હરિયાણામાં કોંગ્રેસ 10 વર્ષ પછી પણ ભાજપનો કિલ્લો કેમ ન ભેદી શકી?
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલ અને રાજકીય વિશ્લેષકોની ધારણાથી વિરુદ્ધના પરિણામ પાછળના કારણો ક્યા છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે કુલ 90 વિધાનસભા સીટોમાંથી ભાજપ 48 પર, કોંગ્રેસ 37 પર અને અન્ય પક્ષો 5 સીટો પર આગળ ચાલી રહ્યાં છે. અંતિમ પરિણામ હજુ જાહેર થવાનું બાકી છે, પરંતુ તાજેતરના આંકડા દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત ત્રીજી વખત બની રહી છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના સીધા જંગમાં વિપક્ષી પાર્ટી પાછળ પડી ગઈ છે. રાજકીય વિશ્લેષકો, એક્ઝિટ પોલ સહિત સૌ કોંગ્રેસની તરફેણમાં પરિણામ બતાવતા હોવા છતાં પરિસ્થિતિ કેવી રીતે પલટાઈ ગઈ તે સમજીએ.
આંતરિક ઝઘડાને કારણે કોંગ્રેસને ફટકો પડ્યો
કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક કલહ અને ટોચના નેતાઓ વચ્ચે ખેંચતાણ તેનું કારણ હોઈ શકે છે. ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી પદ માટે ભૂપેન્દ્ર હુડ્ડા અને સાંસદ કુમારી શૈલજા વચ્ચે શાબ્દિક યુદ્ધના સમાચારો સામે આવવા લાગ્યા હતા. પ્રચારથી લઈને ટિકિટ વિતરણ સુધીના મતભેદોની અટકળો ચાલી રહી હતી. તમામ પ્રયાસો છતાં કોંગ્રેસ એકજુટ ચહેરો રજૂ કરી શકી નહીં તેની અસર પરિણામમાં જોવા મળી.
પ્રાદેશિક પક્ષો અને અપક્ષો
વોટ શેરની બાબતમાં કોંગ્રેસ ભાજપ કરતા થોડી આગળ છે, પરંતુ આ આંકડાઓ સીટોમાં પરિવર્તિત થતા દેખાતા નથી. ઘણી સીટો પર કોંગ્રેસની લીડનું માર્જીન વધારે નથી. આ સૂચવે છે કે અપક્ષ અને પ્રાદેશિક પક્ષોની હાજરીથી કોંગ્રેસના વોટ શેરને નુકસાન થયું છે. ખાસ વાત એ છે કે પ્રાદેશિક પક્ષો સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જો કે ચૂંટણી પંચના અંતિમ આંકડા હજુ આવવાના બાકી છે.
બિન જાટ મતો
મીડિયા અહેવાલો અનુસાર, હુડ્ડાના નેતૃત્વમાં કોંગ્રેસે ખાસ કરીને જાટ મતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેના કારણે બિન-જાટ મતો ભાજપની તરફેણમાં એક થયા હતા.
ભાજપનો સાયલન્ટ મોડ
એવા અહેવાલો છે કે જમીની સ્તરે શાંતિથી કામ કરવાથી પરિણામ ભાજપની તરફેણમાં ગયું છે. જ્યારે મોટાભાગના એક્ઝિટ પોલ રાજ્યમાંથી ભાજપ સરકારની વિદાયના સંકેત આપી રહ્યા હતા. પાર્ટીએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પ્રચારની જવાબદારી સોંપી હતી.
ભાજપના શહેરી મતદાર
છેલ્લા એક દાયકામાં ભાજપ હરિયાણાના શહેરી વિસ્તારોમાંથી સમર્થન મેળવવામાં સફળ રહ્યું છે. જેમાં ગુડગાંવ અને ફરીદાબાદ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. હાલમાં ભાજપ ગુડગાંવ, ફરીદાબાદ અને વલ્લભગઢમાં આગળ છે.
આ પણ વાંચો: 'ભાજપને મત આપજો', પેરોલ પર છૂટેલા રામ રહીમની સમર્થકોને અપીલ?