ચૂંટણીના પરિણામોએ બતાવી આપ્યું કે ભારત ‘હિંદુ રાષ્ટ્ર’ નથી: અમર્ત્ય સેન

લોકસભાની ચૂંટણીના પરિણામોને લઈને નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને સત્તાધારી ભાજપ પર તીખો પ્રહાર કર્યો છે.

ચૂંટણીના પરિણામોએ બતાવી આપ્યું કે ભારત ‘હિંદુ રાષ્ટ્ર’ નથી: અમર્ત્ય સેન
image credit - Google images

લોકસભા 2024ના પરિણામો સત્તાધારી ભાજપની અપેક્ષા પ્રમાણેના આવ્યા નથી. એક સમયે ભાજપે અબકી બાર 400 પારનો નારો આપ્યો હતો. પણ પરિણામોમાં તે એકલપંડે બહુમતી સુધી પણ પહોંચી શક્યું નહોતું. હાલ ભાજપ ટીડીપી અને જેડીયુના ટેકે સરકાર ચલાવી રહી છે ત્યારે નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને ભાજપ અને આરએસએસ પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે હાલની લોકસભા ચૂંટણીના પરિણામ એ તથ્ય તરફ ઈશારો કરે છે કે વાસ્તવમાં ભારત એક 'હિન્દુ રાષ્ટ્ર' નથી. અમર્ત્ય સેન હાલમાં જ અમેરિકાથી કોલકાતા પહોંચ્યાં છે. તેમણે લોકોને કેસ વગર જ જેલમાં રાખવાના કથિત ટ્રેન્ડ પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.

અમર્ત્ય સેને એરપોર્ટ પર એક સમાચાર ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, “ભારત એક હિન્દુ રાષ્ટ્ર નથી, ચૂંટણી પરિણામોથી એ સ્પષ્ટ જાહેર થઈ ગયું છે. તેમણે કહ્યું કે આપણે હંમેશા ચૂંટણી બાદ પરિવર્તન આવે તેવી આશા રાખીએ છીએ. પહેલા ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દરમિયાન જે કંઈ થયું, જે રીતે લોકોને કેસ વગર જેલમાં નાખવામાં આવ્યા અને અમીર-ગરીબ વચ્ચે ખાઈને વધારવી, એ હજુ પણ ચાલુ છે. આ બંધ થવું જોઈએ.”

અમર્ત્ય સેને કહ્યું કે વધુમાં કહ્યું કે, “રાજનીતિક રીતે ખુલ્લા વિચારોની જરૂર છે. ખાસ કરીને જ્યારે ભારત ધર્મનિરપેક્ષ બંધારણ સાથે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. મને નથી લાગતું કે ભારતને 'હિન્દુ રાષ્ટ્ર'માં બદલવાનો વિચાર યોગ્ય છે.” 

આ પણ વાંચો: બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત

તેમણે એમ પણ કહ્યું કે નવા કેન્દ્રીય મંત્રીમંડળ પહેલા જેવું જ છે. મંત્રીઓ પાસે પહેલાની જેમ જ વિભાગ વહેંચાયેલા છે. મામૂલી ફેરફાર છતાં રાજકીય રીતે સત્તાપક્ષ હજુ પણ શક્તિશાળી છે. 

સેને એ પણ યાદ કર્યું કે તેમના બાળપણ દરમિયાન ભારત જ્યારે બ્રિટિશ શાસનને આધીન હતું ત્યારે લોકોને કોઈ પણ કેસ વગર જેલમાં નાખી દેવાયા હતા.

તેમણે કહ્યું, “જ્યારે હું નાનો હતો ત્યારે મારા અનેક કાકાઓ અને પિતરાઈઓને કેસ વગર જેલમાં નાખી દેવાયા હતા. અમને આશા હતી કે ભારત તેનાથી મુક્ત  થશે. કોંગ્રેસ પણ તેના માટે દોષિત છે કે તેણે આ પરિસ્થિતિ બદલી નહીં. પરંતુ તે હાલની સરકારમાં વધુ થઈ રહ્યું છે.” 

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ છતાં ભાજપ ફૈઝાબાદની લોકસભા સીટ હાર્યું તેના પર અમર્ત્ય સેને કહ્યું કે, “દેશની વાસ્તવિક ઓળખને છુપાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા. આટલા પૈસા ખર્ચ કરીને રામ મંદિર બનાવવું, ભારતને એક હિન્દુ રાષ્ટ્ર તરીકે ચિત્રિત કરવું, જે મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, અને નેતાજી સુભાષચંદ્ર બોસના દેશમાં નહતું થવું જોઈતું. તે ભારતની વાસ્તવિક ઓળખની ઉપેક્ષા કરવાના પ્રયત્નને દર્શાવે છે અને તેને બદલવું જોઈએ.” સેને એમ પણ કહ્યું કે ભારતમાં બેરોજગારી વધી રહી છે અને પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક સ્વાસ્થ્ય સેવા જેવા ક્ષેત્રોની ઉપેક્ષા થઈ રહી છે. એ દિશામાં વધુ પ્રયત્નો કરવાની જરૂર છે.

આ પણ વાંચો: સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.