IIM લખનઉમાં જાતિવાદઃ 86 ટકા ફેકલ્ટી સવર્ણ, SC 2 ટકા, ST ઝીરો

IIM ઈન્દોર અને IIM ત્રિચી બાદ હવે IIM લખનઉનું જાતિવાદી ચરિત્ર સામે આવ્યું છે. વાંચો આ રિપોર્ટ.

IIM લખનઉમાં જાતિવાદઃ 86 ટકા ફેકલ્ટી સવર્ણ, SC 2 ટકા, ST ઝીરો
image credit - Google images

Racism IIM Lucknow: દેશની ઉચ્ચ સરકારી શિક્ષણ સંસ્થાઓમાં જાતિવાદનો સડો આમ તો સદીઓ જૂનો છે. પણ હવે દેશના દલિતો, આદિવાસીઓ અને ઓબીસી જેમ જાગૃત થતા જાય છે તેમ તેમ આ સડો જાહેરમાં આવવા લાગ્યો છે. વગર અનામતે સદીઓથી શિક્ષણ જગતમાં એકહથ્થુ સાશન ભોગવતા લોકો આ ફિલ્ડમાં દલિતો, આદિવાસીઓ, ઓબીસી ઘૂસી ન જાય તેની પુરી તકેદારી રાખે છે. એટલે જ સદીઓથી શિક્ષણ ક્ષેત્રમાં એક ચોક્કસ જાતિના જ લોકોનો દબદબો જોવા મળે છે.

થોડાં દિવસ પહેલા આઈઆઈએમ ઈન્દોર(IIM Indore) અને ત્રિચી(IIM Trichy)માં એસસી, એસટી, ઓબીસી ફેકલ્ટીઓનું પ્રતિનિધિત્વ કેટલું ઓછું છે તેનો એક રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં દલિત, આદિવાસી, ઓબીસી(SC, ST, OBC) પ્રોફેસરોની સમ ખાવા પુરતી જગ્યાઓ પણ માંડ માંડ ભરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે જનરલ ક્વોટાની મોટાભાગની સીટો સમયસર ભરવામાં આવતી હતી. આ સ્પષ્ટપણે જાતિવાદ છે અને આવું વધુ એક મોટું ષડયંત્ર આઈઆઈએમ લખનઉ(IIM Lucknow)માં પણ સામે આવ્યું છે.

IIM Lucknow માં 103 ફેકલ્ટી પોસ્ટમાંથી 86 ટકા જનરલ

ઓલ ઈન્ડિયા ઓબીસી સ્ટુડન્ટ્સ એસોસિએશન (AIOBCSA) ના રાષ્ટ્રીય અધ્યક્ષ કિરણ કુમાર ગૌડ(Kiran Kumar Goud) દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈ(RTI) અરજીમાં વિવિધ કેટેગરીમાં ફાળવવામાં આવેલી ફેકલ્ટી પોસ્ટ્સ અંગેના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. IIM Lucknow માં કુલ 103 ફેકલ્ટી પોસ્ટ્સ છે, જેમાંથી મોટા ભાગના જનરલ કેટેગરીના ઉમેદવારો દ્વારા ભરવામાં આવી છે. નીચેના આંકડાઓ પર નજર કરશો તો ખ્યાલ આવશે.

GENERAL - 88 (85.43%)
OBC - 3 (2.9%)
SC - 2 (1.9%)
ST - 0 (0%)
EWS - 0

આ આંકડાઓ સિવાય, સંસ્થામાં હજુ પણ OBC, SC ની એક એક, ST ની 2 અને જનરલની 6 જગ્યાઓ ખાલી પડી છે.

આ પણ વાંચો: IIT Campus Placement માં ભેદભાવનો ભય, કંપનીઓ માંગી રહી છે SC/ST/OBC વિદ્યાર્થીઓની જાતિની માહિતી

આ આંકડાઓ ચિંતાજનક છે. કેમ કે તેમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના લોકોનો માત્ર એક નાનો હિસ્સો ભરવામાં આવે છે, જેનાથી IIM લખનૌની વિવિધતા અને સમાવેશ માટેની પ્રતિબદ્ધતા વિશે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.

આરટીઆઈ કરનાર શું કહે છે?

આ આરટીઆઈ કરનાર એક્ટિવિસ્ટ કિરણ કુમાર ગૌડ જણાવે છે કે, “આઈઆઈટી અને આઈઆઈએમમાં ​વિવિધ જાતિના લોકોનું કેટલું પ્રતિનિધિત્વ છે, તેના વિશે મેં કરેલી આરટીઆઈમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. મોટાભાગની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં તીવ્ર જાતિવાદ પ્રવર્તે છે અને  વિવિધતા તથા સર્વસમાવેશકતાનો તીવ્ર અભાવ જોવા મળે છે, જે કોઈ કાળે ચલાવી લેવાય તેમ નથી."

કિરણ ગૌડે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "IITs અને IIMs માં SC, ST અને OBC સમુદાયોનું પ્રતિનિધિત્વ સુધારવું જોઈએ. જેથી બંધારણીય જોગવાઈઓનું પાલન થઈ શકે અને વિવિધતા તથા વધુ સમાવેશનને પ્રોત્સાહન મળી શકે."

10 આઈઆઈટી-આઈઆઈએમે આરટીઆઈનો જવાબ આપ્યો

કિરણ ગૌડે જણાવ્યું હતું કે, તેમને અત્યાર સુધીમાં 10 IIT અને IIMs તરફથી જવાબો મળ્યાં છે અને બાકીની સંસ્થાઓના જવાબની રાહ જોવાઈ રહી છે.

તેમણે કહ્યું, “અમે આ મુદ્દો પહેલેથી જ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન સમક્ષ ઉઠાવ્યો છે, જેઓ આ બાબતથી સારી રીતે વાકેફ છે. સરકારે આ સંસ્થાઓમાં વિવિધતા અને સમાવેશ વધારવા માટે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા જોઈએ. વિરોધ પક્ષોના નેતાઓએ પણ આ મુદ્દો સંસદમાં ઉઠાવવો જોઈએ. નહીંતર અમે આ અન્યાય સામે લોકશાહી ઢબે વિરોધ નોંધાવીશું."

બહુજન સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનોમાં આક્રોશ

આ આરટીઆઈમાં થયેલા ઘટસ્ફોટથી બહુજન સમાજના સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. તેઓ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ચાલતા જાતિવાદ અને સામાજિક ન્યાયના સિદ્ધાંતોના સ્પષ્ટ ઉલ્લંઘન પર ગુસ્સે ભરાયા છે.

આ પણ વાંચો:  શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ

બહુજન અધિકાર કાર્યકર્તા અનિલ વાગડે દલીલ કરે છે કે, ફેકલ્ટી હોદ્દા પર હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજોનું સતત ઓછું પ્રતિનિધિત્વ માત્ર બંધારણીય ગેરંટીનું જ ઉલ્લંઘન નથી કરતું પરંતુ આ ઐતિહાસિક રીતે વંચિત જૂથોની શૈક્ષણિક અપેક્ષાઓને પણ નબળી પાડે છે. OBC, SC અને ST કેટેગરીમાંથી ફેકલ્ટીની નિમણૂકમાં સ્પષ્ટ રીતે જાતિવાદ દેખાય છે. સરકાર જનરલ કેટેગરીની સીટો તો નિયમિત રીતે ભરે છે, પણ અનામત કેટેગરીની નિમણૂંકોમાં ભયંકર જાતિવાદ દાખવે છે અને તે આ આંકડાઓમાં દેખાઈ આવે છે. આ આરટીઆઈએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સદીઓથી જડ ઘાલી ગયેલા જાતિવાદને ફરીથી ઉજાગર કરી દીધો છે.

ચંદ્રશેખર આઝાદે પણ સવાલ ઉઠાવ્યો

નગીનાના સાંસદ અને ભીમ આર્મી(Bhim Army)ના વડા ચંદ્રશેખર આઝાદે(Chandrasekhar Azad) પણ વિવિધ આઈઆઈએમમાં અનામત ફેકલ્ટી પોસ્ટ્સ પર ભરતીમાં સતત આવતી અડચણોને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચંદ્રેશખરે આ આંકડાઓને વંચિત સમુદાયોના અધિકારોના હકો પર તરાપ મારવાનું કાવતરું ગણાવ્યું હતું. તેમણે સુપ્રીમ કોર્ટને આ ગેરબંધારણીય વર્ગીકરણમાં હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી.

ચંદ્રશેખર શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને આડે હાથ લીધાં

ચંદ્રશેખરે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન(Dharmendra Pradhan)ને પણ આડે હાથ લેતા કહ્યું કે, તેઓ સામાજિક ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરે તેવી અપેક્ષા નથી, પરંતુ તેમણે ભરતી પ્રક્રિયા દરમિયાન બંધારણ દ્વારા ફરજિયાત કરવામાં આવેલી અનામતનો આદર કરવો જોઈએ અને એ મુજબ ભરતી કરવી જોઈએ.

આ પણ વાંચો: દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.