના કરંટ આપ્યો હતો. 

વાત આટલેથી અટકતી નથી. ઉશ્કેરાયેલી પોલીસે તેમના ગુદામાર્ગમાં પેટ્રોલ નાખ્યું હતું. આ આખી આપવીતી પીડિત મજૂરોએ પોલીસની ચુંગાલમાંથી છૂટ્યા બાદ જણાવી હતી. હાલ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મામલો બિહારના ભાગલપુર જિલ્લાના ગૌરડીહ વિસ્તારનો છે. ગૌરડીહ પોલીસ પર આરોપ છે કે, તેણે મજૂરી કરનારા સાત લોકોને પહેલા તેમના ઘરેથી ઉઠાવી લીધા અને પછી પોલીસ સ્ટેશને લઈ જઈને ઢોર માર માર્યો હતો. 

ચોંકાવનારો આરોપ એ લાગ્યો છે કે, પોલીસે આ મજૂરો સાથે થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યું હતું. તેમને પહેલા માર્યા હતા, એ પછી તેમને વીજળીના ઝટકા આપ્યા અને છેલ્લે ગુદામાર્ગમાં પેટ્રોલ નાખ્યું હતું. એ પછી પણ પોલીસ ધરાઈ નહીં તો પટ્ટાથી માર માર્યો.

મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા મોડી રાત્રે ગૌરડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના પહારિયામાં 49 વર્ષીય સુમેશ મંડલની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સાત મજૂરોની અટકાયત કરી હતી અને તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. 

આ પણ વાંચો: 'હું દરબાર છું, મને 'તું' કેમ કહે છે?' - ડીસાના ઝેરડા ગામે દરબારે દલિત યુવકને આંતરીને માર માર્યો

માયાગંજમાં સારવાર માટે આવેલા ઈજાગ્રસ્ત મજૂર ધનેશ્વર દાસે જણાવ્યું હતું કે પોલીસ તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ત્યાં બળજબરીથી ગુનેગારોના નામ કબૂલ કરાવવા પ્રયત્ન કરીને તેમને બેફામ રીતે માર મારવામાં આવ્યો હતો. 

પીડિતોએ જણાવ્યું કે પોલીસે તેમને 24 કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા, તેમના બંને હાથ બાંધી દીધા અને એક કલાક સુધી લાકડીઓ અને બેલ્ટ વડે માર માર્યો.

આરોપ છે કે પોલીસ આ મજૂરોને માર મારવાથી ધરાઈ નહીં તો તેણે તેમના ગુદામાર્ગમાં પેટ્રોલ નાખી દીધું હતું. તમામ પીડિતો આર્થિક રીતે નબળાં પરિવારોમાંથી છે. પોલીસના આ થર્ડ ડિગ્રી ટોર્ચરના કારણે ઘાયલ થયેલા મજૂરોમાં કન્હૈયા દાસ, ફુલેશ્વર દાસ, અમીકર દાસ, સંજીવ દાસ, સંતોષ દાસ અને ધનેશ્વર દાસનો સમાવેશ થાય છે. આ પૈકી કેટલાકને પગના તળિયે, કેટલાકના પગમાં તો કેટલાકના શરીરના અન્ય ભાગોમાં ઈજાના નિશાન છે.

આ મામલે સિટી એસપી રાજે જણાવ્યું કે સંબંધિત SDPOને નિર્દેશ આપવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પુરાવા એકત્ર કરીને રજૂ કરવામાં આવશે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઘટનાની જાણ થતાં આ મામલે નિવેદન જારી કરતા એસપીએ કહ્યું છે કે કામદારોને વીજ કરંટ આપવાની અને તેમના પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખવાના આરોપો ખોટા છે. પોલીસે અટકાયતમાં લીધેલા લોકોને થયેલી ઈજાઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તમામની સારવાર ચાલી રહી છે. જો તપાસમાં દોષી જણાશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: 13 વર્ષની દલિત સગીરાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.