"વાસનાના પૂજારીના દિવસો આવ્યા" નવરાત્રી મુદ્દે સ્વામીનારાયણ સાધુ
અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેને લઈને મોટો વિવાદ શરુ થઈ ગયો છે. વાંચો સ્વામીએ નવરાત્રીને લઈને બીજુ શું કહ્યું..

anupam swaroop swamis controversial statement regarding navratri : સ્વામિનારાયણના સાધુઓ તેમના નિવેદનોને લઈને સતત વિવાદમાં રહેતા આવ્યા છે. અગાઉ સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણના દાસ બતાવતા મોટો હોબાળો થયો હતો. એ પછી આ સંપ્રદાયના અનેક સાધુઓના વિવાદિત નિવેદનો સામે આવ્યા હતા. ત્યારે હવે નવરાત્રિને લઈને એક સ્વામિનો વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ અંગે એક વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, "ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રિને લોકો લવરાત્રિ કહે છે. નવ દિવસનો ફેશન શૉ બની ગયો છે. આ માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા."
નવરાત્રિને કારણે છુટાછેડા વધ્યાં - સ્વામીજી
નવરાત્રિ અંગે અનુપમ સ્વરૂપ સ્વામીના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, "મેં સાંભળ્યું છે કે સમાજનું સૌથી મોટું દૂષણ છૂટાછેડા છે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં કોઈકે એવું પણ લખ્યું કે, સમય ઓછો અપાતો હશે, બેડ બિહેવિયર, ઓછી વાતચીત, વધતી જતી જરૂરિયાત છે. એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે. લખનારે કંઈક વિચારીને જ લખ્યું હશે. જે નવરાત્રિ ગુજરાતીઓની ઓળખ છે તે લવરાત્રિ તરીકે ઓળખાય તે કેવી લાચારી.'
અનુપમ સ્વરૂપ સ્વામી જણાવ્યું કે, 'નવરાત્રિમાં માતાજીના નવ રૂપોની પૂજા થાય, ઉપાસના થાય તે નવરાત્રિમાં મહિલાઓને રાવણની નજરે જોવાય તે કેવું. નવરાત્રિમાં જે સ્ત્રીને દેવી સ્વરૂપે જોવામાં આવતી, નારી તું નારાયણી તરીકે જોવામાં આવતી તે સ્ત્રીને મનોરંજનના સાધાન કે ટિકિટના વધુ ભાવ લેવાના સાધન તરીકે જોવામાં આવે, ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે સસલું રમતું મૂકવામાં આવે તેમ ગરબે રમાડવામાં આવે તે કેવી લાચારી.'
આ મામલે વિવાદ વધે તેવી શક્યતા છે, કેમ કે સ્વામિના આ નિવેદનને લઈને હિંદુ ધર્મના અન્ય સંપ્રદાયના સાધુઓએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે.
સાધુ દેવનાથબાપુએ અનુપમ સ્વરૂપ સ્વામીને એક ન્યૂઝ ચેનલ પર કહ્યું કે, "સ્વામિનારાયણના સંતો પહેલા બફાટ કરી દે છે અને પછી દબાણ વધે એટલે સોરીના વીડિયો મૂકી દે છે. નવરાત્રિ, માતાજી, પરંપરા શું છે અને સનાતન ધર્મ શું છે તે હાર્વર્ડ યુનિ.માં ભણાવવામાં નથી આવતી. તમે સનાતન ધર્મ વિશે કશું જાણતા નથી એટલે તમારે તેના પર બોલવાનું આવતું નથી. તેઓ નારી શક્તિ અને સનાતન ધર્મનું અપમાન કરી રહ્યાં છો."
આ પણ વાંચોઃ સ્વામીજી મારા સિવાય બીજી છોકરીઓને પણ ગંદી નજરથી જોતા હતા...