દલિત સાધુઓને મહામંડળેશ્વર જાહેર કરાશે તો સાધુઓનું સન્માન ઘટશે

અખાડા પરિષદ દ્વારા દલિત સાધુઓને મહામંડળેશ્વર બનાવવાનો મામલો જાતિવાદ પર આવીને અટક્યો છે. અખિલ ભારતીય પૂજારી મહા સંઘે દલિત સાધુઓ પર સવાલ ઉભા કર્યા છે.

દલિત સાધુઓને મહામંડળેશ્વર જાહેર કરાશે તો સાધુઓનું સન્માન ઘટશે
image credit - Google images

મનુવાદની ધરી પર ટકેલા હિન્દુ ધર્મમાં વર્ષોથી એક ચોક્કસ જાતિના લોકો જ પૂજારી તરીકેની અનામત ભોગવી રહ્યા છે અને જ્યારે તેમની સામે કોઈ પડકાર ઉભો થાય ત્યારે તેઓ વર્ણ વ્યવસ્થાને વચ્ચે લાવીને પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવાની એક પણ તક છોડતા નથી. આવું જ કંઈક હાલ દલિત સાધુઓને મહામંડળેશ્વર બનાવવાને લઈને સામે આવ્યું છે. જેમાં ઉજ્જૈનમાં અખિલ ભારતીય પૂજારી મહાસંઘે કહ્યું છે કે, જો દલિત સાધુઓને મહામંડળેશ્વર જાહેર કરવામાં આવશે તો તેનાથી સમાજમાં સાધુઓનું સન્માન ઓછું થશે.

અખાડા પરિષદ દ્વારા 100 દલિત સમાજના સાધુઓને મહામંડળેશ્વર બનાવવાની વાત સામે આવ્યા બાદ ઉજ્જૈનના મહાકાલ મંદિરના પૂજારી અને અખિલ ભારતીય પૂજારી મહાસંઘે વાંધો ઉઠાવ્યો છે. તેમનો મૂળ ઈરાદો દલિત સમાજના સાધુ-સંતોને મહામંડળેશ્વર બનતા રોકવાનો છે, પરંતુ તેમણે તેના માટે તેમણે વિરોધને બદલે જાણે તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવતા હોય તેવો રસ્તો અપનાવ્યો છે. પૂજારી મહા સંઘે કહ્યું છે કે, સાધુની કોઈ જાતિ કે ધર્મ નથી હોતો, તેના માટે બધાં સરખા હોય છે. સાધુઓમાં દલિત, આદિવાસી કેમ? દલિતોના નામે જાતિવાદ થવા લાગશે તો દેશમાં સાધુ સંતોનું જે માન સન્માન છે તે ખતમ થઈ જશે.

આ પણ વાંચોઃ શા માટે સમ્રાટ અશોક ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?

પ્રતિકાત્મક તસવીર (image credit-Google Images)

પૂજારી મહા સંઘે પીએમને પત્ર લખ્યો
અખિલ ભારતીય પૂજારી મહા સંઘે અખાડા પરિષદને એક પત્ર લખ્યો છે, જેની એક કોપી વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પણ મોકલવાની વાત છે. મહા સંઘના અધ્યક્ષ મહેશ પૂજારી અને સચિવ રૂપેશ મહેતાએ જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી અમને ખબર પડી કે અખાડા પરિષદ 100 દલિત સાધુઓને મહામંડળેશ્વર બનાવશે. અમને એ વાતે વાંધો છે કે, જો સાધુઓમાં પણ દલિતોના નામે જાતિવાદ થવા લાગશે તો દેશમાં સાધુ સંતોનું જે માન સન્માન છે, તે ઓછું થશે અથવા ખતમ થઈ જશે.

મહેશ પૂજારીએ જણાવ્યું કે, જ્યારે કોઈપણ વર્ગની વ્યક્તિ સાધુ બને છે તો તે પોતાનું પિંડદાન કરી દે છે. તેનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી રહેતું. તેની કોઈ જાતિ કે વર્ણ નથી હોતું.( જો કે, તેઓ પોતાની જાતિની ઓળખ બધે જ આપે છે) તેના માટે સૌ સમાન હોય છે. ત્યારે સાધુઓમાં દલિત કેમ? અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ કહ્યું કે, આ વર્ગને સમાજની મુખ્યધારા સાથે જોડવો જરૂરી છે.

સાધુઓની ઓળખ પણ જાતિના આધારે
મહેશ પૂજારીએ કહ્યું કે, દલિત મહામંડળેશ્વર બનાવશો તો એ પણ સ્પષ્ટ કરો કે, નવનિયુક્ત મહામંડળેશ્વરના નામની આગળ દલિત લખશો? કેમ કે, તમે તો રાજકીય ગણિતની ટકાવારી અને વિશ્લેષણ સાથે પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું છે. શું તમારા અખાડાઓમાં આ વર્ગના લોકો નથી? તમારે તેની તપાસ કરવી જોઈએ અને અખાડાના જેટલા પણ મહામંડળેશ્વર છે તેમની જાતિના આધારે યાદી હિંદુ સમાજ સામે રજૂ કરવી જોઈએ. દરેકની નોખી ઓળખ માટે જે મહામંડળેશ્વર જે સમાજમાંથી આવે છે, તેમના નામની આગળ ઉપનામમાં એ પણ લખો કે આ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે કે દલિત છે.

ભાજપ સરકારના વખાણ કર્યા
રૂપેશ મહેતાએ જણાવ્યું કે, હાલમાં અમારા ઉજ્જૈનના સંતને ભારત સરકાર દ્વારા રાજ્યસભાના સભ્ય બનાવાયા છે. તેઓ વાલ્મિકી સમાજમાંથી આવે છે. એવી પણ જાણકારી મળી છે કે, ચારધામના મહામંડળેશ્વર કુંભાર સમાજમાંથી આવે છે. આવા બીજા પણ અનેક સાધુસંતો છે જેઓ બધાં સમાજમાંથી આવે છે. તમારા સંત સમાજમાં તો પહેલેથી જ સમરસતા છે તો આજે જાતિવાદનું નવું બીજારોપણ કેમ? આ સનાતન ધર્મ સંસ્કૃતિ માટે ઘાતક છે.

તેમણે બીજો પણ એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જો 100 મહામંડળેશ્વરની નિયુક્તિ થયા પછી તેમના દ્વારા તમારી પાસે અખાડા પરિષદના અધ્યક્ષનું પદ માંગવામાં આવ્યું તો શું તમે સામાજિક સમરસતા અને સમભાવ માટે તમારું અધ્યક્ષપદનો ત્યાગ કરશો? જે દિવસથી સનાતન ધર્મમાં રાજકીય હસ્તક્ષેપ બંધ થઈ જશે, તે દિવસથી સનાતન ધર્મની ધજાનો દંડ વિશ્વભરમાં લહેરાશે. અખિલ ભારતીય પૂજારી મહા સંઘે કહ્યું હતું કે, સાધુ સંતોમાં દલિતોનું વર્ગીકરણ કરીને તેમનું અપમાન ન કરો.

આ પણ વાંચોઃ ભાજપ આંબેડકરને યાદ કરે છે, પણ ભારતીય દૂતાવાસમાં તેમની કોઈ તસવીર કેમ નથી?

પ્રતિકાત્મક તસવીર (image credit-Google Images)

મામલો જાતિવાદનો છે
આધારભૂત સૂત્રોના મતે, અખિલ ભારતીય પૂજારી મહા સંઘ ભલે ડાહીડમરી વાતો કરે, પણ હકીકત તેનાથી તદ્દન ઉલટી છે. હકીકતે તેઓ દલિત સમાજમના સાધુઓ પૂજારી તરીકેની તેમની સદીઓની અનામતમાં ભાગ ન પડાવી જાય તેના માટે પાણી પહેલા જ પાળ બાંધી રહ્યાં છે. જો દલિત સાધુ સંતો મહામંડળેશ્વર બને તો કાલ સવારે તેઓ મંદિરોમાં પણ હક માંગશે. જે છેવટે તેમની સદીઓની અનામતમાં ભાગ પડાવશે. આવું ન થાય તે માટે દલિત સાધુસંતોની જાતિ જાહેર ન થાય તે માટે પગલાં લઈ રહ્યાં છે. સાથે જ સમગ્ર મામલામાં આરએસએસનો પણ હાથ હોવાનું સૂત્રો જણાવે છે. અખાડા પરિષદના ગુજરાતના અનેક સાધુઓ ભાજપ અને આરએસએસ સાથે નજીકનો સંબંધ ધરાવે છે. તેમના આશ્રમોમાં સંઘ પ્રેરિત કાર્યક્રમો થતા રહે છે. ગુજરાતમાં ઉભા થતા ધાર્મિક વિવાદોમાં તેઓ સંઘની ભાષા બોલે છે. એ જ તર્જ પર તેમણે લોકસભાની ચૂંટણી પહેલા દલિત સાધુઓને મહામંડળેશ્વર બનાવવાની વાત કરી હતી. જેથી દલિતોમાં હિંદુ ધર્મ અને તેના થકી ભાજપ-આરએસએસ પ્રત્યે સોફ્ટ કોર્નર પેદા કરીને મતો મેળવી શકાય. સાથે જ મહામંડળેશ્વર બનેલા દલિત સાધુઓ તેમના વતી દલિત સમાજ વચ્ચે જઈને ભાજપ-સંઘને સત્તામાં લાવવા માટે મદદરૂપ થઈ શકે. અમદાવાદના અનેક દલિત વિસ્તારમાં દલિત સાધુઓને મહામંડળેશ્વર બનાવવાના પ્રસંગના મોટા બેનરો લગાવવામાં આવ્યા હતા અને એ પણ બરાબર ગુજરાતમાં મતદાન થવાનું હતું તેના થોડા દિવસો પહેલા. ટૂંકમાં આખો મામલો, દલિતોની જાગૃત થઈ રહેલી એક આખી પેઢી કે જે ડો. બાબાસાહેબ આંબેડકર અને તથાગત બુદ્ધના રસ્તે વળી રહી છે તેને હિંદુ ધર્મ અને હિંદુત્વના નામે પોતાની સાથે રાખીને રાજકીય રોટલાં શેકી થકાય તે અંગેનો છે. આ ચાલ દલિતો સમજી ચૂક્યા હોવાથી તેણે ખાસ કંઈ રસ દાખવ્યો નથી. કેમ કે તેઓ સ્પષ્ટપણ માને છે કે, મનુસ્મૃતિના પાયા પર ઉભેલો હિંદુ ધર્મ કે તેના કથિત સાધુસંતો તેની અસ્પૃશ્યતાની સદીઓ જૂની બદ્દીને દૂર કરી શક્યા નથી, તે મહામંડળેશ્વર બની જાય તોય તેને કોઈ ફરક પડે તેમ નથી.

આ પણ વાંચોઃ આરએસએસ અને આંબેડકર બે વિરોધી ધ્રુવ હોવા છતાં સંઘ કેમ બાબાસાહેબના વખાણ કરે છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • MANUBHAI  NARANBHAI  PRIYADARSHI
    MANUBHAI NARANBHAI PRIYADARSHI
    આપના તરફથી ખૂબ ઉમદા જાણકારી મળે છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ ????
    10 months ago