'ભાજપને મત આપજો', પેરોલ પર છૂટેલા રામ રહીમની સમર્થકોને અપીલ?

હરિયાણામાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે પેરોલ પર છુટેલા દુષ્કર્મી રામ રહીમે ભાજપને મત આપવાની અપીલ કરી છે.

'ભાજપને મત આપજો', પેરોલ પર છૂટેલા રામ રહીમની સમર્થકોને અપીલ?
image credit - Google images

ram rahim appealed to supporters to vote for bjp : પેરોલ પર વારંવાર છૂટીને દુષ્કર્મી રામ રહીમ ભાજપને મદદ કરતો હોવાના આક્ષેપો વિપક્ષો દ્વારા સતત લગાવવામાં આવે છે, ત્યારે રામ રહીમે તેને સાચા ઠેરવતું નિવેદન આપીને મામલો ખૂલ્લો પાડી દીધો છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Election 2024) માટે આજે મતદાન ચાલી રહ્યું છે ત્યારે જ પેરોલ પર બહાર આવેલા ડેરા સચ્ચા સૌદા (Dera Sacha Sauda) ના પ્રમખ ગુરમીત રામ રહીમે (Gurmeet Ram Rahim) તેના હેડક્વાટરે પોતાના ભક્તોને ભાજપ (BJP) ને મત આપવાની અપીલ કરી છે. 

ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમે 20 દિવસના પેરોલ પર રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવ્યાના એક દિવસ બાદ આ જાહેરાત કરી છે. એક અહેવાલ પ્રમાણે ગુરુવારે મોડી રાત્રે સિરસામાં ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયમાં આયોજિત સત્સંગ દરમિયાન અનુયાયીઓને આ સંદેશ આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે અનુયાયીઓને નિર્દેશ વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા સત્સંગ મંચ પરથી ખુલ્લેઆમ આવતા રહ્યા છે. જો કે, આ વખતે આ નિર્દેશ કંઈક અંશે મૌન સ્વરૂપે આપવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રામણે આ વખતે સત્સંગ મંચ પરથી કોઈ જાહેરાત નહોતી કરવામાં આવી. ડેરાના અધિકારીઓ ખુલ્લા પ્રાંગણમાં ગયા અને સભામાં સામેલ લોકોને ભાજપને મત આપવા માટે કહ્યું હતું. 

એક અધિકારીએ જણાવ્યું કે, અમે અનુયાયીઓને બૂથની નજીક સક્રિય રહેવા માટે પણ કહ્યું છે. દરેક અનુયાયીઓએ પોતાની કોલોનીમાં રહેતાં વધુ 5 મતદારોને મતદાન કરવા સાથે લઈ જવા જોઈએ. ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને દુષ્કર્મ મામલે 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવ્યા બાદ સિરસા મુખ્યાલયમાં સત્સંગનો માહોલ બદલાઈ ગયો છે. સક્રિય રાજકીય બાબતોની સમિતિનો ભંગ કરવામાં આવ્યો છે. હવે તેમના અધિકારીઓ અને અનુયાયીઓ સત્સંગનું આયોજન કરાવે છે. સૂત્રો પ્રમાણે, પેરોલ મળ્યા બાદ ગુરમીત રામ રહીમ પોતાના બાગપત આશ્રમમાં રોકાયો છે. તેમણે સિરસામાં પોતાના અધિકારી દ્વારા ભાજપને સમર્થન આપવાનો સંદેશ પહોંચાડ્યો હતો. 

જો કે, ડેરા સચ્ચા સૌદા દ્વારા ભાજપનું સમર્થન એ કોઈ નવી વાત નથી. હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં દલિતોમાં ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓ મોટા પ્રમાણમાં છે. તેઓ ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપી રહ્યા છે. દુષ્કર્મ કેસના દોષિત ગુરમીત રામ રહીમ બુધવારે 20 દિવસની પેરોલ મળ્યા બાદ હરિયાણાની રોહતક જેલમાંથી બહાર આવ્યો હતો. તે પોતાની અસ્થાયી મુક્તિ દરમિયાન ઉત્તર પ્રદેશના બાગપતના બરનાવા ખાતેના ડેરા આશ્રમમાં રહેશે. આ સમયગાળા દરમિયાન તેને ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા, ભાષણ આપવા અને રાજ્યમાં રહેવા પર પ્રતિબંધ છે. જો કે આધારભૂત રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હરિયાણામાં હાલ ભાજપ જીતે તેવી શક્યતા દેખાતી ન હોવાથી, છેલ્લી ઘડીએ રામ રહીને પેરોલ પર બહાર લાવી દલિત મતોને અંકે કરવા આખો ખેલ પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ 10મી વાર જેલમાંથી બહાર આવ્યો દુષ્કર્મી રામ રહીમ, 21 દિવસની ફર્લો મળી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.