બાબાસાહેબ થિયરી છે તો માન્યવર પ્રેક્ટિકલ છે

માન્યવર કાંશીરામના જીવનનો આ પ્રસંગ આપણું માર્ગદર્શન કરવા માટે પુરતો છે. માન્યવર બાબાસાહેબના સપનાને કેવી રીતે પૂર્ણ કરી શક્યાં તેનું રહસ્ય આ લેખમાં પડેલું છે.

બાબાસાહેબ થિયરી છે તો માન્યવર પ્રેક્ટિકલ છે

માન્યવર કાશીરામ એક IAS ઓફિસર પાસે વારંવાર ફંડીગ અને બામસેફમાં જોડવા માટે જઈ રહ્યા હતા. પણ એ અધિકારી વારંવાર જૂઠ્ઠું બોલીને પોતાના નોકર દ્વારા મેસેજ આપતા કે સાહેબ ઘરે નથી કે પછી વ્યસ્ત છે. પણ માન્યવર હાર માને તેમ નહોતા. તેઓ માનતા હતા કે સમાજના આવા લોકો મહાપુરુષોના બલિદાનના લીધે લાભો લઈ રહ્યાં છે, એટલે તેઓ જે ફંડ આપે છે એ મહેરબાની નથી પરંતુ એમની નૈતિક ફરજ છે. તેથી માન્યવર ક્રમશઃ એ અધિકારીના ઘરે ફંડ માગવા માટે જવા લાગ્યા. આ રીતે ખુદ માન્યવરને વારંવાર ઘરે આવતા જોઈને એ અધિકારી પરેશાન થઈ ગયા અને આખરે તેમની સામે આવીને ગુસ્સામાં કહ્યું, “તમારું માનસિક સંતુલન બગડી ગયું છે કે પછી તમારી પાસે બીજો કોઈ કામધંધો નથી?” 
એ અધિકારીના સવાલનો જવાબ આપતા માન્યવરે કહ્યું, "શ્રીમાન મને એક બીમારી છે જે તમને નથી."અધિકારીએ કહ્યું: “શું બીમારી છે? બિમારી હોય તો દવા કરાવો.”

માન્યવરે કહ્યું: "આ બીમારી પરંપરાગત છે. એ બીમારી ગૌતમ બુદ્ધ, બાબાસાહેબ આંબેડકર, પેરિયાર, જ્યોતિબા ફૂલે, શાહુજી મહારાજ, ફાતિમા શેખ, સાવિત્રીબાઈ ફૂલે, કબીર, રવિસાહેબ, ગુરુનાનક જેવા મહાપુરુષોને પણ હતી. અને એ બીમારી એમના મુત્યુ સુધી રહી.”

અધિકારીએ પૂછ્યું: “એ કઈ બીમારી છે?”

માન્યવર કહ્યું: “તમે બીમારીનું નામ જાણી ને શું કરશો? તમે જો એ બીમારીનું નામ સાંભળી પણ લીધું તો પણ તમને હજમ નહીં થાય, કેમ કે તમે એનાથી ગ્રસિત નથી.”

આ વાત સાંભળીને અધિકારીએ કહ્યું: "એવી કઈ બીમારી છે જે મારામાં નથી, તમે જણાવી રહ્યાં છો કે એ મહાપુરુષોમાં હતી?”

માન્યવર એ ગંભીરતાથી જવાબ આપ્યોઃ “સામાજિક ઈમાનદારીની બીમારી.” અને કહ્યું: “આ બધાં મહાપુરુષો સાધનસંપન્ન હતા. એમને કોઈ વ્યક્તિગત સમસ્યા નહોતી. પોતાના જીવનમાં સુખી સંપન્ન હતા. કષ્ટભર્યું સામાજિક જીવન જીવવા કરતા તેઓ સુખી જીવન જીવી શકતા હતા. ગૌતમ બુદ્ધ અને છત્રપતિ શાહુજી મહારાજ તો રાજ વ્યવસ્થામાં રાજા હતા. પણ તમે તો વ્યવસ્થામાં માત્ર નોકર  છો. અને એ મહાપુરુષો તો સમાજિક ઈમાનદારીની બીમારીના લીધે વ્યક્તિગત સુખમય જીવન જીવ્યા નહોતા.”

આ પણ વાંચો:બાબાસાહેબના આ કાર્યોને કોઈ ભૂંસી શકશે નહીં, સદીઓ પછી પણ રહેશે યાદ

આ વાત સાંભળી અધિકારી શરમ અનુભવવા લાગ્યા અને માન્યવરને ઘરમાં આવવા કહ્યું. સાહેબ ઘરમાં ગયા અને ફંડીગની કૂપનો આપી. અધિકારીએ પચાસ હજારનો ચેક આપ્યો ત્યારે કાશીરામ સાહેબે કહ્યું “આ બીમારી એક જ વારમાં ના આવવી જોઈએ. ક્રમશ આવવી જોઈએ, હંમેશા આવવી જોઈએ અને ત્યાં સુધી આવવી જોઈએ જ્યાં સુધી આખો સમાજ આ બીમારીથી ગ્રસ્ત થઈને બરાબરી ન ધરાવતા લોકોની સામાજિક વ્યવસ્થા માટે પરિવર્તન ન કરે.”

કેટલાક અધિકારીઓ પાસે ફંડીગ માટે જવાનું થાય તો જાણે ભીખ આપતા હોય, કંઈક મહેરબાની કરતા હોય તેવા બહાના બતાવતા હોય છે. એવા લોકોને કહેવાનું કે તમને આ નોકરી, સુખસાહ્યબી મફતમાં નથી મળી. એના માટે કબીરથી માંડીને કાશીરામ સાહેબે પોતાનું જીવન કુરબાન કરી દીધુ છે. ત્યારે આ બધું તમને નસીબ થયું છે, નહીં તો ક્યાંય ગામના છેવાડે બીમારી કે ગંદકીમાં સડી ને મરી ગયા હોત.

એટલે કહું છું કે, 14મી એપ્રિલ અને 6ઠી ડિસેમ્બરે બહાર નીકળવું એજ આંદોલન નથી, એજ વિચારધારા નથી. એના માટે માન્યવર કાશીરામને વાંચવા પડે, કાશીરામને વાંચ્યા એટલે તમે બીજા મહાપુરુષો વિશે જાણતા થઈ જશો. કહેવાય છે બાબા સાહેબ થિયરી છે તો માન્યવર પ્રેક્ટિકલ છે. 

વૈચારિક પરિવર્તન વગર ક્યારેય શાસક બની નહીં શકાય કે ક્રાંતિ નહીં થાય. એના માટે સામજિક વિચારોનું પરિવર્તન કરવું પડશે. અને એ જમીની આંદોલન સિવાય શકય નથી. એના માટે ટાઈમ, ટિકિટ, ટિફિન સૌએ મિશનમાં આપવા પડશે, ત્યારે જ એ શક્ય બનશે. અપમાનો સહન કરવા પડશે, લોકો કહેશે ‘નવરા બેઠા છે એટલે આવી ગયા’ પણ એ બધાં ઝેરના ઘૂંટ પીને પણ સામજિક પરિવર્તનની ગતિ જાળવી રાખવી પડશે. ત્યારે જ બાબાસાહેબનો મિશનરૂપી રથ આપણે આગળ વધારી શકીશું. છેલ્લે એટલું જ કહીશ કે, ફાટેલી ગંજી, તૂટેલાં ચંપલ પહેરીને, ખાલી પેટ અને લાખો અપમાન સહન કરીને માન્યવર કાંશીરામ સાહેબે બહુજન મિશનને આગળ વધાર્યું હતું, બાબાસાહેબના મિશનના સાકાર કરી શક્યા હતા. રાજકીય સત્તા જ સામાજિક પરિવર્તનની માસ્ટર કી છે એ આપણે સૌએ યાદ રાખીને ચાલવું રહ્યું. ચૂંટણી આવી રહી છે, ત્યારે માન્યવરની આ વાત આપણે ગળે બાંધી લેવી જોઈએ.

- ભરત નાગવંશી

આ પણ વાંચો:માન્યવર કાંશીરામના એ 10 ક્રાંતિકારી વિચારો, જે આજેય એટલા જ સત્ય સાબિત થઈ રહ્યાં છે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.