ગુજરાત મોડેલ : બુટલેગરે હોસ્પિટલ શરૂ કરી, ઉદ્ઘાટનમાં પોલીસને બોલાવી

બુટલેગરે બે નકલી ડોક્ટરો સાથે મળીને 24 કલાકની હોસ્પિટલ શરૂ કરી દીધી અને કોઈને ખબર પણ ન પડી. પત્રિકા ઓનલાઈન વાયરલ થતા ભાંડો ફૂટ્યો.

ગુજરાત મોડેલ : બુટલેગરે હોસ્પિટલ શરૂ કરી, ઉદ્ઘાટનમાં પોલીસને બોલાવી
image credit - Google images

ગુજરાતમાં ખરા અર્થમાં બધું રામભરોસે ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ પ્રવર્તે છે. નકલી પીએમઓ-સીએમઓ અધિકારીથી શરૂ થયેલો સિલસિલો નકલી જજ સુધી પહોંચ્યો છે. ત્યારે હવે સુરતમાં એક બુટલેગરે નકલી ડોક્ટરો સાથે મળીને હોસ્પિટલ શરૂ કરી દીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં તેણે પોલીસને આમંત્રણ આપ્યું હતું અને એક આઈપીએસ અધિકારીને મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા હતા. સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થતા આખા મામલાનો પર્દાફાશ થયો હતો અને તંત્રનું ધ્યાન જતા એક જ દિવસમાં હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે.

સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના
શહેરના પાંડેસરા વિસ્તારમાં નકલી તબીબોએ ભેગા મળી હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી. જન સેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું હતું. જેમાં 24 કલાક ઈમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું હતું. આ સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં પ્રિન્ટ કરાવ્યું હતું. જોકે એક જ દિવસમાં દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો હતો.

બે નકલી ડોક્ટરો, ત્રીજો બુટલેગર
આ હોસ્પિટલ શરૂ કરનારમાં બે સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો ત્રીજો સામે દારૂની ફેરાફેરીના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. એસઓજી દ્વારા બબલુ શુકલા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો. પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ દૂબે સામે ફરિયાદ નોંધી હતી. બોગસ ડો.જી.પી.મિશ્રા સામે તો વર્ષ 2022 માં દારૂની ફેરાફેરીનો કેસ નોંધાયો હતો.

બે માળની હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર પણ બનાવ્યું
નવાઈની વાત એ છે કે હોસ્પિટલનું ઉદ્દઘાટન થતાં જ અહીં દર્દીઓની લાઈન લાગી ગઈ હતી. 24 કલાક ઇમર્જન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટરો દ્વારા બે માળમાં આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ઓપરેશન થિયેટર પણ હતું. આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી જ્યાં ડોક્ટરો ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય, તેઓ ગણતરીના કલાકોમાં જામીન મેળવીને ફરીથી આવી પોતાની જ ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે છે.
ગુજરાત સરકારે સર્ટિફિકેટ પણ આપી દીધું
હોસ્પિટલના સંચાલક ડોક્ટર સજ્જન કુમારે જણાવ્યું હતું કે, અમારી પાસે ગુજરાત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ છે અને અમે એ પ્રમાણે જ હોસ્પિટલની શરૂઆત કરી છે. બબલુ શુકલા, રાજારામ દુબે અને ડોક્ટર મીશ્રા MD ડોક્ટર્સની નજર હેઠળ અહીં RMO તરીકે ફરજ બજાવે છે અને ફક્ત અહીં કામ કરે છે. ઓર્થોપેડિક ડોક્ટર તરીકે પ્રત્યુષ ગોહિલ અને MD ડોક્ટર તરીકે સજ્જન કુમાર મીના છે અને તે ત્રણેય ડોક્ટરો ફક્ત અમારા નિમંત્રણ પર આવ્યા છે કહીને લુલો બચાવ કર્યો હતો અને પોતે જ આપેલા RMOના નિવેદન પરથી ફરી ગયા હતા.

આ પણ વાંચોઃ 20 હિંદુઓએ નકલી બૌદ્ધ સર્ટિફિકેટ બનાવડાવી એમબીબીએસમાં એડમિશન લઈ લીધું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.