શા માટે ‘સમ્રાટ અશોક’ ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?
આ વર્ષે 29 માર્ચ, 2023ના રોજ સમ્રાટ અશોકની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. એવા લોકો દ્વારા જેઓ અશોકની મહાનતા, ભારતમાં તેમના યોગદાન અને બૌદ્ધ ધર્મના પ્રસારમાં તેમના યોગદાનને ભૂલ્યા નથી. પરંતુ ભારતની સરકારોએ તે સમ્રાટ અશોકની અવગણના કરી જેમનું રાજ્ય પ્રતીક આજે પણ વપરાય છે. જેમના દ્વારા આપેલ ચક્ર, જેને અશોક ચક્ર કહેવામાં આવે છે, તે ભારતના ત્રિરંગામાં છે. કોંગ્રેસની સરકાર હોય, જનતા દળની સરકાર હોય, ગઠબંધન સરકારો હોય કે હવે ભાજપની સરકાર હોય, જો ભારતની તમામ સરકારોએ સમ્રાટ અશોકની અવગણના કરી છે તો પ્રશ્ન એ થાય છે કે શા માટે? શરૂઆત સમ્રાટ અશોકથી કરીએ જેથી તમે સમ્રાટ અશોકની મહાનતા સમજી શકો.
સમ્રાટ અશોકનો પરિચય ઈ.સ. પૂર્વે 304થી 232 સુધી ઉલ્લેખિત છે. તે ભારતીય મૌર્ય વંશના મહાન સમ્રાટ હતા. તેમનું પૂરું નામ દેવાનાંપ્રિય અશોક હતું. તેમનું શાસન પ્રાચીન ભારતમાં ઈ.સ. પૂર્વે 269થી 232 સુધી હતું. તમામ સ્ત્રોતો અનુસાર, મૌર્ય વંશના ચક્રવર્તી સમ્રાટ અશોકનું સામ્રાજ્ય હિંદુકુશ, ઉત્તરમાં તક્ષશિલાથી લઈને દક્ષિણમાં ગોદાવરી નદી, સુવર્ણગિરી ટેકરી અને મૈસૂર સુધી અને પૂર્વમાં બંગાળ પાટલીપુત્રથી પશ્ચિમમાં ઈરાન, બલૂચિસ્તાન, અફઘાનિસ્તાન સુધી પહોંચ્યું હતું. સમ્રાટ અશોકનું સામ્રાજ્ય આજના સમગ્ર ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશના મોટાભાગના પ્રદેશો પર હતું, આ વિશાળ સામ્રાજ્ય તે સમયથી સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય રહ્યું છે.
આ કારણથી સમ્રાટ અશોકને 'ચક્રવર્તી સમ્રાટ અશોક' કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે - 'સમ્રાટોના સમ્રાટ'. ભારતમાં આ સ્થાન માત્ર સમ્રાટ અશોકને મળ્યું છે. સમ્રાટ અશોક અદ્ભુત વહીવટ કાર્યક્ષમ અને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પણ જાણીતા છે. આ કારણે આજના બૌદ્ધ સમાજમાં સમ્રાટ અશોકને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવે છે.
સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર ભારત સિવાય શ્રીલંકા, અફઘાનિસ્તાન, પશ્ચિમ એશિયા, ઇજિપ્ત અને ગ્રીસમાં કર્યો. સમ્રાટ અશોક તેમના સમગ્ર જીવનમાં એક પણ યુદ્ધમાં પરાજીત નહોતા થયા. તેમણે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા મોકલ્યા હતા.
આટલું કર્યું હોવા છતાં, સમ્રાટ અશોક ભારતના શાસકોમાં અદ્રશ્ય છે. સત્તા પર બેઠેલા લોકો તેમની મહાનતાનો ઉલ્લેખ કરતા નથી. વાસ્તવમાં, ભારતમાં સત્તા પર બેઠેલા લોકો સમ્રાટ અશોકને ચક્રવર્તી રાજા તરીકે યાદ કરવા માંગે છે, પરંતુ તેઓ સમ્રાટ અશોકને એવા મહાન રાજા તરીકે યાદ કરવા માંગતા નથી કે જેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને જેના કારણે માત્ર ભારત જ નહીં પરંતુ ઘણા ભાગોમાં એશિયા બૌદ્ધ બન્યું. કારણ કે આમ કરવું તેમને ગમતું નથી.
હકીકતમાં, સમ્રાટ અશોક અને બૌદ્ધ ધર્મ સાથેના તેમના જોડાણની વાત ઐતિહાસિક કલિંગ યુદ્ધ પછી ફળીભૂત થઈ. જોકે તે પહેલાથી તે કેટલાક બૌદ્ધ સાધુઓના સંપર્કમાં હતા. પરંતુ જ્યારે કલિંગ યુદ્ધમાં લાખો લોકો માર્યા ગયા, ત્યારે સમ્રાટ અશોક ભારે વ્યથિત થઈ ગયા. તેમનું હૃદય માનવતા પ્રત્યે દયા અને કરૂણાથી ભરાઈ ગયું અને તેમણે ફરીથી ક્યારેય યુદ્ધ ના કરવાની પ્રતિજ્ઞા લીધી. અહીંથી અશોકના આધ્યાત્મિક અને ધમ્મ જીવનનો યુગ શરૂ થયો. અને મહાન ચક્રવર્તી સમ્રાટે મહાન બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો.
અશોકની આ ઓળખ ભારતમાં એક પછી એક સત્તા પર આવતા નેતાઓ અને રાજકીય પક્ષોને અનુકૂળ નથી. કારણ કે જો તે સમ્રાટ અશોકનો ઉલ્લેખ કરશે તો તેણે અશોકની મહાનતાનો ઉલ્લેખ કરવો પડશે. તેમના શાસનકાળ દરમિયાન થયેલા તમામ ઐતિહાસિક કાર્યોને યાદ કરવા પડશે. તેમણે જણાવવું પડશે કે સમ્રાટ અશોકના સમયમાં જ 23 વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં વિશ્વવિખ્યાત તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, કંદહાર વગેરે વિશ્વવિદ્યાલયો મુખ્ય હતી. તેમણે જણાવવું પડશે કે વિશ્વના બુદ્ધિજીવીઓ અને ઈતિહાસકારો સમ્રાટ અશોકના શાસનકાળને ભારતીય ઈતિહાસનો ‘સુવર્ણ યુગ’ માને છે. તેમણે કહેવું પડશે કે તે સમ્રાટ અશોકનું જ શાસન હતું, જેમાં ભારત ‘વિશ્વ ગુરુ’ હતું અને તેને ‘સોને કી ચિડીયા’ કહેવામાં આવતું હતું, જેમાં જનતા ખુશ હતી, લોકો વચ્ચે કોઈ ભેદભાવ ન હતો.
આજની સરકારોને જણાવવું પડશે કે સૌથી પ્રસિદ્ધ હાઇવે ‘ગ્રાન્ડ ટ્રંક રોડ’ જેવા ઘણા હાઇવે સમ્રાટ અશોકના જ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યા હતા. લોકોના રહેવા માટે ધર્મશાળાઓ બનાવવામાં આવી હતી. મનુષ્યો માટે તો ઠીક, સમ્રાટ અશોકના શાસનમાં પ્રથમ વખત પ્રાણીઓ માટે ચિકિત્સાલયો (હોસ્પિટલો) ખોલવામાં આવી હતી. પ્રાણીઓની હત્યા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
પરંતુ આગળ કહ્યું તેમ ભારતમાં સત્તા પર રહેલા લોકોને આ અનુકૂળ નથી. કારણ કે જ્યારે તે અશોકનો ઉલ્લેખ કરી એમની મહાનતાનો ઉલ્લેખ કરશે ત્યારે પ્રશ્ન થશે કે હવે અશોક જેવું શાસન કેમ નથી? પ્રશ્ન એ થશે કે સમ્રાટ અશોકના સમયે ભારત બૌદ્ધમય હતું, તો પછી બૌદ્ધ ધર્મનો અંત કેવી રીતે થયો? અને આ સવાલના જવાબમાં ઘણા લોકોના મહોરાં ઉતરી જશે. આવા અનેક લોકોના નામ આવશે, ઈતિહાસ વખોડ્યું જશે. ભારતની સરકારો એ ઈતિહાસને દબાવવા માંગે છે.
પછી બૌદ્ધ ધર્મની વાત પણ આવશે. ભારતના શાસકોને કહેવું પડશે કે મગધ સામ્રાજ્યનો ઈતિહાસ જેનો સમ્રાટ અશોક હતો તે ભારતના ઈતિહાસનો હિસ્સો રહ્યો છે. તેમણે જણાવવું પડશે કે સમ્રાટ અશોકે તેમના સામ્રાજ્યના દરેક ખૂણામાં શિલાલેખો, સ્તંભ શિલાલેખ અને અન્ય રેકોર્ડ્સ દ્વારા સામાન્ય લોકોને નૈતિકતા તથા જીવન સુધારણાની કળા શીખવી હતી. જણાવવું પડશે કે અશોકના બે નાના શિલાલેખ, 14 મોટા શિલાલેખ, 07 સ્તંભ લેખ, ત્રણ ગુફા લેખ, ચાર નાના સ્તંભ લેખ, બે સ્મારક સ્તંભ લેખો મળી આવ્યા છે. આ શિલાલેખોની ઘણી આવૃત્તિઓ વિવિધ સ્થળોએ કોતરવામાં આવી છે. તેમણે કહેવું પડશે કે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે 84,000 બૌદ્ધ સ્તૂપ બનાવ્યા હતા. વાત અહીં જ અટકી જાય છે. કારણ કે અશોકનો બૌદ્ધ પ્રેમ હિંદુ રાષ્ટ્રના નિર્માણની દોડમાં મોટો અવરોધક છે.
તેથી જ ભારતમાં સત્તા પર બેઠેલા લોકો અશોકના સમયમાં કોતરેલા પ્રતીકાત્મક પ્રતીકનો ઉપયોગ કરશે, જેને આપણે 'અશોક પ્રતીક' તરીકે જાણીએ છીએ અને જે આજે ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. તેઓ તેને ભારતીય રાષ્ટ્રધ્વજમાં સમ્રાટ અશોકના શાહી પ્રતીક ‘અશોક ચક્ર’ તરીકે મૂકશે. તેઓ સમ્રાટ અશોકના શાહી પ્રતીક ‘ચારમુખી સિંહ’ ને ભારતીય ‘રાષ્ટ્રીય પ્રતીક’ તો માનશે, દેશની સેનાનું સૌથી મોટું યુદ્ધ સન્માન, સમ્રાટ અશોકના નામ પર ‘અશોક ચક્ર’ આપશે, પરંતુ ભારતના આ મહાન સમ્રાટ અશોકને યાદ નહીં કરે.
નવાઈની વાત એ છે કે સમ્રાટ અશોક પહેલા કે પછી ક્યારેય એવો કોઈ રાજા કે સમ્રાટ થયો નથી કે જેણે ‘અખંડ ભારત’ પર એકલા હાથે શાસન કર્યું હોય અને જેના નામ સાથે વિશ્વભરના ઇતિહાસકારો ‘મહાન’ શબ્દ જોડે છે. નવાઈની વાત છે કે, તેમના પોતાના દેશમાં તેમની જન્મજયંતિ ઉજવવામાં આવતી નથી કે જાહેર રજા પણ નથી અપાતી.
જરા વિચારો, જો સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો ન હોત તો પણ શું ભારતની સરકાર અને આઝાદી પછી સત્તા પર બેઠેલા લોકોએ તેમની આ રીતે જ અવગણના કરી હોત? કદાચ ના. સરકારો કદાચ સમ્રાટ અશોકને ભૂલી જવા માંગે છે, પરંતુ ભારતનો બહુજન સમાજ આજે પણ તે ‘ધ ગ્રેટ અશોક સમ્રાટ’ને માન આપે છે, આ જ સમાજ છે જે અશોક જયંતિ પર કાર્યક્રમોનું આયોજન કરે છે, સમ્રાટ અશોકને યાદ કરે છે. ભારતે અને ભારતની સરકારે પણ આ મહાન સમ્રાટને એ સન્માન આપવું પડશે જેને તેઓ હકદાર છે. આ માટે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.
આ પણ વાંચો:બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં કેવી રીતે ઉપયોગી છે પેરિયારનું ‘સાચી રામાયણ’ પુસ્તક?