ડૉ. આંબેડકરની પ્રતિમા લગાવવાને લઈને બબાલ, દલિત યુવકનું ગોળી વાગવાથી મોત, બે યુવકો ઘાયલ

જાતિવાદી તત્વોને ડૉ. આંબેડકરના નામે કશું પણ નવનિર્માણ થાય તે પસંદ નથી. પછી તે ગ્રામપંચાયત ભવન હોય કે મેટ્રોસિટીનો કોઈ પાર્ક. દરેક જગ્યાએ જાતિવાદી તત્વો બાબાસાહેબનું નામ આવતા જ હુમલાઓ કરવા પર ઉતરી આવતા હોય છે. આવી જ એક ઘટનામાં એક દલિત યુવકનું ગોળી વાગવાથી મોત થયું છે અને અન્ય બે યુવકો ઘાયલ થયા છે. શું છે આખો મામલો વાંચો આ અહેવાલમાં.

ડૉ. આંબેડકરની પ્રતિમા લગાવવાને લઈને બબાલ, દલિત યુવકનું ગોળી વાગવાથી મોત, બે યુવકો ઘાયલ

જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં આજે વધુ એક સનસનાટી મચાવતી ઘટના બની છે. અહીંના રામપુરમાં બાબા સાહેબની તસવીર લગાવવાને લઈને બે પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. જેમાં ફાયરિંગ થતા એક દલિત યુવકનું ગોળી વાગવાથી મોત થયું હતું, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ યુવકના મૃતદેહને ડૉ. આંબેડકરની તસવીર નીચે મૂકીને વિરોધ શરૂ કર્યો હતો. તેમનો આરોપ છે કે પોલીસ ગોળીબારના કારણે યુવકનું મોત થયું છે.

ઘટના પશ્ચિમ ઉત્તર પ્રદેશના રામપુરના સિલાઈ બડા ગામની છે. અહીં જમીનના એક ભાગમાં ડૉ. આંબેડકરની તસવીર સાથેનું બોર્ડ લગાવવાને લઈને બે પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. દલિત સમાજના લોકો ભીમરાવ આંબેડકરના નામે પાર્ક બનાવી તેમની પ્રતિમા સ્થાપિત કરવા માગતા હતા, જ્યારે આ બાબતનો વિરોધ કરતા અન્ય પક્ષે કહ્યું કે આ ખાતરનો ખાડો છે અને તે જગ્યા ગામની સોસાયટીની છે. જેને લઈને બબાલ થઈ હતી અને પોલીસે ગોળીબાર કરતા દલિત યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પોલીસ ફોર્સ સાથે સિલાઈ બાડા ગામમાં પહોંચ્યા હતા અને પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ પર અડગ રહેલા પરિવારના સભ્યોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

દરમિયાન, આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પોલીસકર્મીઓ લાઠીચાર્જ કરતા અને પથ્થરમારો કરતા જોવા મળે છે. અનિયંત્રિત પરિસ્થિતિને સંભાળવા માટે ડીઆઈજી મુરાદાબાદ અને ડિવિઝનલ કમિશનર સિલાઈ બડા ગામમાં પહોંચ્યા હતા અને પરિવારના સભ્યો સાથે વાત કરી અને તેમને તમામ શક્ય મદદ અને દોષિતો સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. એ પછી મૃતકના પરિવારજનો શાંત થયા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકના ભાઈએ લગાવ્યા આક્ષેપો

મૃતકના ભાઈ બ્રજકિશોરે જણાવ્યું હતું કે, “હું રિક્ષા ચલાવતો હતો. રસ્તામાં મને ખબર પડી કે મારા ભાઈનું અવસાન થયું છે. હું કશું બોલી શકતો નથી. અમારી ચોકી પર જ રહેતા બે પોલીસકર્મીઓ આદેશ ચૌહાણ અને ઋષિ પાલે ઊંચી જગ્યા પર ચઢીને અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં મારા ભાઈનું મોત થયું. સુમેશ કુમાર અને અમિત નામના યુવકોને પણ ગોળી વાગી છે. અમારી પાસે કોઈ જમીન નથી. અમે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવીએ છીએ.

ઘટના અંગે ડિવિઝનલ કમિશનરે શું કહ્યું?

ડિવિઝનલ કમિશનર આનંજને કુમાર સિંઘે જણાવ્યું હતું કે ખાતર બનાવવા માટેનો એક ખાડો હતો, જેને માટી પુરી સમતળ કરી દેવામાં આવ્યો હતો. અહીં ડૉ. આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે અથવા તેમના નામે પાર્ક બનાવવામાં આવે તેવી અહીના લોકોની માંગણી હતી. જેને લઈને વિવાદ થયો હતો અને ફરિયાદ થઈ હતી. જેના પર વહીવટીતંત્રે કાર્યવાહી માટે મોકલી આપી હતી. અહીં શું થયું, આ તમામની તપાસ થશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે પોલીસ ગોળીબારના કારણે યુવકનું મોત થયું છે. તો ડિવિઝનલ કમિશનરે કહ્યું કે તપાસમાં જે પણ દોષિત હશે તેને બક્ષવામાં આવશે નહીં. આ મામલામાં બે લોકો ઘાયલ છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારને જે પણ યોગ્ય મદદ કરવામાં આવશે તેની ખાતરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.