વટની બેઠક ગણાતી વાવની પેટાચૂંટણીમાં ૭૦ ટકા જેટલું મતદાન થયું

ઠાકોર, રાજપૂત અને ચૌધરી વચ્ચેના જંગમાં મતદારોએ જંગી મતદાન કર્યું. મતદાન દરમિયાન ૧ બેલેટ યુનિટ, ૧ કંટ્રોલ યુનિટ અને ૩ વીવીપીએટી બદલ્યા.

વટની બેઠક ગણાતી વાવની પેટાચૂંટણીમાં ૭૦ ટકા જેટલું મતદાન થયું

રાજ્યની બહુચર્ચિત એવી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આજે યોજાઇ હતી. જેમાં ઠાકોર, રાજપૂત અને ચૌધરી વચ્ચેના જંગમાં મતદારોએ જંગી મતદાન કર્યું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૭.૧૩ ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, સાંજે છ વાગ્યા સુધીમાં ૭૦ ટકાની આસપાસ મતદાન થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. મતદાન દરમિયાન ૧ બેલેટ યુનિટ, ૧ કંટ્રોલ યુનિટ અને ૩ વીવીપીએટી બદલવામાં આવ્યા હતા.

લોકસભાની ચૂંટણીમાં ભાજપના ક્લીન સ્વીપની હેટ્રીકના સ્વપ્નને બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વાવના તત્કાલિન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચકનાચૂર કર્યું હતું. બનાસકાંઠા લોકસભા બેઠક જીત્યા બાદ ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને ભાજપના બંડખોર નેતા માવજી પટેલ (ચૌધરી)એ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેના કારણે આ પેટા ચૂંટણી ભારે રસાકસીભરી બની રહેશે તેવું જણાય રહ્યું છે. ત્યારે આજે ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસનાં ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલનું ભાવિ આજે ઇવીએમ મશીનમાં કેદ થઈ ગયું છે. આ ત્રણ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ બની રહે તેવી સંભાવના છે. પરંતુ વટની બેઠકના કોણ ધારાસભ્ય બનશે તે આગામી તા. 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાયા બાદ જ જાણવા મળી શકશે.

વટની બેઠક ગણાતી એવી વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી માટે આજે તા.૧૩ નવેમ્બરના રોજ મતદાન હાથ ધરાયું હતું. આ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભરાયેલા કુલ ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણી જંગમાં કુલ ૩.૧૦ લાખથી વધુ મતદારોમાંથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૬૭.૧૩ ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા બેઠકના તમામ ૩૨૧ જેટલા મતદાન મથકો ખાતેથી વૅબ કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. મતદાન દરમિયાન સાંજના પાંચ વાગ્યા સુધીમાં ૧ બેલેટ યુનિટ (બીયુ), ૧ કંટ્રોલ યુનિટ (સીયુ) અને ૩ વીવીપીએટી બદલવામાં આવ્યા હતા. જે પણ મતદાન મથકે બીયુ, સીયુ અથવા વીવીપીએટી બદલવાની જરૂર પડી તે કિસ્સામાં સૅક્ટર ઑફિસર પાસેના રિઝર્વ મશીનમાંથી બીયુ, સીયુ અથવા વીવીપીએટી બદલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી જાહેર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.