વાયકોમ સત્યાગ્રહઃ મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેની લડત

વાયકોમ સત્યાગ્રહ શિવ મંદિરમાં પ્રવેશનો નહીં પરંતુ એ મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેનો ભારતના દલિતોનો પહેલો સત્યાગ્રહ હતો. વાંચો ચંદુ મહેરિયાનો આ લેખ.

વાયકોમ સત્યાગ્રહઃ મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેની લડત

ચંદુ મહેરિયા
સો વરસ પૂર્વેનો ત્રીસમી માર્ચ ૧૯૨૪નો એ દિવસ. તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીના ત્રાવણકોર રજવાડાનું અને હાલના કેરળ રાજ્યના કોટ્ટાયમ જિલ્લાનું વાયકોમ ગામ. ખાદીના વસ્ત્રો પહેરેલા અને ગળામાં માળા ધારણ કરેલા ત્રણ સત્યાગ્રહી યુવાનો અને તેમની પાછળ સેંકડોની ભીડ સવારસવારમાં વાયકોમના શિવ મંદિર તરફ જઈ રહી છે. જે ત્રણ યુવાનોએ સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું છે તેમાં કથિત સવર્ણ અને અવર્ણ બંને જ્ઞાતિના છે. તેમનો ઉદ્દેશ વાયકોમના શિવ મંદિર ચોફેરના રસ્તાઓ પરથી કહેવાતા શૂદ્રો અને અતિ શૂદ્રોને પસાર થવાની મનાઈ છે તેનો વિરોધ કરવાની છે. સત્યાગ્રહીઓ જેવા પ્રતિબંધની જાહેરાત કરતા નોટિસ બોર્ડ નજીક પહોંચ્યા કે તુરંત તેમને અટકાવવામાં આવ્યા. સેંકડોની ભીડ શાંત અને અહિંસક રીતે ત્યાં થોભી ગઈ.

ત્રણ સત્યાગ્રહીઓની પોલીસે ધરપકડ કરી. પરંતુ તેથી સત્યાગ્રહીઓ ડગ્યા નહીં. જ્યાં અટકાવ્યા હતા ત્યાં સત્યાગ્રહ છાવણી બનાવી બેઠા અને ઘણાં રેંટિયો કાંતવા લાગ્યા. આ સિલસિલો રોજેરોજ ચાલતો રહ્યો. છેક દસમી એપ્રિલ સુધી નવા ત્રણ ત્રણ સત્યાગ્રહીઓની પોલીસ ધરપકડ કરતી રહી. પોલીસ અટકાયત કરતી અટકી પણ નવા સત્યાગ્રહીઓ આવવાનું ન અટક્યું કે સત્યાગ્રહ ન અટક્યો. વાયકોમના શિવ મંદિરમાં પ્રવેશનો નહીં, મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેનો ભારતના દલિતોનો એ કદાચ પહેલો સત્યાગ્રહ હતો. જેનું  આ શતાબ્દી વરસ છે. ગાંધીજીના માર્ગે શાંત અને અહિંસક રીતે અવિરત છસો દિવસ, ( ૩૦ માર્ચ, ૧૯૨૪ થી ૨૩ નવેમ્બર, ૧૯૨૫)  સુધી ચાલેલો વાયકોમ સત્યાગ્રહ અંશત: સફળ  થયો હતો.

શિક્ષિત, સમૃધ્ધ અને પ્રગતિશીલ કેરળમાં રુઢિવાદ, સામંતવાદ અને ભયાવહ જ્ઞાતિભેદ જોઈને ઈ.સ. ૧૮૯૨ની કેરળ મુલાકાત પછી વિવેકાનંદે તેને પાગલખાનું કીધું હતું. વાયકોમ જેવા સેંકડો મંદિરોમાં દલિતોને પ્રવેશ તો નહોતો, મંદિરો નજીકના માર્ગો પરથી અન્ય ધર્મના લોકો કે જાનવરો પસાર થઈ શકતા હતા, માત્ર દલિતો જ પસાર થઈ શકતા નહોતા. આભડછેટ સ્પર્શની જ નહીં સંસર્ગની પણ હતી. એટલે દલિતોને અડવાથી જ નહીં જોવાથી પણ અભડાઈ જવાતું હતું. જો દલિતો મંદિરો નજીકના રસ્તા પરથી પસાર થાય તો ભગવાન અભડાઈ જતા હતા. 

ડો. પદ્મનાભ પલ્પૂએ મદ્રાસથી ડોકટરીનો અભ્યાસ કર્યો હતો. પછી તે વિદેશ જઈને પણ ભણ્યા. પરંતુ તે દલિત હોવાથી કદી કેરળમાં પ્રેકટિસ ન કરી શક્યા! અલુમુટી ચેન્નાર વાયકોમના એવા દલિત હતા જેમની પાસે મોટરકાર હતી અને રાજ્યના તે સૌથી મોટા કરદાતા હતા. પરંતુ જ્યારે વાયકોમના શિવ મંદિર પાસેથી પસાર થવાનું આવે ત્યારે તેમને દલિત હોવાના કારણે કારમાંથી ઉતરીને બીજા રસ્તે  ચાલતા આગળ વધવું પડતું. તેમનો બિનદલિત ડ્રાઈવર મંદિર પાસેના રસ્તેથી ગાડી લઈને જતો અને આગળ તેમની રાહ જોતો. આર્થિક સમૃધ્ધિ કે ઉજળા ધંધા છતાં વાયકોમના દલિતોને ક્રૂર એવી નાતજાતની વ્યવસ્થા સહેવી પડતી હતી. 

૧૯૨૪ના અભૂતપૂર્વ વાયકોમ સત્યાગ્રહ પહેલાં પણ દલિતોએ મંદિરના રસ્તેથી પસાર થવા માટે સંઘર્ષ કર્યા હતા. ૧૮૦૫માં ૨૦૦ દલિત યુવાનોએ સંગઠિત થઈ શિવ મંદિરના રસ્તે ચાલવાનો કાર્યક્રમ આપ્યો હતો. મંદિરમાં જતાં પહેલાં બાજુના તળાવમાં તે નહાવા ગયા ત્યારે જ રાજ્યના સાથથી બિનદલિતોએ તેમના પર હિંસક હુમલો કર્યો  જેમાં ઘણાં યુવાનોને મારી નાંખ્યા અને તેમની લાશો તળાવમાં ફેંકી દીધી હતી. વકીલ અને દલિત નેતા ટી.કે. માધવને ૧૯૧૭માં પોતાના અખબાર ‘દેશાભિમાની’ ના તંત્રીલેખમાં વાયકોમ મંદિરના દલિતો માટે પ્રતિબંધિત રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો. માત્ર લખીને ના અટકતા તેઓ પ્રતિબંધિત રસ્તે ચાલ્યા પણ હતા. ૧૯૨૧માં તેમણે આ મુદ્દે લોક આંદોલન કરવા ગાંધીજીની મુલાકાત લીધી અને સમર્થન માંગ્યું હતું. ૧૯૨૩ના કોંગ્રેસના કાકીનાડા અધિવેશનમાં કેરળ કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસે અસ્પૃશ્યતા વિરોધી વ્યાપક અભિયાન ચલાવવા અંગે પ્રસ્તાવ કર્યો હતો. ટી.કે.માધવન, કે.પી. કેશવ મેનન, કે. કેલપ્પન અને જોર્જ જોસેફની આગેવાનીમાં ૧૯૨૪ થી વાયકોમ સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો હતો. 

વાયકોમ સત્યાગ્રહના મુખ્ય સત્યાગ્રહી નેતાઓની ધરપકડ થતાં તમિલનાડુ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અને દ્રવિડ આંદોલનનો શક્તિશાળી અવાજ એવા રામાસામી નાયકર પેરિયારને બોલાવવામાં આવ્યા. ગાંધીજીનું સમર્થન અને પેરિયારની સક્રિયતાથી આંદોલનને વેગ માળ્યો. વાયકોમ સત્યાગ્રહ કોઈ સ્થાનિક મુદ્દો ન રહેતાં રાષ્ટ્રવ્યાપી બન્યો હતો. સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી અને પેરિયારના મતભેદો ઉભર્યા. ગાંધીજી માટે વાયકોમ હિંદુ સુધારાવાદી આંદોલન હતું. જ્યારે પેરિયાર માટે જ્ઞાતિ આધારિત આત્યાચારો સામેનો સંઘર્ષ હતો. આ સત્યાગ્રહમાં પેરિયારની બે વાર ધરપકડ થઈ અને ૧ માસ અને પછી ૬ માસની જેલની સજા થઈ હતી. તેઓ વાયકોમ વીર કે વાયકોમ નાયક તરીકે જાણીતા થયા હતા.  

સત્યાગ્રહીઓના પક્ષે છેક સુધી શાંતિ અને અહિંસા જાળવી રાખવામાં આવ્યાં. વીસ મહિના લાંબા સત્યાગ્રહ દરમિયાન જ્યારે પૂર આવ્યું તો કમરસમા પાણીમાં ઉભા રહીને સત્યાગ્રહ જારી રાખ્યો. શીતળાનો વાવર પણ વેઠ્યો. ગાંધીજી કથિત સવર્ણોના હ્રદયપલટામાં માનતા હતા. વાયકોમના ઘણા બિનદલિતો સત્યાગ્રહના સમર્થક હતા અને અન્યાયનો વિરોધ કરતા હતા. વાયકોમ સત્યાગ્રહના તરફદાર બિનદલિતોએ વાયકોમથી તિરુઅનંતપુરમ સુધી કૂચ કરી, પચીસ હજાર લોકોની સહીઓ સાથેનું આવેદનપત્ર મહારાણીને આપ્યું. મહારાણી દલિતોની વાજબી માંગ સાથે સહમત હોવા છતાં તે બિનદલિતોને નારાજ કરવા માંગતા નહોતા એટલે તેમણે પ્રસ્તાવ વિધાન પરિષદ સમક્ષ મુક્યો હતો. જ્યાં દલિતોના પક્ષે ૨૧ અને વિરોધમાં ૨૨ મતો પડ્યા. નવાઈની વાત એ હતી કે એક દલિતે દલિતોની માંગણીના વિરોધમાં મત આપ્યો હતો અને તે ડો. પલ્પૂના ભાઈ હતા! સત્યાગ્રહીઓને રંજાડવામાં વિરોધીઓએ કંઈ બાકી રાખ્યું નહોતું તો ય તેઓ અડગ રહ્યા. જેમ પેરિયાર, નારાયણ ગુરુ, તેમ સી. રાજગોપાલાચારી પણ સત્યાગ્રહીઓના સમર્થનમાં હતા. 

માર્ચ ૧૯૨૫માં ગાંધીજી વાયકોમ આવ્યા અને તેમણે મહારાણી તથા સત્યાગ્રહીઓના વિરોધીઓની મુલાકાતો કરી. અંતે ચાર પૈકીના ત્રણ રસ્તા બધાને માટે ખૂલ્લા કરવા અને મંદિરનો પૂર્વનો માર્ગ કથિત ઉચ્ચ વર્ણ અને રાજપરિવાર માટે આરક્ષિત રાખવો તેવી સમજૂતી થઈ. તેનો અમલ કરવામાં પણ ઘણો સમય લાગ્યો. પેરિયાર અને અન્યોને ગાંધીજીનું આ સમાધાન મંજૂર નહોતું. નવેમ્બર ૧૯૨૫માં વીસ મહિના બાદ વાયકોમના ત્રણ માર્ગો દલિતો માટે ખૂલ્યા પરંતુ મંદિરમાં તેમનો પ્રવેશ તો બીજા સવા દાયકે ૧૯૩૬માં શક્ય બન્યો હતો. 

દલિતોનો હિંદુ મંદિરોમાં પ્રવેશનો પ્રશ્ન આજે વાયકોમ સત્યાગ્રહની શતાબ્દીએ પણ ઉભો છે. આજેય કેટલાક મંદિરોમાં દલિતો પ્રવેશી શકતા નથી. જાણીતા સમાજવિજ્ઞાની આઈ.પી.દેસાઈએ “અનટચેબિલીટી ઈન રુરલ ગુજરાત” સ્ટડીમાં ૧૯૭૧-૭૨માં ગુજરાતના ગામડાઓમાં મંદિર પ્રવેશમાં ૮૩ ટકા આભડછેટ પળાતી હોવાનું નોધ્યું છે. સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહના “એ સ્ટડી ઓફ અનટચેબિલીટી એન્ડ એટ્રોસિટી ઈન ગુજરાત” માં ૧૯૯૬માં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મંદિર પ્રવેશમાં આભડછેટનું  પ્રમાણ, પચીસ વરસે ૧૯ ટકા ઘટીને, ૬૪ ટકા થયાનું નોંધ્યું છે. જોકે ૨૦૦૫ થી ૨૦૦૯ વચ્ચેનો એક અન્ય અભ્યાસ, “અન્ડરસ્ટેન્ડીંગ અનટચેબિલીટી” માં ગુજરાતના ગામડાઓના ૯૦.૮ ટકા મંદિરોમાં દલિતો પ્રત્યે આભડછેટ રખાતી હોવાનું જણાવ્યું છે. એટલે વાયકોમ સત્યાગ્રહની સ્મૃતિસદી દલિતોના મંદિર પ્રવેશમાં વ્યાપક અસ્પૃશ્યતા અને તે નિવારવાના પાંખા પ્રયાસોની કટુ યાદની પણ છે.
maheriyachandu@gmail.com 

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન ઈતિહાસના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આગળ વાંચોઃ જલિયાંવાલા કાંડની વરસીએ સ્મરણ નાનક સિંહ અને ઉધમ સિંહનું

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Parmar prafulbhai
    Parmar prafulbhai
    Very nice news
    7 months ago
  • Gangarambhai Parmar
    Gangarambhai Parmar
    સમાજમાં જાગ્રુતિ લાવવા માટેની સચોટ અને અસરકારક પોસ્ટ છે
    7 months ago