બુદ્ધ અને મહાવીર વેદો અને ઈશ્વરને નકારતા હોવા છતાં આસ્તિક વિચારકો હતા
પહેલી નજરે ધાર્મિક લાગી શકતો આ લેખ આખો વાંચીને વિચારતા તર્કની એરણે સાવ જુદા પ્રકારનો દ્રષ્ટિકોણ આપણી સમક્ષ રજૂ કરે છે. નાસ્તિક અજિત કેસકંબલથી લઈને મહાવીર અને બુદ્ધ સુધી દોરી જતો આ લેખ વાંચ્યા પછી વર્ષાઋતુમાં નાહીને નવપલ્લવિત થયેલી પ્રકૃતિ જેવી લાગણી થાય તો નવાઈ નહીં.
1.નાસ્તિક અજિત કેસકંબલ
મહાવીર નિરીશ્વરવાદી અને બુદ્ધ નૈરાત્મ્ય વાદી હતા અને બંને વેદો વગેરેને માનતા નહીં પણ એથી તેઓ નાસ્તિક નથી બની જતા. નાસ્તિકોની વિચારધારા વેદો અને બૌદ્ધો બંનેથી અલગ હતી. નાસ્તિકોને કોઈએ ઋષિ નથી કહ્યાં કારણ કે એમના સિદ્ધાંતો જ એવા હતા. પ્રાચીન ભારતમાં શુદ્ધ નાસ્તિકવાદી વિચારકને ઉચ્છેદવાદી કહેવામાં આવતા અને એવા એક ચિંતક હતા અજિત કેસકંબલ. કહેવાય છે કે તે પોતાના વાળનું બનાવેલું વસ્ત્ર પહેરતા માટે આવું નામ પડ્યું.
અજિત કહે છે, “ના કોઈ દાન છે, ના યજ્ઞ કે હોમ છે જે મુખ્યત્વે દાન માટે કરવામાં આવે છે. જ્યાં દાન જ નિષ્પ્રયોજન છે ત્યાં યજ્ઞયાગ પણ નિરર્થક જ હોવાનાં. ના કોઈ સત્કર્મના સારા વા દુષ્કર્મના ખરાબ ફળો પ્રાપ્ત થાય છે. ના આ લોકો છે, ના પરલોક, માટે પરલોકમાં મૂએલાં અહીં જન્મ લેતા નથી કે ના ઇહલોકમાં મરેલાં ત્યાં જન્મ લે છે. આ લોક અને પરલોકમાં આવાગમનની માન્યતા જ મિથ્યા છે. આ સંસારમાં કોઈ શ્રમણ કે બ્રાહ્મણ એવો દાવો ના કરી શકે કે આધ્યાત્મિક સાધનામાં તેઓ એક ચોક્કસ કક્ષાએ પહોંચ્યા છે અને પારંગત થઇ એવા સ્તરે આવ્યા હોય કે જેઓ આ લોક અને પરલોકની બધી વાસ્તવિક્તાઓનો સાક્ષાત્કાર કરી ચૂક્યા છે.”
અજિત આગળ કહે છે, “ના માતા છે, ના પિતા છે. માટે તેઓ સાથેના કામભોગ પર પ્રતિબંધ નહીં પણ મુક્તાચાર હોવો જોઈએ, જેમ કે પશુપક્ષીઓને બધી છૂટ છે. બધા પ્રાણીઓ પર સરખા નિયમો લાગુ થવા જોઈએ અને માનવસમાજના કોઈ વિશિષ્ટ નિયમો ના હોવા જોઈએ. એ માન્યતા સાચી નથી કે માતાપિતાના સંયોગ વગર કોઈ દેવલોકમાં જન્મ લે છે. કોઈ પોતાની મેળે જન્મ નથી લેતું અને બધા સંભોગથી જ જન્મે છે. ચાર પદાર્થોથી બનેલો માણસ જયારે મૃત્યુ પામે છે ત્યારે એનામાં રહેલું પૃથ્વીતત્વ પૃથ્વીમાં, જળ જળમાં, અગ્નિ અગ્નિમાં અને વાયુતત્વ વાયુમાં ભળી જાય છે. ઇન્દ્રિયો આકાશમાં વિલીન થઇ જાય છે. ચાર માણસો મૃતકને લઇ જઈને અગ્નિદાહ આપે છે અને થોડી વારમાં એના કોઈ ચિહ્ન રહેતા નથી. મનુષ્ય ભસ્મીભૂત થઇ જાય છે અને માત્ર કબૂતર જેવા સફેદ હાડકાં જ અવશિષ્ટ રહી જાય છે. એના મરણ બાદ એના માટે કરાયેલા શ્રાદ્ધ અને યજ્ઞદાન એના કશા કામમાં આવતાં નથી. આ બધું નિરર્થક સાબિત થાય છે. માટે મૃત્યુ પછી કર્મફળની વાત આસ્તિકો કરે છે એ માત્ર એમનો તુચ્છ પ્રકારનો વૃથા પ્રલાપ કેવળ છે. આથી કોઈ મૂર્ખ હોય કે બુદ્ધિમાન, મરણોપરાંત બધાના શરીર નષ્ટ થઇ જાય છે. બધું ખતમ થઇ જાય છે અને કશું જ રહેતું નથી.”
આ વિચારક કર્મફળનાં સિદ્ધાંતનો સર્વથા નિષેધ કરતો હતો માટે શુદ્ધ નાસ્તિકમતનો પ્રતિપાદક હતો. આ ગુરુ અને એના અનુયાયીઓ મૃત્યુ પછી બધું સમાપ્ત થઇ જાય છે એમ કહેવાના કારણે ઉચ્છેદવાદી કહેવાતા. આસ્તિકોના પૂર્વજન્મના સિદ્ધાંતને પણ સ્વાભાવિકપણે જ નાસ્તિક હોઈ તેઓ માનતા નથી. બુદ્ધે આ વાદનો વિરોધ કરવા માટે જે તર્ક આપ્યા એની રજૂઆત દીઘનિકાય ગ્રંથમાં જોવા મળે છે, એમાંથી આ સંદર્ભ અભિપ્રેત છે.
2. અક્રિયાવાદી પૂરણક્સ્સપ
બુદ્ધ અને મહાવીરના સમકાલીન એવા વિચારકોમાં એક પૂરણકસ્સપ થઇ ગયા. આ મતમાં કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે અને આ મતના અનુયાયીઓને નાસ્તિકો તરીકે ઓળખવામાં આવતા હતા.
પૂર્ણકાશ્યપ કહે છે, “કોઈ પણ દુષ્કર્મ કરવા કે કરાવવાથી, કોઈના શરીરને પીડા આપવા-અપાવવાથી, કોઈની હત્યા કરી એનું માંસ શેકવા કે શેકાવવાથી, કોઈને દુઃખી કરવા કે કરાવવાથી, કોઈને વિહ્વળ/વ્યાકુળ કે ભયભીત કરવા કે કરાવવાથી, પ્રાણીની હત્યા કરવા-કરાવવાથી, કોઈને કશું આપ્યા વગર એની પાસેથી કશુંક લઇ લેવાથી એટલે કે ચોરી કરવાથી, કોઈના ઘર પર કબ્જો કરવાથી કે લૂંટ ચલાવવાથી, પરસ્ત્રી સાથે સંબંધ બાંધવાથી કે જૂઠું બોલવાથી કોઈ પાપ લાગતું નથી.”
અહીં રાજગીરીથી સામે ગંગાના દક્ષિણતટે જતાં સુધીમાં તલવારની તીવ્ર/તીક્ષ્ણ ધાર વડે તમામ પ્રાણીઓના ટુકડેટુકડા કરી દેવાથી પણ કોઈ પાપ થતું નથી. ગંગાના ઉત્તરકાંઠે દાન આપવા કે અપાવવાથી, યજન -પૂજન કરવા કે કરાવવાથી અથવા દાન, દમન, સંયમ અને સત્યભાષણથી કોઈ પ્રકારે પુણ્ય પ્રાપ્ત થતું નથી. આ વિચારક અને એના અનુયાયીઓ કર્મનો જ છેદ ઉડાવી દેતા હોવાથી ઉચ્છેદવાદી-નાસ્તિકમતવાદી જ કહેવાતા. નાસ્તીકોમાં આ પ્રકારના વિચાર કરનારા અક્રિયાવાદી કે અકર્મવાદી પણ કહેવાય છે.
3. શાશ્વતવાદી પ્રકુધ કાત્યાયન
બ્રાહ્મણ(વેદ-યજ્ઞ) અને શ્રમણ(જિન-બુદ્ધ)થી પૃથક એવા આગવી વિચારસરણી અને એને લગતા સંઘોના સ્થાપક વિચારકોની વાતમાં હવે સમજીએ પ્રકુધ કાચ્ચ્યાયનને જે સાત શાશ્વત વસ્તુઓમાં વિશ્વાસ કરતા અને નાસ્તિક હતા.
કાત્યાયન કહે છે, “સાત પ્રકારના સમૂહ છે અથવા સાત તત્વો છે. તે અકૃત અને અવિહિત છે. ના તે નિર્મિત છે કે ના તે નિર્માણ કરે છે. એમાંથી કશું ઉત્પન્ન થતું નથી અને તે કુટસ્થ, અવિચલ તથા અટલ છે. આ સાત તત્વોમાં કોઈ પ્રકંપ કે પરિવર્તન થતાં નથી. આ તત્વો ના એકબીજાને સહાયક છે કે ના એકબીજાને બાધક બને છે અને ના તે એકબીજા માટે સુખનું, દુઃખનું કે સુખદુઃખનું કારણ બને છે.”
આ સાત તત્વો એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, સુખ, દુઃખ અને જીવ(પ્રાણી) પોતે. આમાં ના કોઈ હત્યા કરનાર છે કે ના કરાવનાર છે, ના અહીં કોઈ કોઈનું સંભાળવાવાળું છે કે ના કોઈ સંભળાવનાર છે. અહીં ના કોઈ જાણવાવાળું છે કે ના જણાવવાવાળું છે. આવામાં જો કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કોઈની હત્યા કરી નાંખે તો પણ પ્રાણ નષ્ટ થતા નથી. શસ્ત્ર આ બધાની વચ્ચે જ ખોવાઈ જાય છે, માટે ના કોઈ મરે છે, ના કોઈ મારે છે. ત્યાં માત્ર આ સંઘ વિખરાઈ જાય છે અને એક વિઘટન થાય છે. કારણ કે આ સાત તત્વો અજર-અમર, અવિનાશી છે. પાપ-પુણ્ય, કર્મનો સિદ્ધાંત વગેરે આ વિચારકને અને તેના અનુયાયીઓને માન્ય નથી. આ વિચારક શાશ્વતવાદી તરીકે ઓળખાય છે અને નાસ્તિકમતનો જ આ એક પ્રકાર છે.
4. ભાગ્યવાદી મખ્ખલી ગોસાલ
બુદ્ધકાલીન ભારતના નિયતિવાદી વિચારક ગોસાલ કહે છે, “પ્રાણીઓના ક્લેશનો ના કોઈ હેતુ છે કે ના એનું કોઈ કારણ છે. કોઈ હેતુ કે કારણ વિના અને કોઈ પાપ ના કર્યું હોવા છતાં પ્રાણી દુઃખી થાય છે. એ જ પ્રમાણે પ્રાણીઓના એ ક્લેશ કે પીડામાંથી મુક્તિ માટે પણ કોઈ કારણ નથી. પુણ્યના કારણે તે દુઃખમુક્તિ પામે છે એવું નથી. કોઈ કારણ વગર જ પ્રાણી વિશુદ્ધ અને વિમુક્ત થઇ જાય છે. મુક્તિ માટે એ પોતે કશું કરી શકે પણ નહીં અને કોઈ અન્ય એમના માટે કશું કરી શકે એમ પણ નથી. કોઈ બળ, વીર્ય, પરાક્રમ કે પુરુષાર્થ મુક્તિ માટે કામના નથી. બધા પ્રાણી, જીવ, વ્યક્તિ અને અસ્તિત્વો નિર્વીર્ય, નિર્બળ, વિવશ છે અને પ્રારબ્ધવશાત સુખદુઃખ ભોગવતા રહે છે. અહીં ફ્રી વિલનો સદંતર નિષેધ કરી દેવામાં આવ્યો છે.”
મૂર્ખ હોય કે જ્ઞાની, બધાંએ ચૌદ લાખ છાંસઠસો યોનીઓમાંથી પસાર થતાં એંશી લાખ કલ્પો સુધી ભવસંસરણ કરવું પડે છે ત્યારે જ દુઃખોનો અંત થાય છે. એ અશક્ય છે કે કોઈ પોતાના તપ, શીલ, વ્રત કે બ્રહ્મચર્યના સહારે પોતાના અપક્વ કર્મોને પરિપક્વ કરી શકે અથવા પક્વ કર્મોને ભોગવીને એનો અંત કરી શકે. સુખ દુઃખ બરાબર અનુપાતમાં જ ગોઠવાયેલા હોય છે અને સંસારમાં એની વધઘટ થવી કે કરવી સંભવ નથી. જ્ઞાની અને અજ્ઞાની, બંનેએ આમાંથી અનિવાર્યપણે પસાર થવાનું જ છે અને એનો કોઈ ઉપાય નથી. બધા માટે બધું કેવળ નિયતિ મુજબ જ થાય છે. આ નિષ્કર્મ્યવાદી, પ્રારબ્ધવાદી, નિયતિવાદી ચિંતક પણ નાસ્તિક્તાવાદનો જ એક પ્રકાર પ્રસ્તુત કરતા જણાય છે.
5. અનિશ્ચયવાદી સંજય બેલઠ્ઠપુત્ત
ગણાચાર્ય તીર્થંકર એવા સંજય કોઈ વાદનું સમર્થન ના કરતા વાદના પ્રવર્તક હતા. કર્મફળ અને ઇહલોકપરલોકની માન્યતાઓને ના આ વિચારક સ્વીકારતા કે ના એનો અસ્વીકાર કરતા. ના એ આસ્તિક હતા કે ના નાસ્તિક અને એમનો કોઈ ચોક્કસ મત નહોતો. આશ્ચર્યની વાત એ છે કે એનો કોઈ મત કે વાદ જ નહોતો છતાં એને ઘણા ભક્તો અને અનુયાયીઓ હતા. સારિપુત્ત અને મોગ્ગલ્લાન સહિતના અઢીસો જેટલા શિષ્યો જયારે એમને છોડીને ભગવાન બુદ્ધના સંઘમાં જોડાઈ ગયા ત્યારે રાજગીરના ગૃહસ્થ નાગરિકોએ બુદ્ધની નિંદા કરી હતી, એનું કારણ પણ એ જ હતું કે એ બધાં બેલઠ્ઠપુત્તના સમર્થકો હતા.
6. પયાસી વસ્સ અને ભજ્જ
બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં જેઓનો ઉલ્લેખ છે અને જેઓ ધર્મ-કર્મના તત્વજ્ઞાનને અનુસરતા નહીં એવા નાસ્તિક કે અજ્ઞેયવાદી વિચારકોમાં એક રાજા પયાસી પણ હતા. કૌશલનરેશ પ્રસેનજિત દ્વારા મેળવેલા પ્રદેશ પર રાજ્ય કરતો આ રાજા સારા ખરાબ કર્મોના ફળ, લોક-પરલોક અને જન્માંતરના સિદ્ધાંતમાં માનતો નહીં. કહેવાય છે કે બુદ્ધના શિષ્ય ભિક્ષુ કુમારકાશ્યપઃ સાથેના સંવાદ પછી આ રાજા નાસ્તિકદ્રષ્ટિથી મુક્ત થયો હતો.
માત્ર મધ્યપ્રદેશ જ નહિ પણ ભારતના ઉત્તરપ્રદેશમાં પણ નાસ્તિક્તાવાદ એ સમયે ઘણો પ્રચલિત વિચાર હતો. વસ્સ અને ભજ્જ નામના બે અહેતુવાદી, અક્રિયાવાદી અને નાસ્તિક વિચારસરણીના મનુષ્યો ઉત્કલમાં રહેતા હતા. એવું કહેવાય છે તેઓએ જયારે બુદ્ધના અલોભ, અક્રોધ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિના ઉપદેશો સાંભળ્યા ત્યારે એનો વિરોધ તેઓ કરી શક્યા નહીં. આવું ના કરવા પાછળ તેઓ લોકલાજ અને લોકનિંદાથી બચવા માંગતા હતા કારણ કે તેઓ કટ્ટર નાસ્તિક કે ધર્મના બધી રીતે આલોચક બનવા માંગતા નહોતા. એવું કહી શકાય કે તેઓ નાસ્તિક તો હતા જ પણ ધર્મની બધા પ્રકારે નિંદા કરવામાં માનતા નહીં અને સદ્ગુણના પક્ષમાં હતા. તેઓને કોઈ સ્વતંત્ર સંઘો કે સ્થાપિત વિચારધારાઓ નહોતા પણ સદ્ગુણી નાસ્તિક હતા એમ કહી શકાય.
7. નિગંઠ નાટપુત્ત (વર્ધમાન મહાવીર) અને શાક્યમુનિ ગૌતમ (શાસ્તા બુદ્ધ)- સામ્ય અને વિષમતા
મહાવીર ગણી હતા, ગણાચાર્ય અને તીર્થંકર હતા. કર્મફળ, પુનર્જન્મ અને લોકપરલોકને નકારનારા નાસ્તિક આચાર્યોની સામે બુદ્ધની જેમ મહાવીર પણ શીલ-સદાચારનો ઉપદેશ આપતા અને દેહદમન તથા તપત્યાગપ્રધાન ધર્મનું આચરણ એ તેઓનું દર્શન હતું. એ સમયે આત્મા પરમાત્મા સાથે નહીં પણ સદાચાર સાથે આસ્તિકતાને સંબંધ હોઈ બુદ્ધ અને મહાવીર વેદો અને ઈશ્વરને નકારતા હોવા છતાં આસ્તિક વિચારકો હતા. નિગંઠ નાટપુત્ત અને દેવ સિદ્ધાર્થની વિચારણામાં ભેદ હતો આથી તેઓ પરસ્પર સમર્થક નહોતા પરંતુ તેઓ ઉભય ધર્મને સ્વીકારતા અને નાસ્તિક્તાનો વિરોધ કરતા એ સામ્ય હતું, જેના કારણે તેઓ એકબીજાના નિંદક નહોતા.
લિચ્છવી ગણતંત્રના સેનાપતિ સિંહ મહાવીરના અનુયાયી હતા પરંતુ બુદ્ધથી પ્રભાવિત થયા હતા અને એ અન્વયે તેઓએ બુદ્ધ પાસે જઈ ઉપદેશ ગ્રહણ કરવાની વાતનો પ્રસ્તાવ મુક્યો ત્યારે મહાવીરે એમ કહીને એ નકાર્યો કે બુદ્ધ તો અક્રિયાવાદી છે. જો તે બુદ્ધનો ઉપદેશ સાંભળશે તો એનાથી લાભ નહીં પણ હાનિ થવા પામશે. એ કાળમાં જે તપ અને પુરુષાર્થ દ્વારા મુક્તિને પામવા પ્રયત્ન કરતા નહીં તેઓને અક્રિયાવાદી કહેવામાં આવતા ત્યારે આખરે સિંહે બુદ્ધને મળીને એ જ પ્રશ્ન કર્યો કે શું તેઓ અક્રિયાવાદી છે? ત્યારે બુદ્ધે ઉત્તર આપતા જણાવ્યું કે અતિશ્યોક્તિભર્યા તપત્યાગના સ્થાને હું કુશળ કર્મો કરવાનો ઉપદેશ આપું છું. હું અકુશળ કર્મો ના કરવા કહું છું માટે હું અક્રિયાવાદી નથી થઇ જતો. આ સાંભળી સિંહ સેનપતિ સંતુષ્ટ થઇ બુદ્ધના ગૃહસ્થ શિષ્ય બની ગયા.
નિગંઠ નાટપુત્તના અન્ય શિષ્ય શ્રેષ્ઠી ઉપાલી એ બુદ્ધ સમક્ષ એવો વિવાદ ઉપસ્થિત કર્યો કે જેમાં બુદ્ધના મન અને વાણીના કર્મો પર ભાર આપવાને નિરર્થક અને શરીરના કર્મોને પ્રાધાન્ય આપવાને મહત્વપૂર્ણ માનવાની વાત હતી, પરંતુ તર્કયુક્ત રીતે બુદ્ધે જયારે શરીરની નહીં પણ મનની જ સાધના શ્રેષ્ઠ છે એમ સિદ્ધ કર્યું ત્યારે તે પણ બુદ્ધના શિષ્ય બની ગયા.
એવા એક મહાવીરશિષ્ય અભય રાજકુમાર હતા જેઓએ બુદ્ધને એવો પ્રશ્ન કર્યો હતો કે શું તેઓ ક્યારેય અપ્રિય વાણી બોલે છે? એનો હેતુ તો એ હતો કે એને જાણ હતી કે બુદ્ધે કોઈને અપ્રિય વચનો કહ્યા હતા, પણ બુદ્ધે પોતે જ એ વાતનો સ્વીકાર કરી જણાવ્યું કે તેઓ મૈત્રીપૂર્ણ રીતે કોઈના હિત માટે અપ્રિય વાણી બોલવાની આવે તો એમ કરે છે એ જાણી તે પણ સંતુષ્ટ થયો. આમ બુદ્ધ મહાવીર વેદ અને ઈશ્વરની બાબતમાં નાસ્તિક કહેવાતા પરંતુ પોતાના મતોમાં તેઓ આસ્તિક હતા. બંનેના વિચારોમાં વૈષમ્ય હતું પરંતુ તેઓ અન્ય નાસ્તિકોના મતોનું ખંડન કરતા હતા.
પરેશ બૌદ્ધ, મહેસાણા (સંદર્ભઃ કલ્યાણમિત્ર એસ.એન. ગોએન્કા)
આ પણ વાંચો : બોધિ વૃક્ષની તે શાખાઓ, જેના દ્વારા સમ્રાટ અશોકે વિશ્વમાં 'ધમ્મ'નો પ્રચાર કર્યો હતો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો