સતાધારની આપા ગીગા જગ્યાના મહંતે પ્રેમલગ્ન કરી લીધાં? ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા
આરોપ મૂકનાર મહંતના સગા મોટાભાઈ છે. તેમણે વિજય બાપુના પરસ્ત્રી સાથેના સંબંધો અને કરોડોના ખોટા વહીવટના આક્ષેપો કર્યા છે.
Satadhar Aapagiga Mahant controversy: જૂનાગઢના અંબાજી, ભવનાથ મંદિરની ગાદી અને ભ્રષ્ટાચારનો વિવાદ શમ્યો નથી ત્યાં હવે વધુ એક કરોડપતિ મંદિરના મહંત પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે. આ વખતે મામલો આપા ગીગાની જગ્યા સતાધારનો છે અને તેના મહંત પર તેમના જ સગાભાઈએ વ્યભિચાર અને કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. તેમણે મહંતે એક મહિલા સાથે ખાનગીમાં લગ્ન કરી લીધા હોવાનો અને તેની સાથે ઘણાં વર્ષોથી સંબંધ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ મામલે મહંતના ભાઈએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવા અને વહીવટદાર નિમવા વિનંતી કરી છે. સાથે જ તેમણે આ મામલે યોગ્ય તપાસ થાય તેવી પણ વિનંતી કરી છે. સતાધારની જગ્યા લાખો લોકોની આસ્થાનું પ્રતિક છે ત્યારે આ જગ્યાના મહંત પર તેમના સગાભાઈએ ગંભીર આક્ષેપ કરતા માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં ચર્ચા જાગી છે.
મામલો શું છે?
જૂનાગઢની સતાધારની જગ્યાના મહંત વિજય બાપુના સગાભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે જગ્યાના મહંત દ્વારા ગેરકાયદેસર કરોડોના વ્યવહારો થાય છે અને સતાધારમાં જ રહેતી મહિલા ગીતા વ્યાસ અને જગ્યાના મહંત વિજય બાપુ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંનેએ લગ્ન કરી લીધા છે.
આ આક્ષેપો કોઈ અન્ય વ્યક્તિને નહીં પરંતુ સતાધારના મહંત વિજયબાપુના ભાઈ નીતિનભાઈ ચાવડાએ કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું છે કે, સતાધારના મહંત વિજય બાપુ કરોડોના ખોટા વ્યવહારો કરે છે અને તેઓ વ્યભિચારી છે. તેમની કથિત પ્રેમિકાના કારણે તેઓ જગ્યામાં સેવા કરતા લોકોને માર મારે છે. આ બાબતે કોઈ નાના માણસો પોલીસ ફરિયાદ પણ કરી શક્યા નથી. જેના કારણે દિવસેને દિવસે તેમની દાદાગીરી વધતી ગઈ છે. જેને લઈ મેં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રજૂઆત કરી આ બાબતે વાકેફ કર્યા છે. ત્યારે સતાધાર ને સરકાર દ્વારા વહીવદારની નિમણૂક થાય તેવી માંગ કરી છે.
મહંત વિજય બાપના સગાભાઈ નીતિન ચાવડાએ વધુમાં જણાવ્યું છે કે, વિજય બાપુએ જેની સાથે લગ્ન કરી લીધા છે તે ગીતાબેન વ્યાસ ગોંડલ પાસેના શ્રીનાથગઢના વતની છે. અમારી જાણ મુજબ તેમણે બે-ત્રણ લગ્ન કર્યા છે અને સતાધારમાં છેલ્લા 20 વર્ષથી રહે છે અને સતાધારના મહંત વિજયબાપુ સાથે તેમને પ્રેમ સંબંધ થઈ ગયો છે, જેમણે લગ્ન અને મૈત્રી કરાર પણ કરી લીધા છે. વિજય ભગતને બ્લેકમેલિંગ કરી સતાધારના કરોડો રૂપિયા ગીતાબેન વ્યાસે ઉઠાવી લીધા છે.
કરોડો રૂપિયાના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
નીતિન ચાવડાએ તા. 3 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે, જૂનાગઢના વિસાવદર તાલુકાના સતાધાર મુકામે આવેલા આપા ગીગાના મંદિરમાં હાલના મહંત અને એકમાત્ર ટ્રસ્ટી વિજય ભગત ગુરૂ જીવરાજ ભગત મંદિરનો વહીવટ સંભાળે છે. છેલ્લા 20 વર્ષથી તેઓ સતાધાર મંદિરના મહંત તરીકે વહીવટ કરી રહ્યા છે, મંદિરની પોતાની 1200થી 1300 વીઘા જમીન છે. તેમજ મંદિર પાસે ગેરકાયદેસર 60 દુકાનો પણ છે, જેનું વાર્ષિક ભાડું બે લાખથી અઢી લાખ છે. મંદિરની મોટી ગૌશાળા સતાધારના ગ્રાઉન્ડમાં આવેલી છે. આ ગૌશાળામાં જે ગાયો છે તેના દૂધની વાર્ષિક આવક એક કરોડથી વધુ છે, તેમજ ખેતીવાડીની વાર્ષિક આવક 50 કરોડ તથા ધર્માદાની વાર્ષિક આવક 100 કરોડ ઉપરની થાય છે. આ તમામ રકમ મહંત વિજય બાપુ દ્વારા ગેરમાર્ગે વાપરવામાં આવે છે. આવું આગળ ન થાય તે માટે સતાધારમાં વહેલી તકે વહીવટદારની નિમણૂક કરવામાં આવે.
વિજય બાપુ આઈપીએસ-ડીવાયએસપી હોવાનો રોફ મારે છે
નીતિન ચાવડાએ અગાઉ એક પત્રમાં ગુહમંત્રીને લખ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી સતાધાર આપાગીગા મંદિરના મહંત તરીકે વિજય ભગત છે. 20 વર્ષ પહેલા વિજય ભગત પોલીસ ખાતાની જુદાજુદા કેડરની પરીક્ષાઓ આપતા હતા, પરંતુ કોઈ પણ કેડરમાં તેઓ પાસ નહોતા થયા. એ પછી વર્ષ 2004 થી તેઓ સતાધાર મંદિરના મહંત તરીકે સતાધારમાં સ્થાયી થયેલ છે. અહીં તહેવારોમાં હજારો ભાવિક ભક્તો આવે છે ત્યારે ભીડને નિયંત્રણ કરવા માટે મહંત દ્વારા અનેકવાર લોકોને મારકૂટ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ વિજય ભગતનો પ્રતિકાર કરે તો વિસાવદર પોલીસ સ્ટેશનમાં પી.આઇ કે પી.એસ.આઇને એવું કહેવામાં આવે છે કે વિજય ભગત પોતે IPS કે DySP હતો. આવો ખોટો રોફ ઝાડીને લોકોને ડરાવાય છે. વિજય બાપુએ અનેક વાર કાયદો હાથમાં લઇ લોકોને બેફામ માર પણ માર્યો છે. ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી નીતિન ચાવડાએ માંગ કરી છે.
સગાભાઈએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું
સતાધાર જગ્યાના મહંત વિજય બાપુના ભાઈ નીતિન ચાવડાએ તારીખ 09/05/2023ના કોર્ટમાં સોગંદનામુ કરી જણાવ્યું હતું કે, તેનું મૂળ વતન અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું બોરડી ગામ છે. તેઓ છ ભાઈઓ છે. જેમાં સૌથી નાના વાલજીભાઈ એટલે કે હાલના સતાધારના મહંત વિજય બાપુ છે. તેમના બાપદાદાની ખેતીની જમીન અને ઘર સહિતનું બધું બોરડી ગામે આવેલું છે તેઓ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જ્ઞાતિના છે, સૌથી નાના વાલજી મોહન ચાવડા જે હાલ સતાધારના મહંત હોવાથી વિજય બાપુ તરીકે ઓળખાય છે તેમને નીતિનભાઈ ચાવડાએ અમરેલી ખાતે કોલેજમાં ગુજરાતી વિષય સાથે બી.એ.નો અભ્યાસ કરાવ્યો હતો. નિતીન ચાવડાએ સોગંદનામાં લખ્યું હતું કે વિજય બાપુની પ્રવૃત્તિઓ કોલેજકાળથી ખરાબ હતી. તે અશોભનીય પ્રવૃત્તિ કરતા અને દારૂ પી પરસ્પર ગમન જેવી પ્રવૃત્તિઓ કરતા હતા.
વિજય બાપુ પરસ્ત્રી સાથે સંબંધથી બિમાર પડ્યા હતા
નીતિન ચાવડાએ સોગંદનામામાં ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે મારો નાનો ભાઈ વાલજી મોહન ચાવડા એટલે કે સતાધારનો મહંત વિજય કંઈપણ પ્રકારનો કામ ધંધો ન કરતો હોવાના કારણે મારા ઘરના સભ્યો વારંવાર તેને ઠપકો આપતા અને એકવાર તે ઘરેથી ચાલ્યા ગયા અને મુંબઈ જતા રહ્યા હતા. જ્યાં એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવાથી બીમાર પડેલો અને જેની મેં તપાસ કરાવતા તેને ગંભીર બીમારી થયાનું જાણવા મળેલ હતું. ત્યારે મેં તેને સ્ત્રીથી છોડાવેલ અને મેં સારવાર કરાવેલ ત્યાર બાદ અમારા જ્ઞાતિના આગેવાનના સહકારથી ગીતા વ્યાસ નામની સ્ત્રી સાથે લગ્ન કરેલા અને તેને રહેવા માટે જૂની સતાધાર અને મોટી સતાધારની વચ્ચે બંગલા ની વ્યવસ્થા પણ મેં કરી આપેલ હતી.
નીતિન ચાવડાના સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે કે, ગીતા વ્યાસે વિજય બાપુની કોઈ સીડી બનાવી લીધી છે અને તે પેનડ્રાઈવમાં પોતાની પાસે રાખીને બ્લેકમેઈલ કરે છે. જેના કારણે વિજય ભગતે ગીતા વ્યાસની શરણાગતિ સ્વીકારી લીધી છે અને બધી વ્યવસ્થા કરી આપી છે. મહંત વિજય બાપુ અને ગીતા વ્યાસે આપાગીગાની જગ્યામાંથી વર્ષોથી સેવા-પૂજા કરતા લોકોને જગ્યામાંથી કાઢી મુકેલ છે.
આ પણ વાંચોઃ કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીએ બુકી સાથે લગ્ન કરી લીધાં?