મહીસાગરના જાતિવાદી કલેક્ટર નેહા કુમારી સામે આર યા પારની લડાઈ શરૂ
22 નવેમ્બરે ગુજરાતના 250 તાલુકા પોલીસ સ્ટેશનોમાં ગુનો દાખલ કરવા ફરિયાદ કરાશે. 6 ડિસેમ્બરે મહીસાગરમાં એસસી-એસટીના 12 સાંસદો ધરપકડ માટે વિરોધ પ્રદર્શન કરશે.
દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમુદાયે એક થઈને 22 નવેમ્બર 2024 ના રોજ એક કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. ગુજરાતમાં 250 તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા ફરિયાદ કરવામાં આવશે અને 6 ડિસેમ્બર 2024ના રોજ ડો. આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે 33 જિલ્લામાં આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. 6 ડિસેમ્બરના રોજ મહીસાગર ખાતે રેલીમાં દલિત આદિવાસી સમાજના 12 સાંસદો અને ધારાસભ્યો હજાર રહી કલેક્ટર નેહા કુમારીની ધરપકડ માટે અવાજ ઉઠાવશે.
શામાટે ગુજરાત વ્યાપી આંદોલન કરવાની જરૂર પડી? 23 ઓક્ટોબર 2024ના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં તાલુકામાં ‘સ્વાગત કાર્યક્રમ’ હતો, તેમાં દલિત અરજદાર વિજય પરમારને કલેક્ટર નેહા કુમારી ધમકાવી રહ્યા છે તે અંગેનો એક વીડિયો વાઈરલ થયો હતો. તે બાબતે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ 29 ઓક્ટોબર 2024ના રોજ પત્રકાર પરિષદ યોજી હતું કે, “અરજદારોને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં શાંતિથી સાંભળવા જોઈએ. તેમની સાથે વિવેકથી વર્તવું જોઈએ. તેના બદલે કલેક્ટર IAS નેહા કુમારીએ અશોભનીય વર્તન કરેલ છે. ‘વકીલો અને પત્રકારો બની બેઠા છે’ તેવી કોમેન્ટ કરી. 'કામ-ધામ કુછ હૈ નહીં, પઢાઈ લિખાઈ કુછ હૈ નહીં, વકીલાત મેં ચપ્પલ સે માર ખાને કે કામ કરતે હૈ' એવી શરમજનક ટિપ્પણી કરી. આદિવાસી અને દલિતો 90% એટ્રોસિટીના કેસ બ્લેકમેઇલિંગ માટે કરે છે. એમ કહીને નેહા કુમારીએ જનરલ સમાજના લોકોના મનમાં આદિવાસી અને દલિત સમાજના લોકો ખોટા કેસો કરે છે એવો ખોટો ભાવ પેદા કરવાનો પ્રયાસ કર્યો છે, જે સાંખી લેવાય નહીં.”
કલેક્ટર જાણે સત્તાપક્ષના એજન્ટ હોય તે રીતે પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના ધારાસભ્યની ઠેકડી ઉડાવી હતી. સવાલ એ છે કે શું કોઈ IAS/ IPS સત્તાપક્ષના ધારાસભ્યની ઠેકડી ઉડાવે છે? વિપક્ષના ધારાસભ્યની ઠેકડી કલેક્ટર ઉડાવી શકે?
એટ્રોસિટી એક્ટ મુજબ જિલ્લા તકેદારી સમિતિના અધ્યક્ષ કલેકટર હોય છે. તેની જવાબદારી એટ્રોસિટી એક્ટનો અમલ કરાવવાની છે. જો કલેક્ટર ખુદ એવું માનતા હોય કે એટ્રોસિટી એક્ટ હેઠળ 90% ગુનાઓ ખોટા દાખલ થાય છે તો દલિતોને/ આદિવાસીઓને ન્યાય મળે ખરો? શું આવી માનસિકતાવાળા અધિકારી કલેક્ટરના હોદ્દા પર રહેવા લાયક છે ખરા? દલિતોના હાથપગ ભાંગી નાખે છે/ બળાત્કાર થાય છે/ મર્ડર થાય છે/ તેમની જમીનો પર 30-35 વરસથી કબજો કરી લીધો છે; આ શું ખોટા ગુનાઓ છે? શું કાયદાઓ આર્થિક/ રાજકીય/ સામાજિક મોભા મુજબ કામ કરતાં નથી? જો એક શિક્ષિત/ ઊંચ કક્ષાની તાલીમ પામેલ કલેકટર દલિતો પ્રત્યે પૂર્વગ્રહ રાખે તો સમાજમાં દલિતોને કેટલાં પૂર્વગ્રહોનો સામનો કરવો પડતો હશે?
કલેક્ટરે All India Services (Conduct) Rules, 1968ના નિયમ-3(1), 3(2A)નો ભંગ કરેલ છે. નિયમ-3(1) કહે છે : ‘Every member of the Service shall at all times maintain absolute integrity and devotion to duty and shall do nothing which is unbecoming of a member of the Service-સેવાના દરેક સભ્યએ હંમેશા ફરજ પ્રત્યે સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠા જાળવી રાખવી જોઈએ અને સેવાના સભ્ય માટે અયોગ્ય હોય તેવું કંઈપણ કરવું નહીં’. નિયમ- 3(2A) કહે છે, ‘Every member of the service shall in the discharge of his duties act in a courteous manner and shall not dilatory tactics in his dealings with the public or otherwise-સેવાના દરેક સભ્યએ તેમની ફરજો નિભાવતી વખતે નમ્રતાપૂર્વક વર્તવું જોઈએ અને જાહેર જનતા સાથે અથવા અન્યથા તેમના વ્યવહારમાં દ્વેષપૂર્ણ યુક્તિઓ કરવી જોઈએ નહીં.’
પરંતુ સરકાર કલેક્ટર સામે આ નિયમો હેઠળ ત્યારે જ પગલાં ભરે જો સત્તા પક્ષના ધારાસભ્ય સાથે ગેરવર્તન થયું હોય. વિપક્ષના ધારાસભ્ય સાથે કલેક્ટર ગેરવર્તન કરે તો સરકાર કલેક્ટર સામે પગલાં ભરતી નથી. આ સ્થિતિમાં શું થઈ શકે? બે રસ્તા છે, [1] માનવ અધિકાર કમિશન/ SC/ST કમિશનમાં ફરિયાદ કરવી અને છેલ્લે હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ કરવી. [2] IAS/IPSના તાલીમ સંસ્થાઓને ફરિયાદ કરવી.
18 નવેમ્બર 2024ના રોજ જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે, “NCRBના આંકડા મુજબ ભારતમાં રોજે 4 દલિત મહિલા પર બળાત્કાર થાય છે. રોજે 3 દલિતોની હત્યા થાય છે. દર અઠવાડિયે 10 કે તેથી વધુ દલિતોના ઘરને આગ ચાંપવામાં આવે છે કે ગામમાંથી કાઢી મૂકવામાં આવે છે. આજે દલિત/ આદિવાસી/ OBC જાતિવાદના શિકાર છે. હજુ માથા પર મેલું લઈ જવાની વ્યવસ્થા નાબૂદ થઈ નથી. દલિતો ગટરમાં ગૂંગળાઈને મરે છે. આ સમુદાયને સામાજિક ન્યાય આપવાની જવાબદારી કલેક્ટરની છે. પરંતુ નેહા કુમારી જેવા અધિકારી આ ભૂમિકા નિભાવવા નથી અને દલિતોનું અપમાન કરે છે. કલેક્ટરને તાલીમ આપનાર સંસ્થા મસૂરીમાં છે. અમે એ સંસ્થાને વિનંતી કરીશું કે ભવિષ્યમાં કોઈ કલેક્ટર દલિતો/ આદિવાસી/ OBC/ લઘુમતી સમુદાયનું અપમાન ન કરે તે પ્રકારની તાલીમનું આયોજન કરે.
રમેશ સવાણી (લેખક પૂર્વ આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારોના પક્ષધર છે)
આ પણ વાંચો: એટ્રોસિટીના 90 ટકા કેસ બ્લેકમેઇલ કરવા માટે કરાય છે : મહીસાગર કલેક્ટર