જાતિવાદીઓએ દલિત વરરાજાની બગી તોડી નાખી, જાનૈયાને દોડાવીને માર્યા

આરોપીઓએ અગાઉ જ ધમકી આપી હતી, છતાં દલિત વરરાજા બગીમાં બેસીને નીકળતા હુમલો કર્યો. બગી તોડી નાખી, ઘોડીને ઈજાગ્રસ્ત કરી, તેના માલિક અને જાનૈયાને દોડાવીને ફટકાર્યા.

જાતિવાદીઓએ દલિત વરરાજાની બગી તોડી નાખી, જાનૈયાને દોડાવીને માર્યા
image credit - Google images

Thakurs attack Dalit groom's procession : દેશભરમાં એકબાજુ લગ્નની સિઝન જામી છે, બીજી બાજુ જાતિવાદી તત્વોની 'અમે જ સર્વોપરી' પ્રકારની જાતિવાદી માનસિકતા પણ ઉછળી ઉછળીને બહાર આવવા માંડી છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા પછી પણ ભારત દેશમાં લુખ્ખા તત્વો દલિતો વરઘોડો કાઢવા દેતા નથી અને તેમની જાન પર હુમલો કરે છે અને ન્યાય તંત્ર તેને સામાન્ય ઘટના ગણીને આરોપીઓને જામીન પર છોડી દે છે. જેના કારણે આરોપીઓની હિંમત વધી જાય છે અને તેઓ ફરી આવું કૃત્ય કરવા પ્રેરાય છે. આવું ન થાય તેના માટે આવા લુખ્ખા તત્વોને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે.

ઘટના મધ્યપ્રદેશ (Madhya Pradesh)ની છે. અહીંના દમોહ (Damoh) જિલ્લાના ચૌરાઈ ગામમાં મંગળવારે એક દલિત પરિવારના લગ્નમાં વરરાજા (Dalit Grooms) ને બગીમાં બેસાડીને જાન જોડવામાં આવી હતી. જેનાથી ગામના જાતિવાદી તત્વોને માઠું લાગી ગયું હતું.

ઘોડી પર તો અમારી જાતિના લોકો જ નીકળી શકે એવી લુખ્ખી દાદાગીરીમાં માનતા ઠાકુર સમાજના લોકોએ તરત તો કશું નહોતું કર્યું. પરંતુ જેવી જાન પરત ફરી કે તરત તેમણે હુમલો કરી દીધો અને બગીના ચાલકો રાહુલ રજક, જગદીશ અને ક્રિષ્ના રજકને ઢોર માર માર્યો હતો. આ સાથે જ જાનૈયાઓનો પીછો કરીને તેમને દોડાવી દોડાવીને માર્યા હતા. એટલું જ નહીં જાતિવાદી તત્વોએ જાનમાં આવેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી.

પહેલા જ બગીમાં બેસવા મુદ્દે ધમકી આપી હતી

ઠાકુર સમાજના આ લુખ્ખા તત્વોની દાદાગીરી એ હદે જોવા મળી કે તેમણે બગીવાળાને પહેલા જ ધમકી આપી હતી કે દલિત વરરાજો બગીમાં ન બેસવો જોઈએ. પરંતુ બગીવાળો માન્યો નહોતો. કેટલાક સ્થાનિક નેતાઓએ બગીવાળાને સલામતીની ખાતરી આપીને વરઘોડામાં બગી લઈને આવવા મનાવી લીધો હતો. જો કે, જાતિવાદી ઠાકુરો તેમની ધાક યથાવત રહે તે માટે બગીવાળાને પણ માર માર્યો હતો. ઈજાગ્રસ્ત બગીચાલકો જેમ તેમ કરીને આ હુમલામાંથી નાસી છૂટ્યા હતા અને જબલપુર નાકા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવાની સાથે ઘટનાની તપાસ શરૂ કરી છે. ચોકીના ઈન્ચાર્જ આનંદ અહિરવાલે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જાતિવાદનું વર્ચસ્વ

જાતિવાદી ભારત દેશમાં કથિત સવર્ણોમાંથી આજેય પોતાની જાતિનો અહમ દૂર થતો નથી. જેના કારણે તેઓ હજુ પણ પોતાને રાજા સમજીને દલિતો પર અત્યાચાર કરતા રહે છે. કમનસીબી એ છે કે, આ મામલે એટ્રોસિટી જેવો કડક કાયદો હાજર હોવા છતાં આવા તત્વો ખૂલ્લેઆમ ફરી રહ્યાં છે. દમોહના ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ જાતિ ભેદભાવ અને અસ્પૃશ્યતા પ્રવર્તે છે. દલિતોને ઘોડા કે બગીમાં વરઘોડો કાઢતા અટકાવવાની ઘટનાઓ અહીં વારંવાર બને છે. ત્યારે આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં પ્રવર્તતા ભેદભાવને ઉજાગર કર્યો છે.

પીડિત બગીચાલકે કહ્યું- અમારે ન્યાય જોઈએ છે

ઘટનામાં ઘાયલ થયેલા બગીના ચાલક રાહુલ રજકે જણાવ્યું હતું કે, જાતિવાદી ઠાકુર સમાજના ગુંડાઓની ધમકીઓ છતાં અમે દલિત વરરાજાને બગીમાં બેસાડીને જાન લઈને નીકળ્યા હતા. પરંતુ પાછા ફરતી વખતે આરોપીઓએ અમને નિર્દયતાથી માર્યા હતા. આવા તત્વોને કડક સજા થવી જોઈએ. રાહુલના ભાઈ જયકિશન રજકે જણાવ્યું કે અમે સ્થાનિક નેતાઓએ આપેલી સુરક્ષાની ખાતરીના ભરોસે બગી લઈને જાનમાં આવ્યા હતા. પરંતુ જાતિવાદી ગુંડાઓએ હુમલો કર્યો. અમને ન્યાય જોઈએ છે.

બગી તોડી નાખી, ડીજેના કાચ ફોડી નાખ્યા

જાતિવાદી ઠાકુરોએ દલિત વરરાજાની જાન પર હુમલો કરતા બગી તોડી નાખી હતી. તેમણે ઘોડાને પણ લાકડીઓ વડે માર મારીને ઘાયલ કરી નાખ્યો હતો અને ડીજે વાહનના પણ કાચ તોડી નાખ્યા હતા. પીડિત દલિતોએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગામના રત્નેશ ઠાકુરના ઢાબા પર કામ કરતા લોકોએ આ હુમલો કર્યો હતો.

જાતિવાદીનું ઝેર આજેય ઓસરતું નથી

આજે પણ દમોહના ગ્રામ્ય વિસ્તારોમાં જ્ઞાતિવાદ અને અસ્પૃશ્યતા પ્રવર્તે છે. દલિત વરરાજાને ઘોડી પર બેસવાની અને બગીમાં જાન જોડીને લગ્ન કરવા જવા પર પ્રતિબંધ છે. જ્યારે ઘોડા-બગીઓવાળા આ જાતિવાદી તત્વોની વાત નથી માનતા ત્યારે તેઓ આ જ રીતે જાન પર હુમલો કરી દે છે. જબલપુર નાકા ચોકીના પ્રભારી આનંદ અહિરવારે જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જેમ જેમ હકીકતો બહાર આવશે, તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચૌરાઈ ગામમાં બનેલી આ ઘટનાથી દલિત સમાજ અને બગી ચલાવીને ધંધો કરતા લોકોને ભારે દુઃખ થયું છે.

આ પણ વાંચો: જાતિવાદીઓનો ખૌફઃ દલિત વરરાજાએ ઘોડી બેસવા પોલીસ બોલાવવી પડી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.