નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાતના હજારો કર્મચારીઓ આંદોલન કરશે
ગુજરાતમાં સરકારી કર્મચારીઓ વર્ષોની પડતર માંગોને લઈને સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. રાજ્ય કર્મચારી મહામંડળે પીએમ મોદીના જન્મદિવસે મોટા આંદોલનની જાહેરાત કરી છે.
એકબાજુ વડાપ્રધાન મોદીના ભાજપના સદસ્યતા અભિયાનને વેગ આપવા માટે પોતાના જન્મદિવસે ગુજરાત આવી રહ્યાં છે. બીજી તરફ વર્ષોની પડતર માંગણીઓને લઈને ભાવિ શિક્ષકોથી લઈને સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે અને કોઈપણ ભોગે પોતાના હકો મેળવવા તત્પર બન્યાં છે. હવે નવી માહિતી મુજબ પીએમ મોદીના જન્મદિવસના રંગમાં ભંગ પાડવા માટે રાજ્યમાં સરકારી કર્મચારીઓ આંદોલન કરે તેવા એંધાણ છે. રાજ્ય કર્મચારી મહામંડળે એલાન કર્યું છે કે ૧૭મી સપ્ટેમ્બરે પેન ડાઉન અને શટ ડાઉન કાર્યક્રમ દ્વારા સરકારી કામગીરીનો બહિષ્કાર કરાશે. એટલું જ નહીં, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પણ આવતા મહિને રાજ્યના દરેક ઝોનમાં સરકારી કર્મચારીઓ વિરોધ નોંધાવશે.
રાજ્યનાં કર્મચારીઓની માંગ છે કે ૨૪ હજાર શિક્ષકો અને બીજા કર્મચારીઓ સહિત કુલ ૬૦ હજારથી વધુ કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમ અંતર્ગત પેન્શન ફાળવવામાં આવે. સરકારે બે વર્ષ અગાઉ જૂની પેન્શન યોજના હેઠળ પેન્શન આપશે તેવી જાહેરાત કરી હતી પણ તેમાં હજુ કશું થયું નથી. કર્મચારીઓ માંગણી છે કે સમાધાન મુજબ નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેમજ વૈકલ્પિક ફોર્મ ભરાવવામાં આવે.
આ પણ વાંચો: અમે આતંકવાદી નથી, સરકાર અમારી વાત સાંભળે...
જ્યારે યોજનાનું એલાન કરવામાં આવ્યું ત્યારે જે તે સમયે તત્કાલિન પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, કનુ દેસાઈ, બ્રિજેશ મેરજા સાથેની વિસ્તૃત બેઠક બાદ જ નિર્ણય લેવાયો હતો. એવું પણ નક્કી કરાયું હતું કે ૨૦૦૫ પહેલા જે શિક્ષક તથા કર્મચારીઓ નિમાયેલા હશે તેમનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ થશે.
અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેશ ભટ્ટે કહ્યું હતું કે, આ સરકારી કર્મચારીઓને લાભ નહીં મળવાનું કારણ એ છે કે જ્યારે તેઓ નોકરી પર લાગ્યા ત્યારે ફિક્સ પગારની નોકરી પર લાગ્યા હતા. ૫ વર્ષની નોકરી પૂરી થયા બાદ તેમને પૂરા પગારમાં લેવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ જ્યારે નોકરી પર લાગ્યા ત્યારે નવી પેન્શન યોજના અમલમાં હતી, પૂરા પગારની નોકરીમાં એ આવ્યા કે તરત જ નવી પેન્શન યોજના હેઠળ આવરી લેવાયા હતા. ૧ એપ્રિલ, ૨૦૦૫ પહેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના હેઠળ સમાવવાની જાહેરાત કરી પરંતુ આજ દિન સુધી તેનું અમલીકરણ કરાયું નથી.
સંઘનું કહેવું છે કે, કોઈ ફાઈલની જરૂર નથી આ બધું સમય પસાર કરવા માટે કરવામાં આવે છે. ૩૦ હજાર જેટલા પ્રાથમિક શિક્ષક, ૨૫ હજાર માધ્યમિક શિક્ષક, ૨૦૦૫ પહેલાં વારસાઇથી નોકરી મેળવનારા ૧ હજાર કર્મચારીઓ છે. આમ, ગુજરાતના ૬૦ થી ૬૫ હજાર એવા કર્મચારીઓ છે જે જૂની પેન્શન યોજનાના હકદાર છે. હવે તેઓ કોઈપણ ભોગે પોતાના હકો મેળવવા માંગે છે.
આ પણ વાંચો: જૂની પેન્શન યોજના મુદ્દે 16 મી ઓગસ્ટે ગાંધીનગરમાં શિક્ષકોનું આંદોલન