રૂપાલમાં 'ઢોળાયું તોય ઘી' ના ન્યાયે કાદવીયું ઘી એકઠું કરતો વાલ્મિકી સમાજ

દર વર્ષની માફક વરદાયીની માતાની પલ્લીમાં આશરે 25 કરોડની કિંમતનું શુદ્ધ ધી રસ્તા ઉપર ઢોળી નાખવામાં આવશે; શું આ આઘાતજનક નથી?

રૂપાલમાં 'ઢોળાયું તોય ઘી' ના ન્યાયે કાદવીયું ઘી એકઠું કરતો વાલ્મિકી સમાજ
image credit - Google images

રૂપાલ ગામ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી માંડ 18 કિમી દૂર આવેલું છે. આ ગામમાં સૌથી સુંદર કોઈ મકાન હોય તો તે વરદાયિની માતાનું મંદિર છે. જેના શ્રદ્ધાળુઓ દેશભરમાં ફેલાયેલા છે. ગામમાં આજે 2024ની સાલમાં પણ રસ્તાઓ ધુળિયા છે અને મકાનો કાચા-પાકા છે. 18 કોમની વસ્તી ધરાવતા આ ગામમાં નવરાત્રી દરમિયાન અચાનક રોનક આવી જાય છે.

ગામની એક પ્રથા છે કે નવરાત્રીના નવમા નોરતે રાત્રે મંદિરની બહાર અને ગામમાં ફરતી એક લાકડાની પલ્લી પર જ્યોત સળગાવી તે દિવસે જ લોકોએ આપેલું શુદ્ધ ઘી તેના પર ઢોળવામાં આવે છે. શ્રદ્ધા મહત્વની છે પરંતુ શ્રદ્ધાના નામે લોકો તે પલ્લી પર લાખો કિલો ઘી ચડાવે છે. એ ઘીની કિંમતની ગણતરી કરવામાં આવે તો ભૂતકાળમાં એક જ દિવસમાં 20 કરોડ રૂપિયાનું શુદ્ધ ઘી ઢોળી દેવામાં આવ્યું હતું.

હમણાં જ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ બહાર પડ્યો, જેમાં ભારત બાંગ્લાદેશ, પાકિસ્તાન કરતા પણ નીચે 111માં ક્રમે સ્થાને રહ્યું છે તે આપણી નાલેશી જ કહેવાય. તેના પરથી ખ્યાલ આવે છે કે ભારતમાં ભૂખમરો વધ્યો છે.

કોરોના બાદ ભૂખમરો અને બેરોજગારી વધ્યાં છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં એકમાત્ર રૂપાલ ગામમાં શુદ્ધ ઘી ઢોળી દેવાની પરંપરા સતત ચાલતી આવતી હોઈ વર્ષ 1991માં લંકેશ ચક્રવર્તીએ પલ્લી પરિવર્તન અભિયાન શરૂ કરેલ. તેઓ છેલ્લાં 32 વર્ષથી આ શુદ્ધ ઘી ઢોળી દેવાને બદલે સાચવીને લોક કલ્યાણમાં વાપરવા કે મંદિરમાં દાન કરી દેવા માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યાં છે. આ સિવાય પણ અનેક જાગૃત લોકો તેમની સાથે જોડાયા છે.

એક સમાચાર પત્રનો ગઈકાલનો રિપોર્ટ કહે છે ભારત ભૂખમરાનું શિકાર બન્યાનો રિપોર્ટ આવ્યાના 10 જ દિવસ બાદ રૂપાલમાં રૂ. 25 લાખનું શુદ્ધ ઘી ઢોળવામાં આવી રહ્યું છે. સરકાર કે જવાબદાર નાગરિકોને શ્રદ્ધાની આડમાં થતો આ બગાડ કેમ દેખાતો નથી? કેમ તેઓ ઘીનો વેડફાટ થતો અટકાવતા નથી? ટ્રસ્ટીઓ આ શુદ્ધ ઘી ઢોળી દેવાનું અટકે તેવી વાતો કરે છે ત્યારે આ બાબતે ઘટતું કરવામાં આવે તે જરૂરી છે. જે રાષ્ટ્રીય સંપત્તિ અને પૌષ્ટિક શુદ્ઘ ઘી ઢોળી દેવાની પ્રથા દેવીના નામે કરતા હોય તો તે મંદિરનું પણ ખરાબ લાગે છે, કારણ કે દુનિયાની કોઈ દેવી દેવતાનો પ્રસાદ ઢોળી કે ફેંડીને બગાડ કરાતો નથી. આ પહેલું એવું ઉદાહરણ છે જેમાં પાછાં સ્થાનિકો તેનું અભિમાન કે ગર્વ લે છે.

પરંપરાના નામે શુદ્ધ ઘી ઢોળાયાના આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2018માં 3 લાખ કિલો, 2019માં 50 લાખ કિલો, 2020માં 4 લાખ કિલો, 2021માં 0 અને 2022માં 5 લાખ કિલો શુદ્ધ ઘી રસ્તા પર ઢોળવામાં આવ્યાનું  મીડિયા અહેવાલો પરથી સમજાય છે.

કોરોનામાં આ પરંપરા બંધ રહી હતી છતાં દેવી કોપાયમાન નહોતા થયા. કારણ કે, આ માતાજીનો આદેશ છે જ નહીં. માતા તો હંમેશા તેના બાળકોને પ્રસાદ ખાવાનું કહે, તેને કિચડ બનાવવાનું નહીં. જે વ્યક્તિ પોતાના ઘરે 500 ગ્રામ શુદ્ધ ઘી ઢોળાઈ જાય તો પણ મારઝૂડ કરવા પર ઉતરી આવે તે વ્યક્તિ સમૂહમાં 5 લાખ કિલો શુદ્ધ ઘી જાહેરમાં ઢોળે છતાં તેના હાથ કે હૃદય ન દ્રવે તેમના વિશે શું કહેવું?

જે શાસ્ત્ર કે પરંપરાની વાત કરવામાં આવે છે તેવી હકીકત પુરાવારૂપે ક્યાંય જોવા મળતી નથી. પાંડવોએ શુદ્ધ ઘી ઢોળ્યું હોય તેવું ક્યાંય જાણવા મળતું નથી. લોકો સોનાની પલ્લી બનાવી હોવાનું કહે છે પણ તેના પુરાવા આપી શક્યાં નથી. રાજા સિદ્ધરાજ જયસિંહે શુદ્ધ ઘી ઢોળ્યું હોય તેવા પણ કોઈ પુરાવા નથી. આમ પરંપરાના નામે આ પ્રથાને જીવંત રાખવાના પ્રયાસો કરનારા આવી વાતો ફેલાવતા રહે છે, જેને શ્રદ્ધાળુઓ સાચી માની લે છે.

જો પરંપરા મુજબ વાલ્મિકી સમાજને જ આ ઢોળાયેલું, કાદવ-કીચડવાળું ઘી લઈ જવાની-ખાવાની છુટ હોય તો એ પગ નીચે રગદોળાયેલું ઘી શ્રદ્ધાળુઓ જાતે ભેગું કરીને તેમને કેમ આપતા નથી? તેઓ પોતે કેમ પ્રસાદ સમજીને એ બગડેલું ઘી ઘેર નથી લઈ જતા? પ્રસાદ તો આમેય અઢારેય કોમો માટે સરખો જ કહેવાય, તો આ ભેદભાવ કેમ?

હકીકતે રૂપાલના લોકો દ્વારા સ્થાનિક વાલ્મિકી સમાજના લોકોને પરંપરાના નામે આ કાદવ ઉપાડવાની ફરજ પાડવામાં આવી છે. જે માથે મેલાં જેવી કાયદેસર પ્રતિબંધિત ધૃણાસ્પદ બાબત ગણી શકાય. શુદ્ધ ઘી ઢોળી દેવું  તે માણસાઈ નથી. તે શ્રદ્ધા કે માનતા હોઈ શકે નહીં પરંતુ અંધશ્રદ્ધા છે. જો આ વર્ષે 5 લાખ કિલો શુદ્ધ ઘી ઢોળવાને બદલે સીધું વાલ્મિકી સમાજના લોકોને આપવામાં આવે તો કેટલો ફાયદો થાય. આયુર્વેદમાં ચાર્વાર્ક ઋષિએ તો દેવું કરીને ઘી પીવાની વાત કરી છે. માટે આ ખોટી પરંપરાને બદલવાની જરૂર છે. પલ્લી પરિવર્તન એ સમયની માંગ છે.

આ પલ્લીની જ્યોત સાથે 1 વર્ષથી લઈને નાના બાળકોને નમાવવાની પણ એક પ્રથા છે. તેમાં લાખો લોકોની વચ્ચેથી જે બાળક 1 વર્ષથી નાનું હોય તેને બાવડેથી પકડીને સળગતી જ્યોત પાસે સ્પર્શ કરવા મોકલવામાં આવે છે. આ બાળક પરની ક્રુરતા લેખાવી જોઈએ. ઘણીવાર આવા બાળકો ખોવાઈ જાય છે અને માતાપિતાએ તેને શોધવા નીકળવું પડે છે. પલ્લી પર નમાવવાને બદલે બાળકને મંદિરમાં લઈ જઈને મૂર્તિ સામે નતમસ્તક કરાવવામાં આવે તે પલ્લી પરિવર્તનની માંગ છે.

હું વર્ષ 1995થી લંકેશ ચક્રવર્તીના આ પલ્લી પરિવર્તન અભિયાન સાથે સંકળાયેલો છું અને માનું છું  કે લોકોએ આંખ બંધ કરીને શ્રદ્ધા રાખવાને બદલે તર્ક કરી, સાચી સમજણ કેળવવાની જરૂર છે. અંધશ્રદ્ધામાં ખેંચાઈને શુદ્ધ ઘીનો બગાડ કરવાનું બંધ કરવું જોઈએ. તેના બદલે શુદ્ધ ઘીને બચાવી ટોકન શુદ્ધ ઘીનો અભિષેક કરીને બાકીનું ગામના વાલ્મિકી પરિવારોમાં વહેંચી દેવું જોઈએ, તો જ માતાની સાચી ભક્તિ કરી કહેવાશે.

એડવોકેટ પિયુષ જાદુગર (લેખક વર્ષોથી અંધશ્રદ્ધા નિર્મૂલનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે)

આ પણ વાંચો: લંકેશ ચક્રવર્તીનું 'પલ્લી પરિવર્તન અભિયાન' શું છે?

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.