‘કાળો’ કહીને ઉતારી પાડ્યા હતા તે દલિત શિક્ષક એજ વિભાગના અધ્યક્ષ બન્યાં

મોહિનીઅટ્ટમ માત્ર રૂપાળાં લોકો જ કરી શકે તેમ કહીને જે દલિત શિક્ષકનું અપમાન કરવામાં આવ્યું હતું, હવે તે શિક્ષકે આખા વિભાગના અધ્યક્ષ બનીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે.

‘કાળો’ કહીને ઉતારી પાડ્યા હતા તે દલિત શિક્ષક એજ વિભાગના અધ્યક્ષ બન્યાં

કેરળ કલામંડલમ યુનિવર્સિટીએ આરએલવી રામકૃષ્ણનને ભરતનાટ્યમના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિયુક્ત કર્યા છે. ભરતનાટ્યમ વિભાગમાં પુરુષ કલાકારની નિમણૂક કરવામાં આવી હોય તેવો આ પહેલો પ્રસંગ છે. રામકૃષ્ણન એક દલિત પરિવારમાંથી આવે છે. અગાઉ તેમની જાતિ, લિંગ અને રંગને કારણે આ પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રોફેસર તરીકે તક આપવામાં આવી નહોતી. આ નિમણૂક કલા જગતમાં એક ઐતિહાસિક પરિવર્તન દર્શાવે છે. ૯૦ વર્ષથી વધુ જૂની આ સંસ્થામાં તમિલનાડુના પ્રખ્યાત નૃત્યગુરુ રાજરત્નમ પિલ્લઈ અને એઆરઆર ભાસ્કર તેમના શરૂઆતના વર્ષોમાં અહીં કામ કરતા હતા. તે બંને અહીં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરતા હતા.

રામકૃષ્ણન ફિલ્મ અભિનેતા કલાભવન મણિના ભાઈ છે

રામકૃષ્ણન સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેતા કલાભવન મણિના ભાઈ છે. તેમની પાસે મોહિનીઅટ્ટમ અને ભરતનાટ્યમમાં બે એમએ ડિગ્રી છે. ઉલ્લેખનીય છે કે લિંગ અને જાતિના આધારે મોહિનીઅટ્ટમ કરવા બદલ તેમને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. રામકૃષ્ણને કહ્યું કે આ એક મોટી ક્ષણ છે. મારા ભાઈ કહેતા હતા કે આપણે દૃઢ નિશ્ચય સાથે આપણા લક્ષ્યાંકોનો પીછો કરવો જોઈએ અને કોઈપણ પ્રકારના પડકારોથી વિચલિત ન થવું જોઈએ. આ મહાન સંસ્થાના ઇતિહાસનો ભાગ બનવા બદલ હું ખૂબ જ ગર્વનો અનુભવ કરું છું.

પસંદગી સમિતિએ તેમને સૌથી યોગ્ય ઉમેદવાર માન્યા

યુનિવર્સિટીના કુલપતિ બી. અનંતકૃષ્ણને જણાવ્યું હતું કે જ્યારે તેમણે આ પદ માટે અરજીઓ મંગાવી હતી ત્યારે રામકૃષ્ણન અરજદારોમાંના એક હતા. પસંદગી સમિતિએ તેમને સૌથી યોગ્ય ઉમેદવાર માન્યા અને અમે તેમની નિમણૂક કરી છે. આ એક નવી શરૂઆત છે. રામકૃષ્ણન ૨૦૦૭ થી ૨૦૧૭ સુધી કલામંડલમમાં એમફિલ અને પીએચડી કરી રહ્યા હતા, તેમ છતાં તેમને ત્યાં મોહિનીઅટ્ટમ કરવાની તક મળી નહોતી. ગયા વર્ષે પણ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, કલામંડલમ સત્યભામા (જુનિયર) એ જાતિવાદી ટિપ્પણી કરી હતી કે રામકૃષ્ણન મોહિનીઅટ્ટમ ન કરી શકે કારણ કે તેમનો રંગ કાળો છે. તેમને ગયા માર્ચમાં જ કલામંડલમમાં સર્ફોમ કરવાની તક મળી હતી. કલામંડલમને અગાઉ મોહિનીઅટ્ટમમાં છોકરાઓને પ્રવેશ ન આપવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. હવે તેમણે ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ બનીને રંગભેદી, જાતિવાદી તત્વોની બોલતી બંધ કરી દીધી છે.

આ પણ વાંચો: 'ગાંડો', 'કાળો', 'કચરો', 'કાળી' જેવા અપમાનજનક નામો સામેની લડાઈ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.