અમે આતંકવાદી નથી, સરકાર અમારી વાત સાંભળે...

ટેટ-ટાટ શિક્ષકોની ભરતીનો મામલો હજુ ઉકેલાયો નથી ત્યાં રાજ્ય સરકાર સામે કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોએ આંદોલન શરૂ કર્યું છે.

અમે આતંકવાદી નથી, સરકાર અમારી વાત સાંભળે...
image credit - Google images

ગુજરાતમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આ આંદોલનને શાંત પાડવા સરકાર દ્વારા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતીની જાહેરાત કરાઇ છે. જો કે, આ પૂરતું ન હોવાથી રાજ્યના કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા અંગે આજે ગાંધીનગર ખાતે ઉમેદવારો એકઠા થયા હતા. જો કે, પોલીસ દ્વારા આ ઉમેદવારોની અટકાયત કરાઇ હતી. જેના કારણે નારાજ ઉમેદવારો દ્વારા સરકાર સામે બળાપો વ્યક્ત કરાયો હતો.  

રાજયમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા લાયકાત ધરાવતા ઉમેદવારો દ્વારા ભરતી માટે સરકાર સામે આંદોલન ચાલી રહ્યું છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોના આંદોલન બાદ સરકાર દ્વારા બે તબક્કામાં 24,700 જેટલી મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતી માટેની જાહેરાત કરાઇ છે. આ ટેટ-ટાટ પાસ ઉમેદવારોનું આંદોલન શાંત પાડવાનો પ્રયાસ થયો છે. ત્યાં રાજ્યના કોમ્પ્યુટર, ચિત્ર, વ્યાયામ શિક્ષક માટે પરીક્ષા પાસ કરી ચૂકેલ ઉમેદવારો દ્વારા ભરતી કરવાની માંગ આંદોલન શરૂ કરાયું છે.

ગુજરાતમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી કોમ્પ્યુટર,ચિત્ર અને વ્યાયામ વિષયના શિક્ષકોની ભરતી કરવા માટે ઉમેદવારો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ ઉમેદવારોની રજૂઆતોને તંત્ર દ્વારા કાને ધરવામાં આવતી નથી. આ ઉમેદવારો આજે ફરી એક વખત રાજયમાં કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે સરકારમાં રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા.

આ પણ વાંચો: શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ

જૂના સચિવાલય સામે એકઠા થયેલા ઉમેદવારો દ્વારા સરકાર સામે દેખાવો કરાયા હતા. આ સાથે રાજયમાં કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકોનો પણ સરકાર દ્વારા જાહેર કરાયેલી ભરતીમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગણી કરાઇ હતી.

આ ઉમેદવારો સચિવાલય તરફ આગળ વધે તે અગાઉ તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેના કારણે ઉમેદવારો ભારે નારાજ થયા હતા. સરકારમાં રજૂઆત કરવા જવા ન દેવામાં આવતા કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકના ઉમેદવારો ભારે નારાજ થયા હતા. તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શા માટે અમને સરકાર સમક્ષ રજૂઆત કરવા જવા દેવાતા નથી? અમે શું આતંકવાદીઓ છીએ? ‘શું હવે અમને રજૂઆત કરવાનો પણ અધિકાર નથી? કેમ અમારી વાતને ધ્યાને લેવામાં નથી આવતી? 

જ્યારે અન્ય એક ઉમેદવારે જણાવ્યું હતું કે, ‘અહીં આવીએ તો અંદર જવા નથી દેતા, આઈબી અમારી સાથે એવી રીતે ખરાબ રીતે વાત કરે છે કે, જાણે અમે કંઈ તોપ-ગોળા લઈને આવ્યા હોઈએ અને એમને મારી નાખવાના હોઈએ.’

ભરતી કરવાની માંગણી કરવા આવેલા શિક્ષકોએ જણાવ્યું હતું કે, ‘રૂષિકેશ પટેલે એવું જણાવ્યું હતું કે, જે પાઠ્યપુસ્તક હશે તેની જ અમે ભરતી કરશું, તો અમે આજે ધોરણ 9 થી 12 ના તેમના છાપેલા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે છાપેલા પુસ્તકો લઈને આવ્યા છીએ. અમારી માંગણી છે કે, આ વિષયના 1000 શિક્ષકોની ભરતી કરવા આવે અને એ પણ કાયમી શિક્ષક તરીકે.”

આ પણ વાંચો: Skill India પાછળ કરોડો ખર્ચ્યા બાદ પણ દેશમાં 83 ટકા યુવાનો બેરોજગાર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.