ગુજરાતમાં પહેલીવાર અંડર ટ્રાયલ કેદીઓને મત આપવા માટે જામીન મળ્યાં

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ અંડર ટ્રાયલ કેદીઓને મત આપવા માટે વચગાળાના સ્પેશ્યિલ જામીન આપવાની ઘટના બની છે.

ગુજરાતમાં પહેલીવાર અંડર ટ્રાયલ કેદીઓને મત આપવા માટે જામીન મળ્યાં
image credit - piyush Jadugar

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ અંડર ટ્રાયલ કેદીઓને મત આપવા માટે વચગાળાના સ્પેશ્યિલ જામીન આપવાની ઘટના બની છે. બહુજન સમાજના સિનિયર એડવોક્ટે પિયુષ જાદુગર દ્વારા કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી પરની દલીલોને માન્ય રાખીને અમદાવાદની સિટી સિવિલ કોર્ટેના જજ દ્વારા અંડર ટ્રાયલ કેદીઓ હેમંતભાઈ પરમાર અને શૈલેષકુમાર જાદવને મત આપવાના તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરવા દેવા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. આ ઘટના અનેક રીતે ઐતિહાસિક છે, કેમ કે અત્યાર સુધીમાં કોઈ પણ કેદીને ખાસ મતદાન કરવા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હોય તેવી કોઈ ઘટના ગુજરાતના કોર્ટના ઈતિહાસમાં બની નથી.

વોટ આપવોએ દેશના તમાંમ નાગરિકોનું પ્રથમ કર્તવ્ય છે અને ગુજરાતમાં કેદીઓના અધિકાર અન્વયે, ઇતિહાસમાં પ્રથમ વાર સાબરમતી જેલમાં રહેલા એક કેદીને મત આપવાનો હુકમ તા. 06/05/2024ના રોજ અમદાવાદની કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. એક અંડર ટ્રાયલ કેદીને નાગરિક તરીકે વોટ આપવાના અધિકાર, હકના કારણસર આરોપી તરફે સિનિયર એડવોકેટ પિયુષ જાદુગર દ્વારા વચગાળાની જામીન અરજી કરતા હેમંતભાઈ અને શૈલેષભાઈના મત આપવાના અધિકારને  સિટી સિવિલ કોર્ટના વિ. જજીસ દ્વારા ફકત મત આપવા માટેના વચગાળાના સ્પેશિયલ જામીન CRMA-S ૩૨૧૭/૨૦૨૪ ની ઉપર હુકમ કરી લોકસભા ચૂંટણી-૨૦૨૪માં તા. ૭/૫/૨૦૨૪ના રોજ સાબરમતી જેલમાંથી કેદીને મતદાન કરવાના પોતાના હક અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જામીન મંજૂર કર્યા હતા અને બંને કેદીએ મતદાન કર્યું હતું.

આ પણ વાંચોઃ ફક્ત ડૉ. આંબેડકરના કારણે જજ બની શક્યો છું – જસ્ટિસ બી.આર. ગવઈ

હેમંતભાઈ પરમાર મત આપ્યા પછી

આ મામલે વાત કરતા એડવોકેટ પિયુષ જાદુગર કરે છે, "કોઈની ઉપર સાચો કે ખોટો કેસ થાય અને તેને જેલમાં મોકલવામાં આવે તો તેની સ્વતંત્રતા તો છીનવાય છે, કેસ ચાલતો નથી અને જેલવાસ લંબાયે જાય છે. પરંતુ તેના મત આપવાના અધિકારનું શું થતું હોય છે? ક્યારેક આપણે જોઈએ છીએ કે લતીફ જેલમાં બેસીને પોતાનું ઉમેદવારી પત્ર ભરી શકે, જીતી પણ શકે છે. પણ તેને વોટ આપનાર કેદી જેલમાં હોય તો વોટ આપવા જઈ શકે? પ્રશ્ન ચોક્કસ કાયદાનો, વકીલો અને જજોના અર્થઘટનનો હોય છે, પણ સામાન્ય કેદી કે જેને જામીન કરવાના, વકીલ રોકવાના, કે પોતાની સામેના આક્ષેપો સાચા છે કે ખોટા તે અંગે વિચારવામાં અને તેની વ્યવસ્થા કરવામાં જ તેના કેદી તરીકેના અધિકારો છે તે જાણવાનો સમય જ નથી રહેતો. એક સામાન્ય વ્યક્તિ, જે દેશનો નાગરિક, મતદાર ગણાય છે, જે લોકશાહીનો પ્રાણ ગણાય. જે વડાપ્રધાનને પણ ચૂંટી શકે, ધારાસભ્યને પણ ચૂંટી શકે, કોર્પોરેટરને પણ ચૂંટી શકે, સરપંચને પણ ચૂંટી શકે છે. લોકશાહીમાં સર્વેસર્વા મતદાર કહેવાય છે. લોકશાહીની ચૂંટણી પ્રક્રિયામાં જેના વોટ વધારે તે જીતે છે. તે મતદાતાની ઉપર જો કોઈ કેસ થાય અને તેને કાચાકામના કેદીને ટ્રાયલ જેની બાકી છે તેને જેલમાં પૂરવામાં આવે તો તેને મતદાન કરવાનો હક છે કે નહીં?"

આ પણ વાંચોઃ દલિત રેપ પીડિતાને મેજિસ્ટ્રેટે કહ્યું- કપડાં ઉતાર અને ઈજાના નિશાન બતાવ

હેમંતભાઈની મત આપ્યા પછીની તસવીર

અમદાવાદમાં સીટી સિવિલ કોર્ટમાં આ બાબતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી પ્રશ્ન ઉપસ્થિત કરતા એડવોકેટ પિયુષ જાદુગર દ્વારા કાયદાની જુદી જુદી જોગવાઈઓ ધ્યાને લઈ નામદાર કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમણે દલીલ કરી હતી કે, "મત આપવાનો અધિકાર પાંચ વર્ષે એક વાર આવે છે. જો તેમના અસીલ આ ચૂંટણીમાં મત ના આપી શકે તો મતદારને ફરી આ તક મળશે નહિ. આરોપીનો મત આપવાનો અધિકાર લોકશાહીમાં ખૂબ અગત્યનો છે અને જાગૃત નાગરિકો મતદાન અચૂક કરે જ છે. હાલના આરોપી ઉપર ગંભીર કેસો હોવા છતાં તે કાયદા મુજબ અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ જ્યાં સુધી ટ્રાયલ કોર્ટ આરોપીને સજા ન ફટકારે ત્યાં સુધી તે નિર્દોષ જ ગણાય અને આથી અંડર ટ્રાયલ કેદીને, મતદાર તરીકે, મળવાપાત્ર મત આપવાના તમામ હક અને અધિકારો છીનવાતા નથી. આથી જેલમાં રહેલ કેદી, જ્યુડીશિયલ કસ્ટડીમાં કહેવાય, પોલીસ કસ્ટડીમાં કે સજાપાત્ર ગુનેગાર ગણાય નહીં. બંધારણની જોગવાઈ, આમુખ અને આર્ટીકલ 14 અને 326 ને ધ્યાને લેતા તેમજ ધી રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ,1951 ની કલમ-62 (5) ને ધ્યાનમાં લેતા મતદાન કરવું એ લોકશાહીમાં ખૂબ જ અગત્યની ફરજ છે. અને જ્યારે ઉમેદવાર પોતે મતદાન કરવા ઈચ્છતો હોય તો તેને મતદાન કરતા અટકાવી શકાય નહીં. તેના મતદાનના અધિકારને છીનવી શકાય નહીં અને આથી અંડર ટ્રાયલ કેદીને પણ મતદાન માટે મત આપવા માટે વ્યવસ્થા કરવી જોઈએ અને જામીન મળવા જોઈએ." આ જોગવાઈઓના આધારે આ અરજી કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ લિવ-ઈન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિ માટે 'કલંક' છેઃ છત્તીસગઢ હાઈકોર્ટ

મત આપીને આવ્યા પછીની શૈલેષકુમાર જાદવની તસવીરો

એડવોકેટ  પિયુષ જાદુગરે પોતાની દલીલોમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ધારાસભામાં અને સંસદમાં જો કોઈ અવિશ્વાસનો મત લેવાનો હોય ત્યારે કે કટોકટીની પરિસ્થિતિમાં ધારાસભ્ય કે સંસદ સભ્ય ગુના સબબ જો જેલમાં હોય તો ત્યાંથી પણ વોટ કરવા માટે લાવવામાં આવતા હોય તો અન્ડર ટ્રાયલ કેદીના/સામાન્ય નાગરિકને પણ એટલા જ અધિકારો રહેલ છે, સજા નહિ પામેલ આરોપી ભેદભાવને પાત્ર નથી. એક આરોપી વિદ્યાર્થી હોય તેને પરીક્ષા આપવા માટે વચગાળાના જામીન મળે છે, કોઈની આરોપીની પત્ની બીમાર હોય કે પતિ બીમાર હોય કે ઘર ઉપર મુશ્કેલી આવે તો તેને કેસના ગુણદોષ પ્રમાણે વચગાળાના જામીન મળે છે. અનેક કારણસર વ્યક્તિગત વચગાળાના જામીન મળે છે. ઈવન સરકાર પણ એક વોટ મેળવવા માટે ગુજરાતમાં અડધો ડઝન સરકારી માણસોને રોકી ગુજરાતમાં સ્પેશિયલ જંગલમાં જઈને એક સાધુનો વોટ લેવા માટે મતદાન મથક પણ ઊભું કરે છે. ત્યારે એક વોટની કિંમત શું છે તે સમજી શકાય છે. એક વોટથી વાજપેયી સરકાર ગબડી પડી હતી. એ જ રીતે એક વોટથી ઉમેદવાર જીતીને સરકાર બનાવી પણ શકે છે. તેથી જ કોઈપણ મતદારનો, ભારતના નાગરિકનો એક વોટ ખૂબ જ અગત્યનો હોય છે અને વોટિંગ કરવું દરેક મતદારની અનિવાર્ય ફરજ છે."

આ પણ વાંચોઃ અદાલતોના કાર્યક્રમોમાં પૂજા-અર્ચના બંધ કરો, ફક્ત બંધારણ આગળ માથું નમાવોઃ જસ્ટિસ અભય ઓકા

શૈલેષકુમાર જાદવ અને એડવોકેટ પિષુષ જાદુગર

એડવોકેટ પિયુષ જાદુગરે બંધારણની જોગવાઈઓને ટાંકીને દલીલ કરી હતી કે, "બંધારણમાં પણ સ્પષ્ટપણે જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ પણ વ્યક્તિ ચૂંટણીમાં કંઈ ખોટું ન કર્યું હોય કે કરવાનો ન હોય એવી શક્યતા જણાતી હોય તો મતદાર યાદીમાં મત આપવાને લાયક તરીકે તેનું નામ નોંધાયેલું હોય તો તે મતદાતા વોટ ચોક્કસ આપી શકે છે. આ સંજોગોમાં તમામ બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ જોતા અંડર ટ્રાયલ આરોપીનો ગુનો મંજૂર અને સાબિત થયેલો ન ગણાય. કાચા કામના આરોપીને મતદાન કરવા હક છે. જો તેને ચૂંટણી બાબતે કોઈ ગુનો કર્યો ના હોય અને પોલીસ કસ્ટડીમાં ના હોય તો. લોકશાહી દેશ ભારતમાં દરેક નાગરિકને, જેને સજા નથી થઈ તે તમામ માટે મત આપવાનો અધિકાર છે. અને તે સારું સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ હાલના સંજોગોમાં સરકાર શ્રી જેલમાં જઈને મત સ્વીકાર કરી શકે તેમ નથી. ત્યારે જેલમાં રહેલ કેદીને જામીન ઉપર મત આપવા સારું છોડવા યોગ્ય ગણાશે."
આ તમામ દલીલોને ધ્યાનમાં રાખીને, એડવોકેટ પિયુષ જાદુગરની અરજી સ્વીકારી નામદાર અમદાવાદ સીટી સેશન્સ કોર્ટના જજ દ્વારા આરોપી હેમંતભાઈ પરમારના લોકસભા 2024ની ચૂંટણીમાં મત આપવાના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા અને તેમને ચાર કલાક માટે રૂ. 25 હજારના પર્સનલ બોન્ડ પર વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. એ પછી હેમંતભાઈએ મતદાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આરોપીઓ પૈકીના હેમંતભાઈ પરમાર એક્ટિવિસ્ટ છે અને તેમના પર પોક્સો જેવા ગંભીર આરોપો સાથે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે અને હાલ તેઓ અંડર ટ્રાયલ કેદી તરીકે સાબરમતી જેલમાં છે. તેમના પર 15 વર્ષની સગીરાની છેડતીનો આરોપ લાગ્યો છે અને તેનો કેસ એડવોકેટ પિયુષ જાદુગર લડી રહ્યાં છે.

આગળ વાંચોઃ છેલ્લાં 5 વર્ષમાં હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 79 ટકા જજો સવર્ણ જાતિના; SC 2.8 ટકા, ST 1.3 ટકા, લઘુમતિ ફક્ત 2 ટકા!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.