‘મશીન આપણાં બાપનું જ છે’ – ભાજપ નેતાના પુત્રે EVM કેપ્ચર કર્યું

દાહોદમાં ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે લોકસભા ચૂંટણીમાં ઈવીએમ કેપ્ચર કરીને સોશિયલ મીડિયામાં લાઈવ પ્રસારણ કર્યું હતું. હવે ફરિયાદ નોંધાઈ છે.

‘મશીન આપણાં બાપનું જ છે’ – ભાજપ નેતાના પુત્રે EVM કેપ્ચર કર્યું

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 25 સીટો પર મંગળવારે મતદાન થયું હતું. મતદાન દરમિયાન દાહોદ લોકસભામાં ભાજપ નેતાના પુત્ર દ્વારા બૂથ કેમ્પચિંગ કરવામાં આવ્યું હતું. હવે ચૂંટણી પંચે પણ બૂથ કેપ્ચરિંગ થયાનો સ્વીકાર કર્યો છે. સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એબી પટેલે આજે ગાંધીનગરમાં કહ્યું કે દાહોદ મતદાન કેન્દ્ર પર વાયરલ થયેલા વીડિયોમાં બૂથ કેમ્પરિંગ થયું છે. નોંધનીય છે કે દાહોદ લોકસભા વિસ્તારના મહીસાગર જિલ્લાના રથમપુરમાં બૂથ કેપ્ચરિંગ થયું હતું. 

શું છે મામલો?

ગુજરાત સહિત દેશના 11 રાજ્યોની 93 બેઠક ગઈકાલે મતદાન થયું હતું. ગુજરાતમાં પાંચ વિધાનસભા સાથે 25 લોકસભા માટે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. પરંતુ દાહોદ લોકસભા બેઠક પર ઈવીએમ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી. જેનો વીડિયો પર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ કારસ્તાન બીજા કોઈએ નહીં પરંતુ દાહોદ ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે કર્યું હતું. વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ છે. હાલ માહિતી મળી રહી છે કે, વિજય સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તેની ધરપકડ પણ કરી લેવાઈ છે.

આ પણ વાંચો: સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાની ભૂમિકા

દાહોદ લોકસભા બેઠકના સંતરાપુર તાલુકાના પરથમપુર ગામમાં ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે બૂથ કર્મચારીઓને ધમકાવીને ઈવીએમ કેપ્ચર કર્યું હતું. એટલું જ નહીં વિજય ભાભોરે મતદાન મથક પરથી જ તેના સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર આખી ઘટનાનો વીડિયો લાઈવ કર્યો હતો. વીડિયોમાં વિજય ભાભોર કહી રહ્યો છે કે  '5-10 મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ. વિજય ભાભોર એટલે વાત ખલાસ, મશીન-બશીન આપણા બાપનું જ છે.' આ ઘટનામાં હવે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે અને જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. રિપોર્ટ બાદ ચૂંટણી પંચ કાર્યવાહી કરશે. રિપોર્ટ આવ્યા બાદ એ બૂથ પર ફેર મતદાન કરાવવું કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે. સાથે જ બુથ અધિકારી સામે કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ સિવાય કર્મચારી, પ્રિસાઈડિંગ ઓફિસર સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી

ઈવીએમ કેપ્ચરિંગની આ ઘટનાને લઈને મહિસાગરના ડીવાયએસપી જે.જી. ચાવડાએ જણાવ્યું હતું કે, આ મામલે બે આરોપી વિજય ભાભોર અને મગન ડામોરની ધરપકડ કરાઈ છે અને અલગ અલગ કલમો હેઠળ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બૂથમાં મોબાઈલ સાથે લાઇવ સ્ટ્રીમિંગ કરાયું છે અને કલેક્ટરની ફરિયાદ તથા વીડિયોના આધારે તપાસ ચાલુ છે. ઉપરાંત બીજા સ્થળો પર પણ વિવાદની ફરિયાદ મળી છે.

બોગસ મતદાન કરાવ્યાની પણ ચર્ચા

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળીને બોગસ મતદાન કરાવ્યું છે. આ મામલે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડે ફરિયાદ કરી છે. ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી આ મામલે રિપોર્ટ મંગાવ્યો હતો. હવે રિપોર્ટના આધારે ચૂંટણી પંચ નિર્ણય કરશે. આ વીડિયોની તપાસ કરવામાં આવશે. જો કે વિવાદ સર્જાયા બાદ વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વીડિયોને હટાવી દીધો હતો.

આ પણ વાંચો: સુરતમાં ભાજપની બિનહરીફ જીતનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.