ગામના સમૂહ ભોજનમાં દલિત યુવાનને એંઠા વાસણમાં ભોજન પીરસ્યું

દલિત યુવકને એંઠા વાસણમાં ભોજન પીરસવામાં આવતા તેણે વિરોધ નોંધાવતા જાતિવાદી તત્વોએ તેને માર મારી, જાતિસૂચક ગાળો ભાંડી ભગાડી દીધો.

ગામના સમૂહ ભોજનમાં દલિત યુવાનને એંઠા વાસણમાં ભોજન પીરસ્યું
પ્રતિકાત્મક તસવીર

દલિતો સાથે ભેદભાવની વધુ એક ઘટના સામે આવી છે. મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીનો છે. અહીં ફૈઝાબાદના અઢુપુર ગામમાં યોજાયેલા સમૂહ ભોજન કાર્યક્રમમાં સ્થાનિક જાતિવાદી તત્વોએ દલિત સમાજના એક યુવકને એંઠા વાસણમાં ભોજન પીરસ્યું હતું. જેને લઈને દલિત સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દલિત યુવકે આ મામલે વિરોધ નોંધાવતા જાતિવાદી તત્વોએ તેને જાતિસૂચક ગાળો ભાંડી, મારામારી કરીને ભગાડી દીધો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની તપાસ શરૂ કરી દીધી છે.

જાતિવાદીઓએ એંઠી થાળીમાં ભોજન પીરસ્યું

આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે અઢુપુરમાં રહેતા રજનીશ કથેરિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પુત્ર સૌરભ 30મી ઓક્ટોબરની રાત્રે 8.30 વાગ્યે ગામના એક સમૂહ ભોજનમાં જમવા માટે ગયો હતો. એ દરમિયાન ગામના બદનસિંહ યાદવ, અવનીશ સિંહ યાદવ, જેકી યાદવ, ધીરેન્દ્ર યાદવ અને ત્રણ અજાણ્યા તેની સામે એંઠી થાળી રાખીને ભોજન પીરસ્યું હતું. જ્યારે સૌરભે આ મામલે વાંધો ઉઠાવ્યો તો આ લોકો મારામારી પર ઉતરી આવ્યા હતા અને જાતિસૂચક ગાળો ભાંડી તેને ત્યાંથી ભગાડી દીધો હતો.

જાતિવાદીઓએ ઘરે પહોંચીને મારામારી કરી

એ પછી આ તમામ લોકોએ સૌરભનો પીછો કર્યો હતો અને તેના ઘર સુધી પહોંચી ગયા હતા. જ્યાં સૌરભ, તેના પિતા રજનીશ કથેરિયા સહિતના લોકોને માર માર્યો હતો અને જાતિસૂચક ગાળો ભાંડી તોફાન મચાવ્યું હતું.

પોલીસે આ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ આરોપીઓ સામે મારામારી અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પીઆઈ રોહિતાશ સિંહનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવશે.

આ પણ વાંચો: એમણે કહ્યું કે ગામ જમે છે તો તમે પણ ‘કાયમ આવો છો એ રીતે’ જમવા આવજો. હવે કાયમની જેમ એટલે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.