સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે
સ્વામીનારાયણ સંપ્રદાયના કથિત સ્વામીઓ, મોટિવેશનલ સ્પીકર બનીને લોકોને મોટિવેટ કરે છે, પણ તેમનું ખુદનું સાહિત્ય જૂઠા પરચાઓથી ભરેલું પડ્યું છે. વાચો આ લેખ.
સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સામંતવાદી વ્યવહાર. શિક્ષાપત્રીમાં લોકશાહીનો ખ્યાલ નથી. તેમના મુખ્ય પુસ્તક ‘શિક્ષાપત્રી’ને જોઈએઃ શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવી, શ્લોક-90. અતિ દલિતોએ તિલક કરવું નહી, માત્ર ચાંદલો જ કરવો, શ્લોક-45. પતિ નપુંસક હોય તો પણ ઈશ્વર માનવો, શ્લોક- 159. વિધવા મહિલાઓએ પતિ બુદ્ધિએ શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા એટલે કે પુન:લગ્ન ન કરવા, શ્લોક-163. વિધવા મહિલાઓએ વ્રત ઉપવાસ કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું, શ્લોક-166. વિધવા મહિલાઓએ એકવાર આહાર કરવો, શ્લોક- 168. મહિલાઓએ વસ્ત્ર પહેર્યા વિના ન્હાવું નહીં, અને પોતાનું રજસ્વલાપણું છુપાવવું નહીં, શ્લોક- 173. મહિલાઓએ અસ્પૃશ્યતા પાળવી, શ્લોક-174. કોઈ પુરુષે મહિલાના મુખેથી જ્ઞાનવાર્તા સાંભળવી નહીં, શ્લોક-34. પતિ પરદેશ ગયો હોય ત્યારે પત્નીએ આભૂષણ ધારણ ન કરવા, શ્લોક-162. જન્મ તથા મરણનું સૂતક પાળવું, શ્લોક-88. વર્ણાશ્રમનો ત્યાગ ન કરવો, શ્લોક-24. જન્મથી બ્રાહ્મણ આચાર્ય પાસેથી જ દીક્ષા ગ્રહણ કરવી, શ્લોક-128. રાજાના દર્શને ખાલી હાથે ન જવું, શ્લોક-37. જે ગામમાં ઉપદ્રવ હોય તે ગામ છોડી દેવું, શ્લોક-154. ધનાઢ્ય ગૃહસ્થોએ યજ્ઞ કરવા, ઉત્સવ કરવા અને બ્રાહ્મણોને દાન કરવું, શ્લોક-155/156. શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરવું નહીં, શ્લોક-10. શિક્ષાપત્રીની પૂજા કરવી, શ્લોક-209. જે ભાઈઓ-બહેનો શિક્ષાપત્રી પ્રમાણે વર્તે નહીં તે અમારા સંપ્રદાયની બહાર છે, શ્લોક-207.
શિક્ષાપત્રી સિવાયના સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે. બ્રહ્મા- વિષ્ણુ-મહેશને સહજાનંદ સ્વામીના દાસ બતાવ્યા છે. ટૂંકમાં સ્વામિનારાયણ સાહિત્ય એટલે જૂઠાણાંની ફેક્ટરી.
કૂવામાં હોય તેવું હવાડામાં આવે! સવાલ એ છે કે શું સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સાધુ, સ્વામી, બાવાને સાંભળવાથી જ્ઞાન મળે ખરું? કોઈ મોટિવેશન મળે? મોક્ષ, અક્ષરધામ મળે? સદ્ગતિ થાય?
BAPS-બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના સાધુ જ્ઞાનવત્સલ સ્વામીની વકૃત્વ શક્તિ સારી છે. અંગ્રેજી મિશ્રિત તેમના પ્રવચનોને હરિભક્તો તાળીઓથી વધાવી લે છે. તેમના પ્રવચનોમાં અંતે તો કાલ્પનિક ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ’ આવે જ! આવું જ્ઞાન ભક્તોના ગળે ઊતરે, પરંતુ હાઈકોર્ટના વકીલો, ડોક્ટર્સ, CA, MBAની કોન્ફરન્સમાં આવા સ્વામીઓને શા માટે આમંત્રણ આપવું જોઈએ? એક ટ્રેન્ડ બની ગયો છે, CA, MBA, વકીલો વગેરેની કોન્ફરન્સમાં સ્વામીઓને આમંત્રણ આપવામાં આવે એટલે વટ પડી જાય! સ્વામીઓના ગોળગોળ, પોલાંપોલાં, અર્થહીન પ્રવચનો સાંભળી લોકો તાળીઓ પાડે ત્યારે અખા ભગત યાદ આવેઃ ‘ઊંઘ્યો કહે, ઊંઘ્યો સાંભળે, તેથી જડપણું બન્નેનું ન ટળે!’
આ પણ વાંચો:સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?
25 જૂન 2024ના રોજ, કોલકાતામાં CAના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ હતી, તેમાં મોટિવેશન માટે જ્ઞાનવત્સલ સ્વામીને આમંત્રણ આપેલું. સ્વામી મંચ પર આવે તે પહેલાં સ્ટેજ પરથી ઘૃણાસ્પદ ઘોષણામાં કરવામાં આવી કે “કોન્ફરન્સ હોલની પ્રથમ પાંચ હરોળમાં કોઈ મહિલાએ બેસવું નહીં, તેમણે પાછળ બેસવું!” આ જાહેરાતના કારણે ભારે ઉહાપોહ થયો.
ICAI-ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ જ્ઞાનવત્સલ સ્વામીને આમંત્રણ આપતા પહેલા શિક્ષાપત્રી વાંચી હશે ખરી? જો વાંચી હોય તો આ સંસ્થાને સમાનતા, લોકશાહી, માનવ ગૌરવની હાનિ દેખાઈ નહીં હોય? શું આ સંસ્થા ઊંચ-નીચના ભેદભાવમાં, વર્ણવ્યવસ્થામાં માનતી હશે? હાસ્યાસ્પદ બાબત તો એ હતી કે જ્ઞાનવત્સલ સ્વામીએ 2047 સુધીમાં ભારતને 'વિકાસિત' અને 'વિશ્વગુરુ' બનાવવાની વાત કરી હતી. શું શિક્ષાપત્રીના જૂનવાણી વિચારોનું અનુસરણ કરવાથી ‘વિશ્વગુરુ’ બનાશે? વિકસિત થવાશે?
કોઈ પણ સ્વામિનારાયણના બાવાને સાંભળવા એટલે ભૂતકાળ તરફ પાછા જવું! નવી સંસદના ઉદ્દઘાટન પ્રસંગે રાષ્ટ્રપતિને બોલાવવાના બદલે દેશભરમાંથી ‘સત્તાપક્ષની તરફેણ કરતા બાવાઓ’ને બોલાવવામાં આવેલ. આવનારા વર્ષોમાં આયાતુલ્લા ખોમૈનીનું ભારતીય સંસ્કરણ જોવા મળે તો આશ્ચર્ય પામવું નહીં! આપણે તાલિબાનની ઠેકડી ઉડાવીએ છીએ. તેઓ કટ્ટરપંથી છે, પરંતુ જ્યારે ભારતમાં જ્ઞાનવત્સલ સ્વામીના કારણે મહિલાઓને પાછળ બેસવું પડે તો આપણે વિશ્વગુરુ કઈ રીતે બનીશું? બાવાઓને આમંત્રણ આપનારાઓએ આત્મનિરીક્ષણ કરવાની જરુર નથી? તમામ વિદ્યાર્થીઓએ હોલની બહાર નીકળી જવાની જરૂર હતી. હોલમાં સ્વામીને એકલા રાખ્યા હોત તો તેમને બ્રહ્મજ્ઞાન મળત! ગમે તેવો સંત કે સેલિબ્રિટી હોય, પણ મહિલાઓ સાથે આવું શરમજનક વર્તન કઈ રીતે માન્ય થઈ શકે?
રમેશ સવાણી (લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)
આ પણ વાંચો: સ્વામીએ કિશોરનું બ્રેઈનવોશ કર્યું, હવે તેને સાધુ બની જવું છે?