2 થી વધુ બાળકો ધરાવતા માતા-પિતાને નહીં મળે સરકારી નોકરી, સુપ્રીમ કોર્ટે પણ આપી મંજૂરી

સામાન્ય માણસ માટે ચૂંટણી લડવાથી લઈને બીજી પણ અનેક બાબતોમાં જાતભાતના નિયંત્રણો લદાતા જઈ રહ્યાં છે. અગાઉ બેથી વધુ બાળકો ધરાવતી વ્યક્તિ પંચાયતની ચૂંટણી નહીં લડી શકે તેવો નિયમ આવ્યો હતો. હવે તેમાં વધુ એક બાબત ઉમેરાઈ છે અને તે સરકારી નોકરીને લઈને છે. સુપ્રીમ કોર્ટે પણ તેમાં મંજૂરીની મહોર મારી દીધી છે એટલે અન્ય રાજ્યોમાં પણ તેની અસર થયા વિના રહેવાની નથી. વાંચો આ અહેવાલ.

2 થી વધુ બાળકો ધરાવતા માતા-પિતાને નહીં મળે સરકારી નોકરી, સુપ્રીમ કોર્ટે પણ આપી મંજૂરી
image credit - Google images

રાજસ્થાનમાં હવે પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો તેમજ સરકારી નોકરીઓ માટે 'બે બાળકો'ની નીતિ ફરજિયાત કરવામાં આવી છે. તેની મંજૂરી પણ સુપ્રીમ કોર્ટમાંથી મળી ગઈ છે. જેઓ સરકારી નોકરી શોધી રહ્યાં છે તેવા બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવારો માટે આ મોટો ઝટકો છે. ઉલ્લેખનીય છે કે, લગભગ 21 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે પંચાયત ચૂંટણી માટે આ નીતિને ફરજિયાત બનાવી હતી.

જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે ભૂતપૂર્વ સૈનિક રામ લાલ જાટ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. તેઓ 2017માં સેવામાંથી નિવૃત્ત થયા હતા અને 25 મે 2018ના રોજ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલના પદ માટે અરજી કરી હતી. રાજસ્થાન પોલીસ સબઓર્ડિનેટ સર્વિસીસ રૂલ્સ, 1989ના નિયમ 24(4) હેઠળ તેમની ઉમેદવારી નકારી કાઢવામાં આવી હતી.

આ પણ વાંચોઃ શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?

રાજસ્થાન વિવિધ સેવા (સુધારા) નિયમ 2001 હેઠળ જોગવાઈ છે કે જો ઉમેદવારને 1 જૂન, 2002 ના રોજ અથવા તે પછી બે કરતાં વધુ બાળકો હોય, તો તે સરકારી નોકરી માટે પાત્ર રહેશે નહીં. અરજીકર્તા રામ લાલ જાટને બે થી વધુ બાળકો છે. તેણે અગાઉ સરકારના નિર્ણયને રાજસ્થાન હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ઓક્ટોબર 2022માં પોતાનો ચુકાદો આપતી વખતે હાઇકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.


જસ્ટિસ કાંતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, “કંઈક આ જ પ્રકારની જોગવાઈઓ પંચાયત ચૂંટણી લડવા માટે પાત્રતાની શરત તરીકે રજૂ કરવામાં આવી હતી. જાવેદ અને અન્યો વિરુદ્ધ હરિયાણા રાજ્યના કેસમાં 2003માં સુપ્રીમ કોર્ટે તેને સમર્થન આપ્યું હતું. આ અંતર્ગત ઉમેદવારોને બે કરતાં વધુ જીવિત બાળકો હોય તો ગેરલાયક ઠેરવવામાં આવે છે. આ જોગવાઈનો હેતુ કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપવાનો હતો.”

બેન્ચે રામલાલ જાટની અપીલને ફગાવી દેતા કહ્યું કે હાઈકોર્ટના નિર્ણયમાં કોઈ દખલગીરીની જરૂર નથી.

આ પણ વાંચોઃ કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.