રેલવે તંત્ર અમને ગાંઠતું નથી, ભાજપના સાંસદે બળાપો ઠાલવ્યો
રાજકોટમાં રેલવેના જાહેર કાર્યક્રમમાં સાંસદે બળાપો ઠાલવતા કહ્યું, બે વર્ષ અગાઉ જાહેર કરાયેલી 6 ટ્રેન હજુ સુધી શરૂ કરાઇ નથી.

રેલવે તંત્ર ભાજપના નેતાઓને ગાંઠતું નથી, બે વર્ષ અગાઉ જાહેર કરાયેલી છ નવી ટ્રેનોને હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. આ માટે અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં રેલવે તંત્ર દ્વારા તેની નોંધ લેવામાં આવતી ન હોવાનો બળાપો ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રાજકોટ ખાતે રેલવેના જાહેર કાર્યક્રમમાં વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બિહાર ખાતેથી રાજકોટ રેલવે સ્ટેશન સહિતના ભારતનાં 18 સ્થળોએ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા. જેના અંતર્ગત રાજકોટ રેલવે સ્ટેશન ખાતે રૂ. ૧૦.૨૩ લાખના ખર્ચે નિર્માણ થયેલ જન ઔષધિ કેન્દ્રનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું હતું. જેના કારણે મુસાફરો અને મુલાકાતીઓને 50 થી 90 ટકા સુધી ઓછી કિંમતમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ થશે.
રાજકોટ ખાતે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રેલવે તંત્ર દ્વારા બે વર્ષ અગાઉ જાહેરાત કરાયેલી છ નવી ટ્રેનો શરૂ કરવામાં આવતી ન હોવા અંગે પોતાનો બળાપો જાહેરમાં ઠાલવ્યો હતો.
સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, રાજકોટને જરૂરિયાત મુજબની ટ્રેનો દોડાવવામાં આવે તે જરૂરી છે. પરંતુ રેલવે તંત્રને તેની કોઈ ગંભીરતા નથી. બે વર્ષ અગાઉ તત્કાલિન કેન્દ્રિય રેલ મંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં રાજકોટથી નવી છ ટ્રેનો દોડાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ ટ્રેનોને હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. આ મામલે મે અનેક વખત રાજકોટ ડીઆરએમ સહિત કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિતના તમામને રજૂઆતો કરી છે. પરંતુ રેલવે તંત્ર દ્વારા હજુ સુધી આ છ ટ્રેનોને શરૂ કરવા માટે ગંભીરતાપૂર્વક નોંધ લેતું નથી તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: રેલવેએ 100 વંદે ભારત ટ્રેનોનો રૂ. 30 હજાર કરોડનો ઓર્ડર રદ કર્યા