વટવામાં કોર્પોરેશન અને એએમસીના પાપે બાળકીનો જીવ ગયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની બેદરકારીએ માસુમનો જીવ લીધો. કોન્ટ્રાક્ટરે પાડેલા ખાડામાં વરસાદી પાણી ભરાયું, બાળકી રમતા રમતા અંદર પડી ગઈ.

વટવામાં કોર્પોરેશન અને એએમસીના પાપે બાળકીનો જીવ ગયો
image credit - Google images

અમદાવાદના વટવામાં એએમસી અને કોન્ટ્રાક્ટરના પાપે એક માસુમ બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરના વટવા વિસ્તારમાં એએમસી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા EWS આવાસ યોજનાના મકાનો ફાળવણી વિના તોડવામાં આવી રહ્યાં છે. આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ત્રણ વર્ષની બાળકી પડી જતા મૃત્યુ થયું છે.

સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલા ખાડાને પુરવામાં ન આવ્યો હોવાના કારણે વરસાદી પાણી તેમાં ભરાઈ ગયું હતું. જેમાં રમતાં રમતાં બાળકી પડી ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. બાળકીના મૃતદેહને ખોળામાં લઈને તેની માતા રોકકળ કરી રહી હતી. વટવા પોલીસે બાળકીના પરિવારજનો સાથે પણ ખરાબ વર્તન કરી ગાળો બોલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2014માં વટવા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે આવાસ યોજનાના મકાનો બનાવ્યા હતા. જે આવાસ યોજનાના મકાનોમાં ફેઝ-5 અંતર્ગત બનાવવામાં આવેલા મકાનોના 1600થી વધારે મકાનો ફાળવવામાં આવ્યા નહોતા. જેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. આ મકાનો તોડવાની કામગીરી દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ જગ્યા પર 10 ફૂટથી મોટો ખાડો ખોદયો હતો. આ જગ્યા પર પાછળ અનેક નાના મોટા છાપરા બનાવીને ગરીબ લોકો રહે છે. ગરીબ ઘરની ત્રણ વર્ષની બાળકી પ્રીતિ કટારા(મૂળ. રહે. દાહોદ) સોમવારે સાંજે તેના ઘરની આસપાસ રમતી હતી, ત્યારે ધીરે ધીરે રમતાં રમતાં પાછળ આવેલા ખાડા પાસે ગઈ હતી અને તેમાં પડી ગઈ હતી. 

મોડી સાંજ સુધી બાળકી ઘરે પરત ના આવતા આસપાસમાં તપાસ કરવામાં આવી હતી. બાળકી મળી ન આવતાં છેવટે લોકોએ ખાડા પાસે તપાસ કરી હતી. ખાડામાં જ્યારે ગયા તો બાળકી અંદર મળી આવી હતી, જેથી તેને બહાર કાઢી જોતા તેનું મૃત્યુ થયું હતું. બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ મામલે વટવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 

પોલીસે જો કે મોતનો મલાજો પણ જાળવ્યો નહોતો અને મૃતક બાળકીના પરિવારજનોને ગાળઓ ભાંડી તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. મૃતક બાળકીના પરિવારજનએ જણાવ્યું હતું કે, અહીં ઘણા બધા છાપરા આવેલા છે, જેમા લોકો રહે છે. બાળકી કોન્ટ્રાક્ટરો દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં પડી ગઈ હતી. અમે શોધવા માટે સાંજે નીકળ્યા ત્યારે મળી ન આવતા ખાડામાં તપાસ કરતા ત્યાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઘટના બનતા પોલીસ અને કોન્ટ્રાક્ટરના માણસો ત્યાં આવી ગયા હતા. બાળકીના પિતા અને અન્ય પરિવારજનોએ જ્યારે આ ખાડો કેમ ખોદવામાં આવ્યો હતો અને તેને પૂરવામાં કેમ ન આવ્યો તેમ પૂછતા પોલીસે તેમને ગાળો ભાંડી અભદ્ર વર્તન કર્યું હતું.

કોન્ટ્રાક્ટર અને પોલીસના માણસો ત્યાં હાજર હતા અને એક તરફ બાળકીના મૃત્યુ પર પરિવારજનોમાં શોક હતો, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આવાસ યોજનાના મકાનો તોડવાની કામગીરીમાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરો અને પોલીસ ગરીબો સાથે ખરાબ વર્તન કરી ગાળો બોલી હતી.

બાળકીના પરિવારનું કહેવું છે કે, પોલીસને ફરિયાદ કરી હતી, પણ તેમાં તેમણે કોઈપણ વ્યક્તિનું નામ લખ્યું નહોતું. ઝાકીર શેખ નામનો કોન્ટ્રાક્ટર ત્યાં હતો, છતાં તેનું કોઈ નામ લખવામાં આવ્યું નથી. ખાડો કેમ ખોદવામાં આવ્યો હતો તેને લઈને પણ સવાલો પૂછ્યા પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો.

આ પણ વાંચો: ડોક્ટરો સૂતા રહ્યાં, આદિવાસી દીકરી સારવારના અભાવે મોતને ભેટી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.