સંસદ ભવનમાં ડૉ. આંબેડકરની પ્રતિમા પુનઃસ્થાપિત કરવા પત્ર ઝુંબેશ શરૂ
ભારત સરકારે સંસદ ભવનમાં છેક 1967થી સ્થાપિત ડો. આંબેડકરની પ્રતિમાને હટાવી લીધી છે. હવે તે પ્રતિમાને પુનઃસ્થાપિક કરાવવા શિડ્યુલ કાસ્ટ ફેડરેશન ગુજરાત મેદાનમાં ઉતર્યું છે.
વડાપ્રધાન મોદી એકબાજુ ભારતના બંધારણ સામે નતમસ્તક થાય છે, કોંગ્રેસના રાહુલ ગાંધી હાથમાં બંધારણ રાખીને લોકશાહીની દુહાઈઓ આપે છે, બીજી તરફ આ જ લોકો બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના થતા અપમાનો અંગે મીંઢું મૌન સેવી લે છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પંજાબમાં દલિતોના મતો મેળવવા સરકારી કચેરીઓમાં બાબાસાહેબ આંબેડકરની તસવીર લગાવડાવે છે પણ બાબાસાહેબના અપમાન કે દલિત અત્યાચાર પર મોં પણ ખોલતી નથી.
કંઈક આવું જ હાલમાં સંસદ ભવન પરિસરમાં લાગેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને મામલે થયું છે. ભારત સરકારે લોકસભાની ચૂંટણીની મતગણતરીની આગલી રાત્રે સંસદભવનના પ્રાંગણમાં 1967થી સ્થાપિત ભારત રત્ન ડૉ. આંબેડકરની પ્રતિમા હટાવી લીધી છે. આ સમાચારો મીડિયામાં ચમક્યા પછી દલિતો, આદિવાસીઓ અને બાબાસાહેબને માનતા લોકો સિવાય એકેય રાજકીય પક્ષોએ ખોંખારીને કશો અવાજ ઉઠાવ્યો નથી. ભાજપ, કોંગ્રેસ કે આપ એકેયના નેતાએ આ મામલે કોઈ આંદોલન ચલાવ્યું નથી. ત્યારે હવે ખુદ બાબાસાહેબે સ્થાપેલ શિડ્યુલ કાસ્ટ ફેડરેશનની ગુજરાત પાંખે આ મામલે અવાજ ઉઠાવ્યો છે અને રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વડાપ્રધાન તથા સંબંધિત પ્રધાનોને પત્ર લખીને બંધારણના ઘડવૈયા બાબાસાહેબની પ્રતિમા ફરી એ જ જગ્યાએ સ્થાપિત કરવા માટેની ઝુંબેશ શરૂ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં છુટક મજૂરી કરતા લોકોએ ડૉ. આંબેડકરની 7 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરી
શિડ્યુલ કાસ્ટ ફેડરેશન ગુજરાતના કન્વીનર દીક્ષાદૂત બાલકૃષ્ણ આનંદ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવે છે કે, "બાબાસાહેબની આ પ્રતિમાના પુનઃ સ્થાપન માટે અમે રાજ્યપાલ અને વડાપ્રધાન તથા સંબંધિત પ્રધાનોને પત્ર લખ્યો છે. આ સાથે જ અમે ગુજરાતભરના ભીમયોદ્ધાઓને વિનંતી કરી છે કે તેઓ પણ અમે જે પ્રમાણે પત્ર લખ્યો છે તે મુજબ અથવા તેમને યોગ્ય લાગે તે રીતનો પત્ર પોતાના લેટરહેડ કે વ્યક્તિગત સ્તરે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મોકલે."
આ પણ વાંચો: ડૉ. આંબેડકરની ગુજરાતની 11 મુલાકાતો અને ગુજરાતીમાં આપેલું પ્રવચન
બાલકૃષ્ણ આનંદ વધુમાં જણાવે છે કે, "ગુજરાત રાજયમાંથી આ રીતે અમે 10,000 જેટલાં પત્રો વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પહોંચે તે માટે ઝુંબેશ શરૂ કરી છે. જો તમે ખબરઅંતર.કોમ પર આ સમાચાર વાંચી રહ્યાં છો તો આ સમાચારની લિંકને તમારા વિવિધ સામાજિક વોટ્સએપ ગ્રુપ કે મિત્રવર્તુળમાં ફોરવર્ડ કરો અને તેમને પણ આ ઝુંબેશમાં જોડાઈને વડાપ્રધાન, રાષ્ટ્રપતિને પત્ર લખવા માટે પ્રોત્સાહિત કરો. તમે હાથથી લખીને કવરમાં કે પોસ્ટકાર્ડ લખીને પણ પત્ર મોકલી શકશો. આ પોસ્ટ દરેક વ્યક્તિ ફોરવર્ડ કરે અને બેજ દિવસમાં આખાય ગુજરાતમાં ઘેર ઘેર પહોંચાડવા વિનંતી છે."
શિડ્યુલ કાસ્ટ ફેડરેશને આ મામલે ગુજરાતની અનામત સીટ પર ચૂંટાઈને આવેલા બે સંસદ સભ્યો, ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા અનુ. જાતિના 13 ધારાસભ્યો, રાજ્યની તમામ મ્યુ.કોર્પોરેશનો, નગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા અનુ. જાતિના તમામ સભ્યશ્રીઓને પણ આ બાબતે પત્ર લખવા વિનંતી કરી છે. સાથે જ ગુજરાતની તમામ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, તમામ ગુજરાતી દલિત સાહિત્યકારો, પત્રકારો અને વિવિધ રાજકીય પક્ષોના દલિત કાર્યકરો તથા રાજ્યની તમામ બૌદ્ધ સંસ્થાઓના હોદ્દેદારો અને ગુજરાત રાજ્યના તમામ જાગૃત કર્મશીલોને પણ આ ઝુંબેશમાં જોડાઈને ટેકો કરવા વિનંતી કરી છે.
આ મામલે વધુ કોઈપણ પ્રકારની જાણકારી માટે શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન ગુજરાતના સંયોજક દીક્ષાદૂત બાલકૃષ્ણ આનંદનો તેમના મોબાઈલ નંબર 9824507569 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: 80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?