બે સાધુઓએ મળી ત્રીજા સાધુની જટા કાપી રૂ. 21 હજારની મત્તા લૂંટી લીધી
અમરેલીના ખાંભાની ઘટના. ખોડીયાર આશ્રમમાં બે સાધુઓ ત્રીજા સાધુની જટા કાપતા હોય તેવો વીડિયો વાયરલ. પોલીસે હળવદની એક આરોપી સાધુને ઝડપી પાડ્યો.
અમરેલીના ખાંભામાં એક સાધુને અન્ય બે સાધુઓએ માર મારી, તેમની જટા કાપી નાખીને મોબાઈલ, કાજુ-બદામ અને રોકડ સહિત રૂ. 21 હજાર લૂંટી લીધા હોવાની ઘટના સામે આવતા ધર્મપ્રેમીઓની લાગણી દુભાઈ છે. મળતી માહિતી પ્રમાણે અમરેલીના ખાંભાની રાજધાની ચોકડી પાસે ખોડીયાર આશ્રમમાં આરામ કરી રહેલા ભગુડાના સાધુ પાસે બે અજાણ્યા સાધુઓ આવીને 'તું નકલી સાધુ છે' કહીને મારમારી કરી હતી અને ભગુડાના સાધુની જટા કાપી નાખી હતી. એટલું જ નહીં, આરોપી સાધુઓ ભગુડાના સાધુના થેલામાંથી રોકડ અને મોબાઈલ સહિત કુલ 21 હજારની લૂંટ કરીને ભાગી ગયા હતા. આ મામલે ભગુડાના સાધુએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની હળવદથી ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય એક આરોપી સાધુની શોધખોળ ચાલુ છે.
આ મામલે ખાંભા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને આરોપીઓ હળવદના અર્જુનગીરી અને બ્રિજેશગીરી હોવાની જાણકારી મળતા હળવદ પહોંચી મુખ્ય આરોપી અર્જુનગીરીને દબોચીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મામલો શું હતો?
મળતી માહિતી પ્રમાણે, અમરેલીના ખાંભા ખાતે આવેલા ખોડીયાર આશ્રમમાં ભગુડાના એક સાધુ આરામ કરી રહ્યાં હતા. એ દરમિયાન અર્જુનગીરી નામનો સાધુ અને અન્ય એક અજાણ્યો સાધુ ત્યાં આવ્યાં હતા. આ બંનેએ ભગુડાના સાધુને 'તું વિધર્મી, નકલી સાધુ છે' કહીને મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે બંનેએ ભગુડાના સાધુના માથાની જટા કાપીની વીડિયો બનાવી વાઈરલ કર્યો હતો.
પોલીસે મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધ્યો
બંને આરોપી સાધુઓ ભગુડાના સાધુ પાસે રહેલા 10,805 રોકડ, એક મોબાઈલ અને 300 ગ્રામના કાજુ-બદામ મળીને કુલ 21 હજાર લૂંટ કરીને ભાગી ગયા હતા. આ મામલે ભગુડાના સાધુએ બંને આરોપી સાધુ વિરુદ્ધમાં ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે સુલેહ શાંતિનો ભંગ અને ધાર્મિક માન્યતાઓનું અપમાન કરનારા બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો: "વાસનાના પૂજારીના દિવસો આવ્યા" નવરાત્રી મુદ્દે સ્વામીનારાયણ સાધુ