મહીસાગરના કલેક્ટર સામે હવે ગુજરાતના વકીલોએ મોરચો માંડ્યો
એડવોકેટ એસોસિએશના પ્રમુખે કહ્યું, આ અધિકારીને સસ્પેન્ડ કરીને તેમની સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરાવી જોઈએ.
મહીસાગરના જાતિવાદી માનસિકતાના કલેક્ટર નેહા કુમારી દુબે દ્વારા એટ્રોસિટીના કેસોમાં કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીને લઈને સમસ્ત દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે ત્યારે આ મામલે હવે વકીલોએ પણ કલેક્ટર સામે મોરચો માંડ્યો છે. મળતી માહિતી પ્રમાણે નેહા કુમારી દુબેએ વકીલો અંગે પણ અયોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યો હોવાથી ગુજરાતભરના વકીલોમાં ભારે રોષ ફેલાયો છે અને આ મામલે ગુજરાત એડવોકેટ કેર સોસાયટીએ કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ મોરચો માંડ્યો છે.
એડવોકેટ કેર સોસાયટીએ કલેક્ટર નેહાકુમારીનો વિરોધ નોંધાવતા એ દિવસને ગુજરાતી વહીવટી વિભાગના કાળા દિવસ સમાન ગણાવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ અને તેમની સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવી જોઈએ. આ ઘટના સંદર્ભે બહાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે.
ગુજરાતના બાર કાઉન્સિલના પ્રમુખ જે.જે પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, જે પ્રમાણે પોલીસ અને વહીવટી અધિકારીઓ વકીલો વિશે અયોગ્ય શબ્દો વાપરે છે, તેમજ તેમની સાથે અયોગ્ય વર્તન કરે છે. તે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટના અંગે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરશે. દેશમાં એડવોકેટ પ્રોટેકશન એક્ટર જરૂર છે. દેશમાં રાજકીય નેતાઓ જે રીતે કોમી વૈમનસ્ય ફેલાય તેવા ભાષણો આપી રહ્યા છે. તેમની વિરુદ્ધ બોલવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં હેટ સ્પીચ અંગે સ્પષ્ટ અને કડક પગલાની જોગવાઈ છે. પણ શા માટે હાઇકોર્ટ આ પગલાં લેતા પાછી પાની કરે છે તે ખબર પડતી નથી. સારા સમાજ માટે ધર્મનિરપેક્ષતા હોવી જરૂરી છે. સામાન્ય રીતે ભૂતકાળમાં અધિકારીઓ સામે પગલાં લેવાયા હોવાના દાખલા મળે છે, પરંતુ મંત્રીઓ સામે પગલાં લેવાયા હોય તેવું દેખાતું નથી.
આ પણ વાંચો: જાતિવાદી કલેક્ટર નેહા કુમારી દુબે વિરુદ્ધ કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડ્યું