આજે ભારતમાં હિન્દુઓ એક બાજુ દશેરાની ઉજવણી કરી રહ્યાં છે જે ભગવાન રામના રાવણ પર વિજયની યાદમાં ઉજવાય છે. બીજી તરફ ભારતમાં બૌદ્ધો આ દિવસને અશોક વિજયા દશમી તરીકે ઉજવે છે. ત્યારે એ જાણવું મહત્વપૂર્ણ છે કે ભારતમાં બૌદ્ધો માટે શા માટે આ દિવસ એક વિશિષ્ટ અને મહત્વપૂર્ણ છે.
‘અશોક વિજયાદશમી’ શબ્દ ઐતિહાસિક એ ઉત્સવ પરથી ઉતરી આવ્યો છે જે કલિંગ યુદ્ધમાં સમ્રાટ અશોકની જીતના દસ દિવસ પછી ઉજવાયો હતો. આ દિવસે, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના માર્ગ પર પ્રયાણ કર્યું હતું, જે તેમના જીવનમાં પરિવર્તનશીલ ક્ષણ હતી. ભયાનક કલિંગ યુદ્ધ પછી તેમણે હિંસા છોડી દીધી અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને અપનાવ્યા હતા.
આ દસ-દિવસીય ઉત્સવમાં દસમા દિવસની મુખ્ય ક્ષણનો સમાવેશ થાય છે જ્યારે સમ્રાટ અશોક તેમના શાહી પરિવાર સાથે, આદરણીય બૌદ્ધ સાધુ ભંતે મોગ્ગીલીપુટ્ટ તિસ્ય પાસેથી ધમ્મ ઉપદેશો પ્રાપ્ત કરે છે. આ ધમ્મ દીક્ષા પછી અશોકે બળ અથવા શસ્ત્રો દ્વારા નહીં પરંતુ શાંતિ અને અહિંસા દ્વારા તેમની પ્રજાના હૃદય જીતવાની પ્રતિજ્ઞા લીધી હતી.
બૌદ્ધ ધર્મના પ્રસાર માટેની તેમની પ્રતિબદ્ધતામાં, અશોકે નોંધપાત્ર પ્રયાસો કર્યા, જેમાં હજારો સ્તૂપોનું નિર્માણ, શિલાલેખો અને ધમ્મ સ્તંભો ઉભા કરવા અને તેમની પુત્રી સંઘમિત્રા અને પુત્ર મહેન્દ્રને બૌદ્ધ ધર્મના પ્રસાર માટે બૌદ્ધ ભિક્ષુઓ તરીકે શ્રીલંકા મોકલવામાં આવ્યા. જ્યાં તેમણે 84,000 સ્તંભો ઉભા કર્યા. તેમણે તેમના સંસાધનોનું ધમ્મની સેવામાં રોકાણ કર્યું, જે દાન અને કલ્યાણ માટે તેમનું સમર્પણ દર્શાવે છે.
આ દિવસ દશેરા તરીકે ઓળખાય છે. સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવેલી ઘોષણાને તેમની શાહી સત્તા દ્વારા અધિકૃત કરવામાં આવી હતી અને તેમણે તેમના ક્ષેત્રના લોકોને અશોક વિજયાદશમીની ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જે બૌદ્ધ ધર્મના પ્રચારની સાથે તહેવારના સંબંધને પણ દર્શાવે છે.
દેશના દલિત વર્ગ માટે આ દિવસ બીજી પણ એક મહત્વની ઘટનાને લઈને મહત્વનો બની રહે છે. એ મુજબ 14 ઓક્ટોબર 1956ના રોજ અશોક વિજયાદશમીના રોજ ડૉ. ભીમરાવ આંબેડકર અને તેમના 500,000 અનુયાયીઓ તેમની હિંદુ ઓળખનો ત્યાગ કરવા અને બૌદ્ધ ધર્મ અપનાવવા માટે નાગપુરની દીક્ષાભૂમિ ખાતે એકઠા થયા હતા. આ ઐતિહાસિક દિવસને દર વર્ષે "ધમ્મ ચક્ર પરિવર્તન દિવસ" તરીકે પણ ઉજવવામાં આવે છે.
અશોક ધ ગ્રેટ: પ્રેમ અને કરૂણાનું પ્રતિક
ભારતના ઈતિહાસમાં ભારતીય ઉપખંડ પર શાસન કરનારા ઘણા શાસકો રહ્યા છે. બ્રિટિશ કાળ પહેલાં ભારતમાં રાજવંશીય શાસકોએ વિવિધ પ્રદેશો પર શાસન કર્યું. આમાંના મોટાભાગના શાસકો લાંબા ગાળાની અસરો પેદા કરવામાં નિષ્ફળ ગયા હતા. જો કે, અશોક ધ ગ્રેટ, જેમણે પ્રાચીન ભારત પર શાસન કર્યું હતું, તે ભારતીય ઇતિહાસમાં સૌથી મોટા સામ્રાજ્યની અધ્યક્ષતામાં અનન્ય છે. તેમનું સામ્રાજ્ય પશ્ચિમમાં હાલના અફઘાનિસ્તાનથી પૂર્વમાં હાલના બાંગ્લાદેશ સુધી વિસ્તરેલું હતું.
અશોકનો જન્મ ઈ.સ. પૂર્વે 304માં બીજા મૌર્ય શાસક બિંદુસારને થયો હતો. ઈ.સ. પૂર્વે 268માં અશોક ત્રીજા મૌર્ય શાસક બન્યા હતા. અશોક ધ ગ્રેટ એક અજય સાશક હતા અને તેમના વિજય રથને રોકનાર કોઈ નહોતું. જો કે, કલિંગ યુદ્ધ, જે તેમણે જીત્યું હતું, તે તેમના જીવન અને સમકાલીન ભારતની દિશા બદલવામાં નિર્ણાયક ભૂમિકા ભજવવાનું હતું.
આ યુદ્ધ અશોકની આગેવાની હેઠળના મૌર્ય સામ્રાજ્ય અને આધુનિક ભારતના પૂર્વ ભાગમાં (હાલના ઓડિશા પ્રદેશમાં) સ્થિત કલિંગના સ્વતંત્ર રાજ્ય વચ્ચે લડવામાં આવ્યું હતું. કલિંગ પ્રદેશ તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને વેપાર માટે જાણીતો હતો, અને વિસ્તરતા મૌર્ય સામ્રાજ્ય માટે પ્રચંડ પ્રતિસ્પર્ધી સાબિત થઈ રહ્યો હતો. પરિણામે, મૌર્ય સામ્રાજ્ય અને કલિંગ સામ્રાજ્ય વચ્ચે યુદ્ધ થયું હતું.
યુદ્ધમાં, અશોકની ‘અજેય’ સેનાએ કલિંગના સૈન્યને અત્યંત ખરાબ રીતે હરાવ્યું હતું. પણ કલિંગ યુદ્ધ અત્યંત ક્રૂર હતું અને બંને પક્ષે જાનમાલનું ભારે નુકસાન થયું હતું. અશોક અપાર વેદના, માનવ જીવનની ખોટ અને સંઘર્ષને કારણે થયેલા વિનાશથી ખૂબ જ દુખી થયા. તેમને લાગ્યું કે તેણે મેળવેલો વિજય અર્થહીન અને નિરાશાજનક છે.
યુદ્ધની ભયાનકતા અને તેનાથી પેદા થયેલી વેદાન જોઈને અશોકના હૃદયમાં ભારે પરિવર્તન આવ્યું. તેમણે કલિંગ પર કરેલા આક્રમણ બદલ પસ્તાવો અને અપરાધની લાગણી અનુભવી અને યુદ્ધની માનવીય અને નૈતિક કિંમતથી તેઓ ઊંડે સુધી પ્રભાવિત થયા. પરિણામે તેઓ બૌદ્ધ ધર્મ તરફ વળ્યા અને તેના અહિંસા અને કરુણાના સિદ્ધાંતો અપનાવ્યા.
વિશ્વભરમાં બૌદ્ધ ધર્મ ફેલાવવામાં અશોક ધ ગ્રેટનું મોટું યોગદાન
બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યા પછી અશોકે પોતાના શાસનના માર્ગદર્શક દર્શનના રૂપમાં બૌદ્ધ સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી. તેમણે પોતાના નૈતિક શાસન, અહિંસા અને સમાજ કલ્યાણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાના પ્રસાર માટે સમગ્ર સામ્રાજ્યમાં શિલાલેખો સ્થાપિત કરાવ્યા.
અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર ધર્મ તરીકે નહીં પરંતુ જીવનમાં પરિવર્તન લાવવાની કળા તરીકે કર્યો હતો. શિલાલેખો બિનજરૂરી ધાર્મિક વિધિઓને સમર્થન આપતા નથી. જૂનાગઢ અને નાસિકની ગુફાઓ, પાલી અને પ્રાકૃત શિલાલેખો સાબિત કરે છે કે તે સમયે લોકોમાં કોઈ દુશ્મનાવટ નહોતી, વેરની ભાવના નહોતી, ભાઈચારો હતો અને અનૈતિકતા પ્રવર્તતી નહોતી અને આપણે જીવનમાં આ જ ઈચ્છીએ છીએ. તેમણે શાંતિનો સંદેશ ફેલાવવા અને વિશ્વભરના શાસકો માટે માર્ગદર્શક તરીકે સેવા આપવા ઈરાન અને ઈરાક જેવા દૂર-દૂરના સ્થળોએ શિલાલેખો અને સ્તૂપો સ્થાપિત કર્યા. આ શિલાલેખ અશોકની દૂરંદેશીનો પુરાવો છે કારણ કે આ શિલાલેખો કાળની થપાટથી આજ સુધી બચી શક્યા છે અને તે 1 લાખ વર્ષ કરતા વધુ સમય સુધી સુરક્ષિત રહેવાની ક્ષમતા છે.