બહુજન સંઘર્ષ મંચ સુરત દ્વારા વકીલો અને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

સુરત સ્થિત બહુજન સંઘર્ષ મંચ તેની અનોખી સમાજલક્ષી પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. કોઈ રાજકારણી પાસેથી રૂપિયો પણ ન સ્વીકારનાર આ સંગઠને એક સરસ કાર્યક્રમ કર્યો હતો.

બહુજન સંઘર્ષ મંચ સુરત દ્વારા વકીલો અને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
image credit - khabarantar.com

ડૉ. બાબાસાહેબ આંબેડકર અને માન્યવર કાંશીરામના પગલે ગુજરાતમાં પણ અનેક નાનામોટા સંગઠનો બહુજન સમાજ માટે રાતદિવસ જોયા વિના કામ કરી રહ્યાં છે. અંતરિયાળ ગામડાઓમાં જ્યાં હજુ જય ભીમનો નારો પણ માંડ માંડ પહોંચ્યો છે ત્યાં આવા સંગઠનોની ભૂમિકા વધારે અગત્યની બની જાય છે. માણસ ગમે તેટલું સારું કામ કરતો હોય પણ જો તેને તેના સમાજ કે પરિવાર તરફથી પ્રોત્સાહન ન મળે તો તેનો ઉત્સાહ અને ધગશમાં ચોક્કસ ઓટ આવતી હોય છે.

આવું ન થાય તે માટે બહુજન સંઘર્ષ મંચ સુરતની ટીમે હાલમાં જ બહુજન સમાજના નવનિયુક્ત વકીલો અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મંચના કાર્યકરો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને ન્યાય જગત સાથે જોડાયેલા લોકોએ ઉપસ્થિત રહી યુવા વકીલો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

ખરા અર્થમાં બહુજન સમાજનું સંગઠન

બહુજન સંઘર્ષ મંચ ખરા અર્થમાં બહુજન સમાજનું સંગઠન છે કેમ કે, તેમાં બહુજન સમાજમાં સામેલ દરેક સમુદાયના લોકો પ્રતિનિધિત્વ ધરાવે છે. તા. 9 જૂનના રોજ સુરતના સર્કીટ હાઉસ ખાતે બહુજન સંઘર્ષ મંચના સામાજિક કાર્યકર એડવોકેટ અરુણભાઈ જોગડીયા, એડવોકેટ શાંતિભાઈ નાગર, ભરતભાઈ જાદવ, પ્રવિણભાઈ કાતરિયા, ચેતનભાઈ પરમાર, મહેશ સોલંકી, મહેશ સોંદરવા, પ્રેમજીભાઈ નાગર, શ્ચેતાબેન પરમાર, પિંકીબેન કાતરિયા, શીલાબેન મારુ, હિંમતભાઈ નાગર, પ્રવિણભાઈ ખેતરિયા

આ પણ વાંચો: દલિત સાધુઓને મહામંડળેશ્વર જાહેર કરાશે તો સાધુઓનું સન્માન ઘટશે

તેમજ સંગઠનના અન્ય કાર્યકર્તાઓ દ્વારા 2024ના વર્ષમાં નવનિયુક્ત થયેલ વકીલો તેમજ ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના બહુજન સમાજના અલગ અલગ સામાજિક સંગઠનોના હોદેદારો તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

રાજકારણીઓને પાસેથી રૂપિયો પણ નહીં લેવાનો

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ નોટબુક, તેમની આગળની કારકિર્દીમાં ઉપયોગી થાય તેવું એક પુસ્તક, શિલ્ડ તેમજ ટ્રોફી પ્રોત્સાહનરુપે એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વકિલોને પણ શિલ્ડ તેમજ શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંગઠનની ખાસ બાબત એ છે કે તેના તમામ કાર્યકર્તાઓ સામાન્ય પરિવારમાંથી આવે છે.

આ પણ વાંચો: સમ્યક સમાજ દ્વારા 6 મહાનુભાવોનું કાંશીરામ કાર્ય એવોર્ડ આપીને સન્માન કરાયું

તેમના માથે પરિવારની જવાબદારીઓ છે, તેમ છતાં તેઓ પોતાના સામાન્ય પગારમાંથી બચત કરીને કોઈપણ મોટા માલેતુજારો, રાજકારણીઓની મદદ લીધાં વિના આ પ્રકારના કાર્યો સામાજિક જવાબદારી સમજીને કરતા રહે છે. મંચ માને છે કે, રાજકારણી જ્યાં પણ દાન આપે ત્યાં તેમનો સ્વાર્થ અચૂક હોય. તેમના કારણે સમાજને વ્યાપક નુકસાન થતું હોય છે. આથી નેતાઓ પાસેથી કદી પણ દાન સ્વીકારીને કાર્યક્રમ ન કરવો. જો કાર્યક્રમ કરવો હોય તો તેના માટે જરૂરી રકમ આપણે જ આપણી બચતમાંથી આપવી. આ ઉમદા નિર્ણયને કારણે સમાજની પ્રતિષ્ઠા વધી છે.

નિઃશુલ્ક ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાનું સપનું

બહુજન સંઘર્ષ મંચ સુરતનો હેતુ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં નિઃશુલ્ક ટ્યુશન ક્લાસિસ ખોલવાનો છે. જેથી બહુજન સમાજના આર્થિક રીતે અસક્ષમ વિદ્યાર્થીઓને હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહે અને પોતાનું ભવિષ્ય ઉજળું બનાવી શકે. આ સંગઠન બહુજન મહાનાયકો અને મહાનાયિકાઓની વિચારધારાનો સમાજમાં વ્યાપ વધે તે દિશામાં પણ સતત કાર્યરત છે. તેના માટે મંચના કાર્યકરો પોતપોતાની રીતે બચત કરીને ફંડ એકઠું કરી રહ્યાં છે.

આ પણ વાંચો: જ્યારે રેણુએ કહ્યું, ‘પદ્મશ્રી સન્માન હવે મારા માટે પાપશ્રી બની ગયું છે!’

બહુજન સંઘર્ષ મંચ સુરતના સક્રિય કાર્યકર ભરતભાઈ જાદવ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવે છે કે, "અમારો હેતુ એકદમ સ્પષ્ટ છે. અમે બહુજન સમાજના એવા યુવાનો, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ, જેઓ પોતપોતાના ક્ષેત્રમાં આગળ પડતા છે. જો સમાજ જ પોતાના યુવાધનને પ્રોત્સાહન નહીં આપે તો બીજું કોણ આપશે? એટલે જ અમે તેમના સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. અમારી ટીમના મોટાભાગના કાર્યકરો સામાન્ય પરિવારોમાંથી આવે છે. તેમના પર ઘરપરિવારની પણ જવાબદારી રહેલી છે. તેમ છતાં તેઓ તેમની બચતમાંથી સમાજ માટેની પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાથી અચકાતા નથી. આવા પ્રતિબદ્ધ લોકોને કારણે જ માન્યવર કાંશીરામ અને ડૉ. બાબાસાહેબ આંબેડક બહુજન ચળવળ ચલાવી શક્યા હતા. હાલની પરિસ્થિતિમાં આ પ્રકારની એક્ટિવિટીની સમાજને વધારે જરૂર છે ત્યારે અમે ઈચ્છીએ છીએ કે વધુને વધુ લોકો અમારી આ પ્રવૃત્તિમાં જોડાય અને સમાજ માટે યથાશક્તિ કામ કરતા રહે."

આ પણ વાંચો: કોણ છે રાજેશ યાદવ, મહાવીર સિંહ જેમને ડો. ભીમરાવ આંબેડકર રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.