મંત્રોચ્ચાર અને સાતફેરા વિના તમારા લગ્ન માન્ય નહીં- સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે હાલમાં જ એક નિર્ણયમાં જણાવ્યું છે કે હિંદુ મેરેજ એક્ટ હેઠળ માન્ય લગ્ન માટે માત્ર પ્રમાણપત્ર પુરતું નથી પરંતુ ધાર્મિક વિધિઓનું પાલન થવું જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ કહ્યું છે કે, હિંદુ મેરેજ એક્ટ હેઠળ માન્ય લગ્ન માટે માત્ર પ્રમાણપત્ર પુરતું નથી, પરંતુ લગ્ન સમારંભ અને ધાર્મિક વિધિઓનું પણ પાલન કરવું આવશ્યક છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેંચે કહ્યું કે જો કોઈ હિંદુના લગ્નમાં આ પ્રકારની વિધિનો અભાવ હોય તો તે યુગલને પરિણીતનો દરજ્જો આપી શકાય નહીં. એટલે કે હિંદુ લગ્ન ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તેમાં મંત્રોચ્ચાર વચ્ચે અગ્નિની સાક્ષીએ સાત ફેરા કરવાની વિધિ સમાજની હાજરીમાં કરવામાં આવી હોય.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, કોર્ટે કહ્યું કે, હિંદુ મેરેજ એક્ટ હેઠળ માન્ય લગ્ન માટે લગ્ન સમારોહનું આયોજન કરવું જોઈએ અને કોઈપણ વિવાદની સ્થિતિમાં તે સમારંભના પુરાવા દર્શાવવા જોઈએ. અધિનિયમની કલમ 7 મુજબ કોઈપણ હિંદુ લગ્ન ત્યાં સુધી માન્ય નહીં રહે જ્યાં સુધી પક્ષકારોએ આવા સમારોહમાં હાજરી ન આપી હોય. પછી તે કોઈપણ સંસ્થા દ્વારા પ્રમાણપત્ર આવે તો પણ તે હિંદુ મેરેજ એક્ટ મુજબ પરિણીતની હોવાની પુષ્ટિ કરી શકશે નહીં.
બંધારણની કલમ 142 (કોઈપણ સંજોગોમાં સંપૂર્ણ ન્યાય કરવાની સર્વોચ્ચ અદાલતની સંપૂર્ણ સત્તા) હેઠળ ટ્રાન્સફર પિટિશન સ્વિકારતી વખતે કોર્ટે આ અવલોકનો કર્યા હતા. કોર્ટે હિંદુ લગ્ન અધિનિયમ મુજબ વિવાહને માન્ય નહીં માનીને વિવાદિત પક્ષોની વિરુદ્દ છુટાછેટા, ભરણપોષણ અને ગુનાકીય કાર્યવાહીને રદ કરી દીધી. મામલામાં યુગલે હિંદુ રીતિરિવાજો મુજબ લગ્ન નહોતા કર્યા પરંતુ હિંદુ મેરેજ એક્ટની કલમ 8 અંતર્ગત પોતાના લગ્નનું રજિસ્ટ્રેશન જ કરાવ્યું હતું. યુગલે વૈદિક જનકલ્યાણ સમિતિ નામના એક સંગઠન દ્વારા તેમના લગ્નનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. એ પ્રમાણપત્રના આધારે જ યુગલે ઉત્તરપ્રદેશ લગ્ન નોંધણી નિયમો 2017 હેઠણ લગ્નનું પ્રમાણપત્ર પણ મેળવ્યું હતું.
કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું કે માન્ય હિંદુ લગ્ન ન હોવાની સ્થિતિમાં કોઈપણ લગ્ન નોંધણી અધિકારી હિંદુ લગ્ન અધિનિયમની કલમ 8ની જોગવાઈઓ અંતર્ગત આવા લગ્નોનું રજિસ્ટ્રેશન નથી કરી શકતા. ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે, અધિનિયમની કલમ 8 અંતર્ગત લગ્નનું રજિસ્ટ્રેશન ફક્ત એ બાબતની પુષ્ટિ કરવા માટે છે કે પક્ષકારોએ અધિનિયમની કલમ 7 મુજબ માન્ય લગ્ન સમારંભમાં ભાગ લીધો છે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે હિંદુ મેરેજ એક્ટ હેઠળ જરૂરી માન્ય વિધિઓ વિના ભારતીય લગ્નોની નોંધણીના વલણ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. કોર્ટે તેના વિગતવાર નિર્ણયમાં લગ્નના મહત્વને પણ દર્શાવ્યું છે. કોર્ટે કહ્યું કે, ભારતીય સમાજમાં એક સંસ્થા તરીકે લગ્નનું ઘણું મહત્વ છે. તેથી યુગલોને માત્ર પેપર રજિસ્ટ્રેશન માટે જવા પ્રોત્સાહિત ન કરવા જોઈએ.
આ પણ વાંચો: 2 થી વધુ બાળકો ધરાવતા માતા-પિતાને નહીં મળે સરકારી નોકરી, સુપ્રીમ કોર્ટે પણ આપી મંજૂરી