સામાજિક સંઘર્ષનો પર્યાય પ્રોફેસર બાબુ કાતિરા

કોડીનાર પંથકમાં આંબેડકરવાદી વિચારધારાના બીજ રોપનારા પ્રો. બાબુ કાતિરાની આજે પુણ્યતિથિ છે. ત્યારે યુવા લેખક મયૂર વાઢેર અહીં આપણને તેમનો પરિચય કરાવે છે.

સામાજિક સંઘર્ષનો પર્યાય પ્રોફેસર બાબુ કાતિરા
image credit - Mayur Vadher

કોડીનાર પંથકમાં આંબેડકરવાદી વિચારધારાના બીજ રોપનારો એ મહાન સંઘર્ષવીર એટલે પ્રો. બાબુ કાતિરા. ગીરકાંઠાના પ્રદેશમાં સામાજિક સંઘર્ષનો પર્યાય બનેલુ આ નામ ગુજરાતનાં આંબેડકરી આંદોલનના ઈતિહાસનું અગત્યનું પાનું છે. કેન્સર જેવા અસાધ્ય રોગનો ભોગ બનીને માત્ર ચાર દાયકાની સંઘર્ષમય જિંદગી પુરી કરીને સોરઠના આ સાવજનો અંતિમ શ્વાસ અસ્ત થયો એને દોઢ દાયકો થવા આવ્યો. છતાં વિષમતા, ભેદભાવ અને કપટના પાયા પર ટકેલી જાતિવાદી વ્યવસ્થા સામે બંડ પોકારનારા આ કર્મશીલનું નામ યુવાનો, વડીલો અને માતાઓના હૈયામાંથી જરાય સુકાતું નથી. કોડીનાર પંથકમાં થતાં જાતિ આધારિત અત્યાચારો વખતે અથવા સામાજિક પ્રસંગો વખતે દિવંગત બી.એસ. કાતિરા સાહેબને ચોક્કસ યાદ કરવામાં આવે છે. તેનું નામ અત્યાચારનો ભોગ બનેલા લાચાર લોકોમાં સ્વાભિમાનની ચેતના પાથરી દે છે.

ચારે કોર થતા અન્યાય સામે વૈચારીક પીઠબળ અને કાનૂની લડતનું હથિયાર લઈને જીવતો આ પ્રોફેસર આંબેડકરવાદી આંદોલનની ધારાનું પ્રતિક હતો. શાહૂ-ફૂલે આંબેડકરની વિચારધારા એના લોહીના અણુએ અણુમાં હતી. બહુજન મહાપુરૂષો એના વાંચન અને અભ્યાસના મુખ્ય વિષયો હતાં.  પ્રોફેસર જેવી પ્રતિષ્ઠિત નોકરી અને પ્રમાણમાં ઝાઝી કહી શકાય એટલી વારસામાં મળેલી જમીન હોવા છતાં તેમણે સામાજિક સંઘર્ષનો ભેખ ધારણ કરી લીધો હતો. યુવાન બાબુ કાતિરા ઈ.સ. 1990માં વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી એસ.પી. યુનિવર્સિટીમાંથી સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈ.સ. 1992માં હિન્દી વિષય સાથે અનુસ્નાતક થયા હતા. વિદ્યાર્થી તરીકે અભ્યાસમાં પણ તેજસ્વી યુવાન બાબુ કાતિરા કોડીનાર તાલુકાની જે.એસ. પરમાર આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજમાં હિન્દીના અધ્યાપક તરીકે જોડાયા હતા. તે વખતે અંતરિયાળ ગામડાઓમાં પરિવહનની વ્યવસ્થા દુર્લભ હતી, વ્યક્તિગત વાહનની વ્યવસ્થા પણ ન હતી. તેથી અધ્યાપક કાતિરા સાહેબનો સંઘર્ષ વધુ કઠોર થતો જતો હતો. તેની સમાંતરે તેમણે પોતાના ગામમાં જ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવીને ગામડાનાં ભોળા ને નિરીક્ષર લોકોમાં ડૉ. આંબેડકર પ્રત્યે ભાવના પ્રગટાવી. તેમજ કોડીનાર પંથકમાં વ્યસન મુક્તિ અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે જનજાગૃતિ અભિયાનો ચલાવ્યા.

આ પણ વાંચોઃ ડૉ. આંબેડકરની ગુજરાતની 11 મુલાકાતો અને ગુજરાતીમાં આપેલું પ્રવચન

પ્રોફેસર જેવી મુલાયમ  નોકરી તો એની પાસે હતી જ, એણે ધાર્યું હોત તો  નોકરીની સાથે કોમળ છોકરી શોધીને આરામથી વિવાહજીવન ભોગવ્યું હોત. પણ ના. શોષિતજનોની વેદનાથી ખળભળી ઉઠેલા આ યુવાનને એવી રેશમી જિંદગી મંજૂર નહોતી. એટલે આજીવન કુંવારા રહીને સદીઓથી શોષણ અને અત્યાચારનો સંતાપ સહન કરી રહેલા લોકોના જાગરણ કાજે એનું આયખું સમર્પિત કરી દીધું. પ્રો. કાતિરા સાહેબની સામાજિક નિસ્બત અને બાબાસાહેબ ડૉ. આંબડેકર પ્રત્યેની ભાવનાનાં મૂળિયા ઊંડેઊંડે ઉતરતા જતા હતા. કોડીનાર અને ઉના પંથકમાં તેમની સ્વીકૃતિ સ્થાપિત થઈ ચુકી હતી. તેમણે કોડિનાર તાલુકાનાં અન્ય સરકારી કર્મચારીઓ અને શિક્ષિત નવયુવાનોને સંગઠિત કરવામાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે સંગઠન શક્તિનાં માધ્યમથી કોડીનાર તાલુકામાં સૌપ્રથમ વાર 27 ફેબ્રુઆરી, 2003ના રોજ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. તેમાં ધર્મબંધુ પાગલબાબાની હાજરી હતી. ત્યાર પછી 22 ફેબ્રુઆરી, 2004માં સમુહ લગ્નનું આયોજન કર્યું હતું. તે દરમિયાન કોડીનાર પંથકમાં લોકજાગૃતિનું અભિયાન  જોર પકડવા લાગ્યું હતું. જેમાં તેઓ દિવસે નોકરી અને નોકરી સિવાયનાં સમયમાં ગામડે-ગામડે ફરીને ડૉ. બાબાસાહેબ આંબેડકર અને બહુજન મહાપુરૂષોનાં સંઘર્ષ અંગે પ્રબોધનકાર્યો કર્યા હતા.

તેમણે કોડીનાર પંથકના લોકોમાં આંબેડકરી વિચારધારાના બીજ વાવીને તેમને બૌદ્ધ વિધિથી લગ્ન કરવા માટેની સમજણ વિકસાવી હતી. તેથી 20 ફેબ્રુઆરી, 2005નાં રોજ બ્રાહ્ણણ દ્વારા શાસ્ત્રોક્ત વિધીને તિલાંજલી આપીને બૌદ્ધ વિધીથી સમૂહ લગ્ન આયોજિત કર્યા હતા. જે તે સમયે આંબેડકરવાદી વિચારધારા વ્યાપક રીતે પ્રચારિત નહોતી થઈ, તેમજ સોશિયલ મીડિયા જેવા સૂચના પ્રસારિત કરનારા માધ્યમો વિના પણ તેમણે રાતદિવસ મહેનત કરીને લોકોમાં આંબેડકરી ચેતના પ્રગટાવી હતી. કોઈના ખેતરમાં પરસેવો પાડીને રોજનું કમાઈને રોજ ખાનારા શોષિતો અને યુવાન શિક્ષિતોમાં સામાજિક સંગઠનની ચેતના પ્રગાઢ બની. સદીઓથી શાસ્ત્રોક્ત ષડયંત્રનો ભોગ બનેલા સમાજમાં સંગઠનની ભાવના પ્રબળ બની અને સમાજ સંગઠિત થતો હતો. તેમાં કોડીનાર તાલુકાનાં સ્વાર્થી અને મહત્વાકાંક્ષી નેતાઓ પ્રભાવી નેતાઓના વહાલા થવા માટે અડચણરૂપ પણ બનતા હતા. પંથકના કદાવર રાજકીય આખલાઓને કાતિરા સાહેબની પ્રવૃત્તિ કણાની જેમ ખૂંચતી હતી. પ્રોફેસર કાતિરા સાહેબના નેતૃત્વમાં દર વર્ષે બૌદ્ધ સમૂહલગ્ન થતા હતા. સમાજનાં લોકોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે વિદ્યાર્થિઓનાં સન્માન સમારોહ આયોજિત થતા હતા. તેને નામ આપવામાં આવ્યું હતું, એકલવ્ય વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ. તેમાં રાજ્ય અને દેશભરમાંથી શિક્ષણ અને રાજકારણમાં સિમાચિહ્નરૂપ પદ હાંસલ કર્યુ હોય તેવા મહાનુભવોને સમારોહમાં બોલાવીને શિક્ષણ કેન્દ્રી પ્રબોધન થતા હતા.

આ પણ વાંચોઃ વાયકોમ સત્યાગ્રહઃ મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેની લડત

બાબાસાહેબ આંબેડકરની મૂવમેન્ટને ધબકતી રાખવા માટે એણે પ્રોફેસર તરીકે મળતા તગડા પગારમાંથી એક મોટો ભાગ ત્યાગી દીધો હતો. એટલુ જ નહિં, એની જમીનમા થતા પાકો લણીને મળતા પૈસા હોમીને સમાજિક આંદોલનની જ્યોત પ્રજ્વલીત  રાખી હતી. તેણે ગીર પંથકના શિક્ષિતો અને મજૂરોને સામાજિક નિસબતના પાઠ ભણાવીનને એનામાં આંબેડકરવાદની ધારા વહેતી કરી હતી.

'દલિત જાગરણ યુવા સંગઠન’ ના માધ્યમથી તેણે કોડીનારના શિક્ષિત યુવાનો, મજૂરો અને વડીલોને સાથે રાખીને, ‘બૌદ્ધ વિધિથી સમૂહ લગ્નો’ યોજ્યાં હતા. તેણે ‘એકલવ્ય વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ’ના માધ્યમથી સમાજને એકઠો કરીને આંબેડકરવાદી વિચારધારાના પ્રબોધનો કર્યા હતા. તેમણે ગીરકાંઠાની ધરતીના ગામડાંઓ ખૂંદીને બાબાસાહેબની વિચારધારાની આહલેક જગાવી હતી. ત્યાર બાદ વર્ષ 2008માં તેમને કેન્સર ડિટેક્ટ થતાં તેમની સારવાર રાજકોટ મુકામે થતી હતી. અંતે, 26 એપ્રિલ, 2009ના રોજ તેમની ભીતર સળગતી ક્રાંતિની મશાલ શાંત થઈ ગઈ હતી. તેમનાં મૃત્યુના સમાચાર થોડી જ વારમાં પંથકમાં ફેલાઈ ગયા અને હજારો લોકો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા. રડતા અને ધ્રુજતા શોષિત પીડિતજનના આ પ્રતિબદ્ધ અને પરગજુ યુવાનનાં મૃત્યુના સમાચાર સાંભળવા કંઈ સહેલા નહોતા. તે દિવસે ગીરસોમનાથ પંથકનાં દલિતોએ પોતાનો દિકરો, ભાઈ અને બાપ ગુમાવ્યો હતો. તેણે તેની સામાજિક નિસ્બત અને પ્રતિબદ્ધતા થકી સમાજ જીવનમાં બાજી ગયેલા કુરીવાજોના જાળાની જડતાને શિથિલ કર્યા હતાં. આજે તો નરી ભાષણબાજી અને ફંડીગબાજી કરીને સમાજને ગેરમાર્ગે દોરનારાઓની ભરમાર દેખાઈ રહી છે એવામાં પ્રો. કાતિરા સાહેબ જેવા કર્મશીલની તાકીદે જરૂર છે.

-મયૂર વાઢેર (લેખક અંગ્રેજીના શિક્ષક અને ફૂલે-આંબેડકરી સાહિત્યના અભ્યાસુ છે.) 

આગળ વાંચોઃ ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.