નારીમુક્તિ-નારીશક્તિના જ્યોતિર્ધર ડૉ. બાબાસાહેબ આંબેડકર

સ્ત્રીઓને માત્ર લાગણી કે વિચારના સ્તરે નહીં પણ બંધારણીય  અને કાનૂની રીતે પણ સમાન અધિકાર મળે તે માટે બાબાસાહેબે કરેલું અજોડ કામ એટલે હિંદુ કોડ બિલની રચના.

નારીમુક્તિ-નારીશક્તિના જ્યોતિર્ધર ડૉ. બાબાસાહેબ આંબેડકર
image credit - Google images

આજે દેશભરમાં 14મી એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. વંચિત,શોષિત, પીડિત સમાજ ખૂલીને તેમના મહાનાયકની જન્મતિથિ ઉજવી રહ્યો છે. જેમાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત મહિલાઓની વધતી જતી ભાગીદારી છે. છેવાડા ગામમાંથી 14મી એપ્રિલે નીકળતી રેલીમાં પણ તમને છોકરીઓ પ્રતિનિધિત્વ કરતી દેખાશે. આ બાબાસાહેબની કમાલ છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર (1891-1956) સ્ત્રી સમાનતા અને મહિલા અધિકારના પણ જ્યોતિર્ધર હતા.સ્ત્રીઓને માત્ર લાગણી કે વિચારના સ્તરે નહીં પણ બંધારણીય  અને કાનૂની રીતે પણ સમાન અધિકાર મળે તે માટે બાબાસાહેબે કરેલું અજોડ કામ એટલે હિંદુ કોડ બિલની રચના. આઝાદ ભારતના પહેલા કાયદા મંત્રી તરીકે તેમણે સંસદમાં 12 ઑગસ્ટ 1948 ના દિવસે રજૂ કરેલા આ બિલમાં હિંદુ સ્ત્રીઓને પહેલવહેલીવાર આપવામાં આવેલા અધિકારોમાંના મુખ્ય આ મુજબ છે: પુત્રીને પિતાની મિલકતમાં સમાન હિસ્સો, છૂટાછેડાનો અને  ભરણપોષણ મેળવવાનો તેમ જ દત્તક લેવાનો અને વારસ નિમવાનો અધિકાર, પોતાની મિલકતનો અને આંતરજાતિય લગ્નનો અધિકાર. સ્ત્રીઓને આવા અધિકારો આપવાનું  કામ આ દેશના કોઈપણ રાજદ્વારી વ્યક્તિએ કે દુનિયાના કોઈપણ સ્થાપિત ધર્મએ કર્યું નથી. આ બિલનો દેશભરના રૂઢિચુસ્ત હિંદુઓએ અને રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્રપ્રસાદે વિરોધ કર્યો હતો. આરંભે આ બિલની બાબતમાં ઉત્સાહી એવા નેહરુ પણ સમયાંતરે  ઢીલા પડી ગયા હતા. ચાર વર્ષની તબક્કાવાર વિલંબિત ચર્ચા પછીય બિલ પસાર ન થઈ શક્યું એટલે બાબાસાહેબે 1951ની અગિયારમી  ઑક્ટોબરે મંત્રીમંડળમાંથી મજબૂત ભાષણ સાથે રાજીનામું આપ્યું. મહિલાઓ વિશે છાશવારે બેહૂદા બકવાસ કરનારા આપણા અત્યારના રાજકારણીઓ અને નારીગૌરવની અભિવ્યક્તિસમું વિધેયક પસાર ન થતા હોદ્દાનો ત્યાગ કરનારા દલિત કેબિનેટ મંત્રી આંબેડકર એવી સરખામણી અસ્થાને ન ગણાય. જોકે પછીનાં વર્ષોમાં આ બિલ ચાર ટુકડે હિંદુ લગ્ન ધારો, હિંદુ વારસા ધારો, હિંદુ સગીર અને વાલીપણા ધારો અને હિંદુ દત્તક ધારો એવા ચાર જુદા જુદા કાયદારૂપે પસાર થયું.    

નારીસ્વાતંત્ર્યની વિભાવના બાબાસાહેબની મૂલ્યવ્યસ્થાનો એક મુખ્ય હિસ્સો છેક વિદ્યાકીય વિચારઘડતરના તબક્કાથી જ હતી. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી સખત મહેનત કરીને ચોવીસ વર્ષની ઉંમરે અર્થશાસ્ત્રમાં એમ.એ. ની પદવી મેળવ્યા પછીના જ વર્ષે તેમણે ત્યાં માનવવંશશાસ્ત્રના એક પરિસંવાદમાં ‘ભારતીય જાતિસંસ્થા – તેની યંત્રણા, ઉત્પત્તિ અને વિકાસ’ વિષય પર અભ્યાસપત્ર રજૂ કર્યું. તેમાં તેમણે સતી, વિધવા પુનર્વિવાહની મનાઈ,અને સ્ત્રીઓના બાળલગ્ન જેવાં અનિષ્ટોની ચર્ચા કરી.ભારતમાં દલિતો અને સ્ત્રીઓની દુર્દશા માટે કારણરૂપ  ‘મનુસ્મૃતિ’ના ભીમરાવે જીવનભર કરેલા નિષેધના પ્રારંભિક રણકા જૉન ડ્યુઈ અને વૉશિંગ્ટનના દેશમાં બાબાસાહેબના વસવાટ દરમિયાન  સંભળાવા લાગે છે. ‘ધ રાઇઝ ઍ ન્ડ ફૉલ ઑફ ધ હિન્દુ વુમન’, ‘ધ રિડલ ઑફ ધ વુમન’ અને ‘ધ વુમન ઍન્ડ ધ કાઉન્ટર રેવોલ્યૂશન’ જેવાં પુસ્તકો તેમ જ ‘મૂક નાયક’ અને ‘બહિષ્કૃત ભારત’ સામયિકોમાં તેમણે હિંદુ ધર્મએ  મનુવાદના ભરડામાં સપડાઈને સ્ત્રીઓ અને શૂદ્રોની કેવી અવદશા કરી તેની છણાવટ કરી છે. ‘મનુસ્મૃતિ’ના જાહેર દહનનો કાર્યક્રમ મહારાષ્ટ્રના મહાડમાં પાણી માટેની આભડછેટ સામેના વિરોધ તરીકે 25 ડિસેમ્બર 1927 ના દિવસે કર્યો. તેમાં પચાસથી વધુ દલિત મહિલાઓએ ભાગ લીધો હતો. એ જ રીતે નાશિકના કાળારામ મંદિરમાં દલિતોને પ્રવેશ મળે તે માટેના  સત્યાગ્રહમાં પણ સંખ્યાબંધ બહેનો જોડાઈ હતી. સ્ત્રીઓને તેમની અવદશા અને ક્ષમતા બતાવી આપનારા બાબાસાહેબના પ્રભાવશાળી ભાષણોથી પ્રેરાઈને વિદ્યાર્થિનીઓથી  વૃદ્ધાઓ સુધીની દલિત મહિલાઓ અનેક કૌટુંબિક અને સામાજિક મુશ્કેલીઓ વેઠીને પણ તેમના બધી ઝુંબેશોમાં મોટી સંખ્યામાં સામેલ થવા લાગી. આંબેડકરી ચળવળમાં મહિલાઓના પ્રદાન પર ઉર્મિલા પવાર અને સમાજશાસ્ત્રના  અભ્યાસી મીનાક્ષી મૂને ‘ત્યાંની ઇતિહાસ ઘડવિલા’  નામનો મરાઠી સંશોધનગ્રંથ લખ્યો છે. પવાર ઉપરાંત બેબી કાંબળે, શાંતાબાઈ કાંબળે અને મુક્તા સર્વગૌડ જેવી દલિત લેખિકાઓનાં આત્મકથનોમાં પણ આંબેડકરનો  પ્રભાવ સતત દેખાય છે.   

ડૉ.આંબેડકરે તેમના એક ગુરુ મહાત્મા જોતીરાવ ફુલેને અનુસરીને દલિત સ્ત્રીના શિક્ષણને સતત મહત્વ આપ્યું છે. સાતારા મિલિટરી કૅમ્પમાં રહેતા પ્રબુદ્ધ પિતા રામજી સુભેદારના પાડોશી જમાદાર શિવરામ જાધવને અમેરિકાથી  ખાસ પત્ર લખીને એટલા માટે અભિનંદન આપ્યા કે એ પોતાની દીકરીને બહારગામ રાખીનેય  ભણાવી રહ્યા હતા ! તેમણે એક કરતાં વધુ ભાષણોમાં એ મતલબનું કહ્યું હતું કે ‘ગામડાંગામમાં પણ લોકજાગૃતિ જરૂરી છે.ભણતરથી દીકરીઓ બગડે છે એ વિચાર સહુએ મનમાંથી કાઢી નાખવો જોઈએ... બ્રાહ્મણોની દીકરીઓ ભણે છે તેટલી જ આપણી દીકરીઓ પણ ભણવી જોઈએ.’ વળી 1932માં વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે સંતાનોનાં નાની ઉંમરમાં લગ્ન ન કરવા, વિવાહ સંબંધ બાંધવામાં કન્યાના ખુદની વરપસંદગીને મહત્વ આપવા અને સ્ત્રીનું સ્વતંત્ર વ્યક્તિ તરીકે અસ્તિત્વ સ્વીકારવા પર ભાર મૂક્યો હતો. આ જ વર્ષે સાવંતવાડીના ભાષણમાં તેમણે કન્યાસાક્ષરતા ઉપરાંત સ્વચ્છ અને સુઘડ રહેણીકરણીની  તેમ જ પતિના દુર્વર્તનનો વિરોધ કરવાની હિમ્મત કેળવવાની હિમાયત કરી હતી. જુલાઈ 1942માં વાઇસરૉયની કારોબારીમાં  બાબાસાહેબની કામદાર પ્રધાન તરીકે વરણી થઈ હતી. તેમણે કામદાર કલ્યાણના જે અનેક કાયદા કરાવ્યા તેમાં સ્ત્રી-પુરુષને સમાન કામ માટે સમાન વેતન,સ્ત્રી કામદારોને પૂરા પગારે પ્રસૂતીની  રજા, ઘોડિયાઘરની વ્યવસ્થા, સ્ત્રીઓ માટે આકસ્મિક અને હકની રજાઓ અને પેન્શનનો સમાવેશ થાય છે. 

આંબેડકરે દલિત મહિલા ફેડરેશનને સંબોધતાં,  નાગપુરમાં  જુલાઈ 1942માં કરેલું ભાષણ ખૂબ મહત્વનું ગણાય છે. ધનંજય કીરે લખેલા આંબેડકરના સહુથી જાણીતા ચરિત્રમાં તેનો સાર મળે છે. તેમાં આંબેડકરના સ્ત્રી શક્તિ-સ્ત્રી મુક્તિના મોટાભાગના વિચારો આવી જાય છે. તેનું કેન્દ્રવર્તી વાક્ય આ મતલબનું  છે : ‘સમાજની પ્રગતિ મૂલવવાનો  મારો માપદંડ સ્ત્રીઓની પ્રગતિ છે.’   

- સંજય શ્રીપાદ ભાવે (લેખક અમદાવાદની વિખ્યાત એચ.કે. આર્ટ્સ કોલેજના પ્રોફેસર છે.)

આ પણ વાંચો:આ ચૌદમી એપ્રિલે 26મી પ્રતિજ્ઞા એવી લેજો...

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Kalpan Narendrabhai Daftari
    Kalpan Narendrabhai Daftari
    Jai Ho Dr bhivram Ambedkar sir
    7 months ago